ચોરી:કોલવડા આંગણવાડીનાં તાળા તોડી તસ્કરો રસોડામાંથી ગેસના બાટલા ઉઠાવી ગયા, હડતાળ ચાલતી હોવાથી આંગણવાડી બંધ હતી

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેથાપુર પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગરના કોલવડા આંગણવાડી વાડીના દરવાજાનું તાળુ તોડી તસ્કરો અંદરથી ગેસના બાટલા ચોરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ત્યારે અત્રે કામ કરતી મહિલા કાર્યકર આંગણવાડીના કર્મચારીઓની હડતાલ ચાલતી હોવાથી આંગણવાડી ઉપર જતા ન હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આંગણવાડીના લોખંડના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો
ગાંધીનગરના સેકટર - 22 ખાતે રહેતા મૂળ કોલવડાનાં વતની દક્ષાબેન જીતેન્દ્રકુમાર નટવરભાઇ ઠાકર છેલ્લા 15 વર્ષથી કોલવડા, આંગણવાડી નં-6 માં કાર્યકર તરીકે નોકરી કરી રહ્યા છે. આજ રોજ સવારના દશેક વાગ્યાના સુમારે દક્ષાબેન તેમના પતિ સાથે કોલવડા આંગણવાડી ખાતે ગયા હતા. અને ત્યા જઇને જોયેલ તો આંગણવાડીના લોખંડના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો અને દરવાજાના સ્ટોપર ઉપર તાળુ લટકાવેલ હતુ.

તસ્કરોએ આંગણવાડીનો દરવાજો ખોલી રસોડામાંથી બાટલા ચોર્યા
આથી દંપતી આંગણવાડીનો દરવાજો ખોલી અંદર ગયેલા અને જોયેલ તો આંગણવાડીનો બીજો બધો સામાન જે તે પરિસ્થિતિમાં પડેલ હતો અને રસોડામાં જઇને જોયેલ તો ગેસના બે બાટલા જણાયેલ નહી. જેમા એક બાટલો ગેસની સગડી સાથે લગાવેલો હતો અને બીજો ખાલી બાટલો બાજુમા મૂકેલ હતો. આ અંગે આંગણવાડમાં હેલ્પર તરીકે કામ કરતા ચંદ્રિકાબેનને ફોન કરી પૂછતાંછ કરતાં તેઓ કલોલ સગાના ઘરે હોવાનું જણાવ્યું હતું. બાદમાં દક્ષાબેને સુપરવાઇજર છાયાબેન ગઢવીને ફોન કરી ઉપરોક્ત હકિકત જણાવી હતી.

આંગણવાડીના કર્મચારીઓની હડતાલ હોવાથી મહિલા ફરજ પર જતા ન હતા
ઉલ્લેખનીય છે કે આંગણવાડીના કર્મચારીઓની હડતાલ ગઇ તા. 5 સપ્ટેમ્બરથી આજદીન સુધી ચાલુ હોવાથી દક્ષાબેન પોતાની ફરજ ઉપર જતા ન હતા. આ દરમ્યાન બંધ આંગણવાડીનો ફાયદો ઉઠાવી તસ્કરો તાળા તોડીને ગેસના બાટલા ચોરી લીધા હતા. જે અંગે પેથાપૂર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...