તસ્કરોનો હાથફેરો:ગાંધીનગરમાં નિવૃત સેકશન ઓફિસરનાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો, દાગીના અને રોકડ રકમ મળી 5 લાખની મત્તા ચોરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધ દંપતી સામાજિક પ્રસંગમાં હાજરી આપી આઠ દિવસથી અમદાવાદના ઘરે રોકાયા હતા

ગાંધીનગરના સેકટર 6 ખાતે રહેતા નિવૃત સેકશન ઓફિસરનાં એક અઠવાડિયાથી બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરો મકાનના તાળા તોડી સરસામાન ફેંદી નાખી અંદરથી સોના ચાંદી ના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ. રૂ. 5 લાખ 2 હજારનો મુદ્દામાલ ચોરીને સિફતપૂર્વક પલાયન થઈ ગયા હોવા અંગેનો ગુન્હો સેકટર - 7 પોલીસ મથકમાં નોંધવામાં આવ્યો છે.

ગાંધીનગરના સેકટર - 6/બી પ્લોટ નંબર - 635/1 માં મહેશભાઈ વલ્લભદાસ રાજપુરા અને તેમની પત્ની અમિતાબેન રહે છે. મહેશભાઈ વર્ષ - 2016 માં નવા સચિવાલયના સામાન્ય વહીવટી વિભાગ માંથી સેકશન ઓફિસર તરીકે નિવૃત થયા હતા. જેમનું એક મકાન અમદાવાદના પાલડી ખાતે પણ છે. જેથી દંપતી અવારનવાર પાલડી રહેવા પણ જતાં હોય છે.

ઘણા વર્ષોથી તેમના ઘરે કૂંડાઓમાં પાણી છાંટવા તેમજ ગાડી ધોવા માટે ગણેશભાઈ આવે છે. ગત તા. 9મી ઓક્ટોબરના રોજ સાળા રાગેશભાઈનાં ઘરે સામાજિક પ્રસંગ હોવાથી દંપતી તેમના ઘરે ગયું હતું. જ્યાં પ્રસંગ પૂર્ણ થયા પછી તેઓ પોતાના પાલડી ખાતેના મકાને રહેવા માટે ગયા હતા.

આજે સવારે ગણેશભાઈએ ઘરનો દરવાજો ખુલ્લો હોવાની જાણ કરી હતી. આથી તેમના કહેવાથી ગણેશભાઈ અને પાડોશી હંસાબેન ઘરમાં જઈને તપાસ કરતા માલુમ પડયું હતું કે ઘરમાં ચોરી થઈ છે. જેનાં પગલે મહેન્દ્રભાઈ તુરંત ગાંધીનગર આવી ગયા હતા.

જેમણે ઘરમાં તપાસ કરતાં ઘરનો સર સામાન વેર વિખેર પડ્યો હતો. મુખ્ય દરવાજાનું લોક તૂટેલું હતું. અને બેડરૂમમાં લાકડાનું કબાટ પણ ખુલ્લું હતું. તેમજ પ્રથમ માળે પેસેજમાં મુકેલ લોખંડની તિજોરી પણ ખુલ્લી હાલતમાં હતી. જેનું ડ્રોઅર તૂટેલું હતું.

બાદમાં મહેન્દ્રભાઈએ ઘરમાં ઝિણવટ પૂર્વક સામાનની ચકાસણી કરતાં બે જોડ સોનાના બંગડી 5 તોલા કિ. રૂ. 2.30 લાખ, અડધા તોલા વજનની 3 સોનાની લેડીઝ રીંગ કિ. રૂ 23 હજાર, સોનાની ડાયમંડ વાળી બુટ્ટી રૂ. 20 હજાર, 3 તોલાનું સોનાનું ગળામાં પહેરવાનું ડોકિયું રૂ. 1.38 લાખ, એક તોલા ની સોનાની ચેઈન રૂ. 46 હજાર, ચાંદીનો લોટો રૂ. 30 હજાર, ચાંદીની સાંકળ રૂ. 12 હજાર તેમજ રોકડા રૂ. 3 હજાર તસ્કરો ચોરી ગયા હોવાનું માલુમ પડયું હતું. જેમની ફરિયાદના આધારે સેકટર - 7 પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તસ્કરો ઘરમાંથી 4.99 લાખના દાગીના ચોરી ગયા
સે-6 ખાતેના ઘરમાંથી 2.30 લાખની સોનાની બે જોડ બંગડી, 1.38 લાખનું ગળામાં પહેરવાનું સોનાનું ડોકીયું, 46 હજારની સોનાની ચેઈન, 23 હજારની સોનાની ત્રણ રિંગ, 20 હજારની સોનાની બુટ્ટી, પાણી પીવા માટેનો 30 હજારનો ચાંદીનો લોટો, 12 હજારની ચાંદીની સાંકળ મળી કુલ 4.99 લાખના દાગીના તથા 3 હજાર રોકડા ચોરાયા હતા. સમગ્ર મુદ્દે સેક્ટર-7 પોલીસ ચોરીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

વધુ સમય માટે ઘર બંધ રહેવાનું હોય તો પોલીસને જાણ કરવા સૂચના
દિવાળીના તહેવારોમાં અનેક લોકો વતન જતાં હોવાથી પાટનગરમાં અનેક ઘર બંધ રહેતાં હોય છે. આવા સમયે તસ્કરોએ મોકળુ મેદાન મળતું હોય છે. ત્યારે પોલીસ દ્વારા દર વખતે નાગરિકોને અપીલ કરાય છે તેઓના લાંબા સમય સુધી બંધ રહેનારા ઘર અંગે પોલીસને જાણ કરો. જે માટે કોરો કાગળ પર સામાન્ય અરજી અને કેટલા દિવસ ઘર બંધ રહેશે તેની માહિતી આપવાની હોય છે. જેને પગલે પોલીસ પેટ્રોલિંગના સમયે આવા ઘરો પર ખાસ ધ્યાન રાખે છે.જેના કારણે શહેરીજનોએ પણ પોલીસની કામગીરીમાં સહકાર આપવા અપીલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...