ગાંધીનગરના સેકટર - 8 માં ચર્ચની રહેતા નિવૃત જોઈન્ટ સેક્રેટરીનાં બંગલાની બારીનો લોખંડનો સળિયો કાપી ઘરમાં અંદર પ્રવેશી તસ્કરો રૂ. 8.70 લાખના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ. 10.91 લાખનો મુદામાલ ચોરીને સિફતપૂર્વક પલાયન થઈ ગયા હોવાની વધુ એક ઘરફોડ ચોરીની ફરિયાદ સેકટર - 7 પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે.
ગાંધીનગરના સેકટર - 8/સી પ્લોટ નંબર - 844 માં જોય ઇનાશુ ચિનાત પત્ની રોસીલી સાથે રહે છે. વર્ષ - 2010 માં દિલ્હી ખાતેથી અધિ અને જાહેર વિતરણ ખાતામાથી જોઇન્ટ સેક્રેટરી તરીકે વય નિવૃત થયેલા જોય ચિનાત પત્ની સાથે ગત તા. 6/12/2022 ના રોજ ઘરને લોક કરી બેંગ્લોર ખાતેનાં તેમના મકાનમા રિનોવેશનનાં કામ માટે ત્યાં રહેવા ગયા હતા.
જે કામ પૂર્ણ થતાં ગઈકાલે બપોરના સમયે ઘરે પરત ગાંધીનગર આવ્યા હતા. ત્યારે ઘરનો દરવાજો ખોલીને અંદર પ્રવેશતાં જ તમામ સર સામાન વેરવિખેર પડેલો જોઈને ચોંકી ઉઠયા હતા. અને ઘરમાં તપાસ કરતા માલુમ પડયું હતું કે, બેડરૂમની ખુણાની બારી નો લોખંડનો સળિયો કાપીને સ્ટોપર તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશી તિજોરીમાંથી રૂ. 5.30 લાખની કિંમતના બે સોનાનો હાર,નાના છોકરાઓને હાથમા પહેરવાના સોનાના છડા નંગ-4, સોનાના સિક્કા 8 સિક્કા, ચાંદીની ત્રણ ડીશો, ચાંદીની વાટકીઓ નંગ 10, ચાંદીની ચમચીઓ નંગ 6 તથા ચાંદીના ગ્લાસ આશર નંગ 12 તેમજ રૂ. 1.50 લાખની રોકડ મળી કુલ રૂ. 10 લાખ 70 હજારનો મુદ્દામાલ ચોરી ગયા છે.
આ બનાવની જાણ થતાં જ સેકટર - 7 પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ડોગ સ્કવોર્ડ તેમજ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટને બોલાવી આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. જો કે ઉક્ત મકાન ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી પોલીસ પણ અવઢવમાં મુકાઈ ગઈ છે. આ અંગે હાલમાં તો પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવીની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.