ગાંધીનગરના કોબા પ્રેક્ષા વિશ્વભારતીનાં બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો કોઈ કિંમતી ચીજ હાથમાં નહીં આવતાં મકાનમાં લગાવેલા સાત પંખા, બે એસીનાં કોમ્પ્રેસર, બાથરૂમનાં નળ, ગેસ સિલિન્ડર તેમજ પાણીની ઈલેક્ટ્રીક મોટર સહિત 20 હજાર 600 ની મત્તા કાઢી ચોરીને લઈ જતા ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગાંધીનગરનાં કોબા પ્રેક્ષા વિશ્વભારતીનાં બંધ મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. જો કે લાંબા સમયથી બંધ મકાનમાં કોઈ કિંમતી ચીજ વસ્તુ મળી નહીં આવતાં તસ્કરોએ ફેરો ફોગટ કરવાની જગ્યાએ મકાનમાંથી પંખા, નળ સહિતની ચીજો કાઢી લીધી હતી. અમદાવાદ લો ગાર્ડન સોસાયટીમાં રહેતાં 78 વર્ષીય મૃદુલાબેન બાદરમલ જૈનનું કોબા પ્રેક્ષા વિશ્વભારતીમાં મકાન આવેલું છે. જે છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. ઘણીવાર મૃદુલાબેન બંધ મકાનની સાફ સફાઈ માટે આવતાં જતાં રહે છે.
આજે મૃદુલાબેન તેમની પુત્રવધૂ બબીતાને લઈને ઉક્ત મકાને આવ્યા હતા. ત્યારે મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો. અને ઘરનો સર સામાન વેર વિખેર પડ્યો હતો. જયારે ઘરના મેઈન રૂમ, બેડરૂમ, તેમજ રસોડાની સીલિંગનાં પંખા ગાયબ હતા. અને રસોડા માં ગેસ સિલિન્ડર પણ જોવા મળ્યો ન હતો.
બાદમાં તેમણે ઉપરના રૂમમાં જઈને તપાસ કરતાં ચાર સીલિંગ પંખા પણ ગાયબ હતા. ઉપરાંત બે એર કન્ડિશનના બે કોમ્પ્રેસર, બાથરૂમમાં લગાવેલા નળ તેમજ પાણીની ઈલેક્ટ્રીક મોટર પણ જોવા મળી ન હતી. આ મામલે જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ મથકના પીએસઆઇ પી આર બલાત સ્ટાફના માણસો સાથે પહોંચી ગયા હતા. અને મૃદુલાબેનની ફરીયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.