ગાંધીનગરના સેકટર - 13 માં બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ ઠંડા ક્લેજે ઘરનો સર સામાન ફેંદી નાખી તિજોરી તોડીને અંદરથી 5 લાખ રોકડા તેમજ 12.95 લાખના સોના ચાંદીના ઘરેણા મળીને કુલ રૂ. 17.95 લાખની મત્તા ચોરીને પલાયન થઇ જતાં સેકટર - 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચારે તરફ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ઉપરાંત પોલીસ પણ સઘન પેટ્રોલિંગ કરતી રહેતી હોય છે. તેમ છતાં શહેરમાં ઉપરાછાપરી મિલકત સંબંધી ગુનાઓ આચરી ગુનેગારો સિફતપૂર્વક પલાયન થઈ જાય છે. હજી ઘ - 4 પાસેના વિસ્ટા ગાર્ડનમાં યુગલને ધાક ધમકીઓ આપી ગુનેગારો છરી બતાવીને કાર - મોબાઈલની લૂંટ કરીને અંજામ આપી નાસી છુટયા છે. આવા ઘણા મિલકત સંબંધી ગુનાઓ વણ ઉકેલ્યા છે એવામાં સેકટર - 13 માં ઘરફોડ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે.
ગાંધીનગરના સેકટર - 13/એ પ્લોટ નંબર 437/1 માં રહેતા મૂળ કલોલના રાજેશભાઈ ગોવિંદભાઈ ઠાકોરનાં પરિવારમાં પત્ની જ્યોતિબેન તથા પુત્ર યગ્નવ છે. છૂટક ડ્રાઈવીંગ કરતાં રાજેશભાઈ સાસુ અમદાવાદના ઘુમા ખાતે રહે છે. સાસરી પક્ષના સુખી સંપન્ન હોવાથી દુકાનનાં ભાડા તેમજ જમીનો હોવાથી રાજેશભાઈ આર્થિક વહીવટ કરતા હોય છે.
ગત તા. 9 મી જાન્યુઆરીનાં રોજ રાજેશભાઈ પરિવાર સાથે સાસરીમાં ગયા હતા. અને ત્યાં જ ત્રણ દિવસથી રોકાયા હતા. આજે સવારે વહેલા પાડોશી જગદીશભાઈએ ફોન કરીને મકાનનો દરવાજો ખુલ્લો હોવાની જાણ કરતા રાજેશભાઈ તાત્કાલિક ગાંધીનગર આવી પહોંચ્યા હતા. ત્યારે માલુમ પડયું હતું કે તસ્કરોએ ઘરનો મેઇન દરવાજાનો નકુચો તોડી ઘરનો સર સામાન ફેંદી નાખ્યો હતો. અને બેડરૂમની તિજોરીનું ડ્રોવર તોડી અંદરથી રોકડા 5 લાખ, આશરે પાંચેક તોલાનું સોનાનું મંગળસૂત્ર, સોનાનુ આશરે 4 તોલાનું લોકીટ, ચાર નંગ ચોરસ તથા ટપકાના ભાતવાળી 4 તોલાની સોનાની બંગડીઓ, આશરે 5 તોલાનો સોનાનો દોરો,દોઢ તોલાનો સોનાનો દોરો, એક તોલાનું સોનાનુ કડુ, આશરે 8.5 તોલાની સોનાની બુટ્ટી, દોઢ તોલાની સોનાની બુટ્ટી, ચાર નંગ સોનાની વીંટી, એક તોલાની સોનાની સેરો, એક તોલાનો સોનાનો દોરો, એક તોલાની સોનાની કડીયો, અઢી કિલો કિલો ચાંદીનાં દાગીના મળીને કુલ રૂ. 17.95 લાખની મત્તા તસ્કરો ચોરીને પલાયન થઈ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.