તસ્કરોનો હાથફેરો:ગાંધીનગરના ઝુંડાલમાં મિલ્ટન કંપનીના ઘરવખરીના સામાનના ગોડાઉનમાં છતમાંથી તસ્કરો પ્રવેશ્યા, CCTVV બંધ કરી હાથ સાફ કર્યો

ગાંધીનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રોવરમાંથી 15 હજારની રોકડ ચોરીને ફરાર

ગાંધીનગરના ઝુંડાલમાં આવેલા જોશી ફાર્મ હાઉસમાં મિલ્ટન કંપનીની ઘરવખરીના ગોડાઉનમાં તસ્કરોએ છતનું પતરૂ ખોલીને અંદર પ્રવેશી લાઈવ સીસીટીવી કેમેરા બંધ કરીને ડ્રોવરમાંથી 15 હજારની રોકડ ચોરીને નાસી ગયા હોવાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી છે.

તાળા તોડવાની જગ્યાએ છતનું પતરૂ ખોલીને ચોરીને અંજામ આપ્યો
ગાંધીનગરના ઝુંડાલમાં આવેલ મિલ્ટન કંપનીની ઘરવખરીના ગોડાઉનમાં તસ્કરોએ ચોરી કરવા માટે તાળા તોડવાની જગ્યાએ છતનું પતરૂ ખોલીને અંદર પ્રવેશી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. ઝુંડાલમાં રહેતા પ્રવીણભાઈ ગર્ગ અત્રે જોશી ફાર્મમાં બનાવેલ ગોડાઉન ભાડે રાખી મિલ્ટન કંપનીની ઘરવખરીના સામાનનો વેપાર કરે છે. ગત તા. 16 મી જુલાઈના રોજ સાંજના આશરે સાડા સાતેક વાગે પ્રવિણભાઈ ગોડાઉન બંધ કરી ને ઘરે ગયા હતા.

સીસીટીવી કેમેરાનુ લાઇવ પ્રસારણ મોબાઇલમાં બંધ થયું
અને બીજા દિવસે 17મી જુલાઈએ રવિવારની રજા હોવાથી તેઓ ગોડાઉન પર આવ્યા ન હતા. અને ઘરે જ રહ્યા હતા. ત્યારે સવારના દસેક વાગે ગોડાઉનમાં લગાડેલ સીસીટીવી કેમેરાનુ લાઇવ પ્રસારણ મોબાઇલમાં બંધ થઈ ગયું હોવાનું માલુમ પડયું હતું. જેનાં પગલે શંકા પડતાં પ્રવિણભાઈ સાડા દસ વાગ્યાના અરસામાં ગોડાઉન પહોંચીને ગયા હતા.

ગોડાઉનની પતરાની છત ખોલીને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો
બાદમાં ગોડાઉનના કેમેરા ચેક કરતા તેમાં છેડછાડ કરવામાં આવી હોવાનું લાગ્યું હતું. જેથી ગોડાઉનનું શટર ખોલીને અંદર ઓફિસમાં તપાસ કરતાં બે અલગ અલગ ડ્રોવરમાં રાખેલા 15 હજાર ચોરાઈ ગયા હતા. જેનાં પગલે રાત્રે આવતાં સિક્યુરિટી ગાર્ડ વીરમ ભાઈને બોલાવીને ગોડાઉનમાં ચારે દિશા ચેક કરતાં ખબર પડી હતી કે ગોડાઉનની ઉપરની પતરાની છત ખોલીને તસ્કરોએ અંદર પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...