તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરોનો તરખાટ:કલોલના ધારાસભ્ય બલદેવજી ઠાકોરના બંગલોમાં તસ્કરો ત્રાટક્યા, સોનાના દાગીના, ત્રણ Led TV, રોકડ મળી રૂ. 8. 51 લાખની મતા ચોરાઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
કલોલસ્થિત બંગલોમાં તસ્કરો ત્રાટક્યા હતા.
  • અગાઉ પણ મારા ઘરે ચોરીની ઘટના બની હતી, જે અંગે હજી સુધી ફળદાયી કાર્યવાહી થઈ નથી: ધારાસભ્ય

ગાંધીનગરના કલોલના ધારાસભ્ય બલદેવજી ઠાકોરના કલોલમાં આવેલા બંગલોમાં તસ્કરોએ ત્રાટકીને હાહાકાર મચાવી દીધો હતો. ધારાસભ્યના બંગલોમાંથી તસ્કરો ત્રણ led TV, સોનાના દાગીના તેમજ બે લાખ રૂપિયા રોકડા સિફતપૂર્વક ચોરી કરીને નાસી જતાં રાત્રિ કર્ફ્યૂની પોલીસની કામગીરી પર સવાલો ઊઠવા પામ્યા છે. હાલમાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી તસ્કરોએ ચોરીની ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો એની મથામણમાં લાગી ગઈ છે. પોલીસ તપાસ દરમિયાન ધારાસભ્યના બંગલોના મુખ્ય દરવાજાનું તાળું તોડી કુલ. રૂ 8.51 લાખથી વધુની મતા ચોરાઈ હોવાનું સામે આવ્યું છે.

કલોલના બંગલોમાં તસ્કરો ત્રાટક્યા હતા
કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર ગાંધીનગર મુકામે રોકાયા હતા. એ દરમિયાન ગઈ મોડી રાત્રિના સમયે તેમના કલોલના બંગલોમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ઠંડા કલેજે ધારાસભ્યના બંગલોમાં તમામ સરસામાન વેરવિખેર કરી નાખીને ત્રણ એલઈડી ટીવી, બે ઘડિયાળ સીસીટીવીના ડીવીઆર તેમજ બે સોનાના દોરા ઉપરાંત રોકડા બે લાખની ચોરી કરી સનસનાટી મચાવી દીધી હતી.

ધારાસભ્ય બલદેવજી ઠાકોરે પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો.
ધારાસભ્ય બલદેવજી ઠાકોરે પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો.

આ અંગે ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે રાત્રિ દરમિયાન તસ્કરો ઘરમાંથી ચોરી કરીને નાસી ગયા છે. ઘરનો તમામ સામાન વિખેરી નાખીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. અગાઉ પણ મારા ઘરે ચોરીની ઘટના બની હતી, જે અંગે હજી સુધી ફળદાયી કાર્યવાહી થઈ નથી.

પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા
તેમણે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવીને આક્ષેપ કર્યો હતો કે કલોલ વિસ્તારમાં જે પ્રકારે દિનપ્રતિદિન ચોરીની ઘટનાઓ બની રહી છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે કાયદો વ્યવસ્થાના નામે પોલીસની કામગીરી મીંડું છે. પોલીસને દારૂ-જુગારના અડ્ડાઓ તેમજ ગેરકાયદે પ્રવૃત્તિઓની બાબતોમાં જ રસ હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ચોરીની જે રીતે ઘટનાઓ બની રહી છે એ જોતાં પોલીસ પોકળ લાગી રહી છે. વધુમાં ધારાસભ્ય ઉમેર્યું હતું કે ગઈકાલે તસ્કરોએ ચોરીની ઘટનાને જે અંજામ આપ્યો છે એમાં સોનાના દાગીના, ટીવી તેમજ બે લાખ રોકડાની ચોરાઈ છે. હજી પણ ઘરમાં એક તિજોરી છે, જેમાં મારા દીકરાના સાળાનાં ઘરેણાં પડી રહ્યાં છે.

સોના-ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરી.
સોના-ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરી.

8.51 લાખની ચોરી થઇ હોવાનું સામે આવ્યું
તિજોરી વજનદાર હોવાથી એને ખસેડી શકાય તેમ નથી. ઉપરાંત આ તિજોરીમાંથી કેટલાની મતા ગઈ છે એ હજી મને ખ્યાલ નથી. તસ્કરોની ફિંગરપ્રિન્ટ હોવાની આશંકાએ આ તિજોરીની ચકાસણી પોલીસની હાજરીમાં કરવામાં આવે, પછી જ એમાંથી કેટલાં ઘરેણાં ચોરાયાં છે એ ખબર પડશે. ત્યારે હાલમાં પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ તેમજ ડોગ-સ્કોડને બોલાવીને તસ્કરોનું પગેરું શોધવાની મથામણ કરી રહી છે. આ અંગે કલો ડીવાયએસપીએ જણાવ્યું હતું કે બંગલોમાંથી સોનાના દાગીના અને બે લાખ રોકડ, ડીવીઆર, ત્રણ-ત્રણ એલઇડી ટીવી સહિત કુલ રૂપિયા 8.51 લાખની મતા ચોરાઈ હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...