દહેગામના લવાડ રોડ પરના ભુવનેશ્વર મંદિરમાં ત્રાટકી તસ્કરો માતાજીના આભૂષણો તેમજ આખે આખી દાનપેટી ચોરીને નાસી ગયા હતા. ત્યારે બીજા દિવસે દાન પેટી મંદિરની પાછળ આવેલા ખુલ્લા ખેતરમાંથી તૂટેલી હાલતમાં મળી આવી હતી. આ અંગે દહેગામ પોલીસે રૂ. 42 હજારની મત્તા ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દહેગામ લવાડ રોડ પર આવેલ ભુવનેશ્વરી મંદિરમાં છેલ્લા પંદરેક વર્ષથી પૂજારી તરીકે સેવા આપતા પાર્થ મહેન્દ્રભાઈ વ્યાસે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 29/11/2022 ના રોજ મંદિરનું કામકાજ પૂર્ણ કરી રાત્રીના પોણા બારેક વાગે મંદિરની પાસેની ઓરડીમાં જઈને સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે પાંચ વાગે ઊઠીને જોયેલ તો મંદિરનો દરવાજો ખુલ્લો હતો. અને મંદિરમાં ચોરી થયાનું માલુમ પડયું હતું.
ત્યારે પૂજારીએ મંદિરમાં વધુ તપાસ કરતાં માતાજીના ચાંદીનો મુગટ, ચાંદીનુ છત્તર, તાંબાનું યંત્ર, ચાંદીની પાવડી, ચાંદીની પાવડી, ચાંદીનો નાનો ગ્લાસ સહિત આખે આખી દાન પેટી પણ તસ્કરો ચોરીને નાસી ગયા હોવાનું માલુમ પડયું હતું. આ મામલે તેમણે આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી. અને બીજા દિવસે મંદિરની પાછળના ખુલ્લા ખેતરમાંથી દાન પેટી બિન વારસી હાલતમાં મળી આવી હતી.
જેમાં અંદાજીત 5 હજારની રોકડ રકમ હતી. આમ માતાજીનાં આભૂષણો અને 5 હજાર રોકડ મળીને કુલ રૂ. 42 હજારની ચોરી મામલે આજદિન સુધી કોઈ પત્તો નહીં લાગતાં પૂજારીની ફરિયાદના આધારે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.