તહેવારોમાં તસ્કરોનો તરખાટ:ગાંધીનગરમાં નવા પિંપળજ ખાતે તસ્કરોએ ચાર મકાનના તાળા તોડ્યા, દાગીના-રોકડ મળીને 96 હજારની મત્તાની ચોરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના નવા પિંપળજ ગામે આવેલા શપનવીલા રો હાઉસમાં તસ્કરો ત્રાટક્યાં હતા. એકસાથે ચાર મકાનોના તાળા તોડી બે મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ. 96 હજારની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. જેથી ફરિયાદ પેથાપુર પોલીસ મથકમાં નોંધવામાં આવી છે.
ચોરીની ઘટનાઓએ માઝા મૂકી
ગાંધીનગરમાં તહેવારો દરમિયાન તસ્કરોને મોકળુ મેદાન મળી ગયું હોય એમ એક પછી એક બંધ મકાનના તાળા તોડી તરખાટ મચાવી મિલ્કત સંબંધી ગુનાઓ આચરી સિફતપૂર્વક પલાયન થઈ જવાની ઘટનાઓએ માઝા મૂકી દીધી છે. સરગાસણમાં સૌદર્ય - 444 માં પાંચ મકાનના તરખાટ મચાવ્યાં પછી નવા પિંપળજ ગામે આવેલા શપનવીલા રો હાઉસમાં પણ ચાર મકાનોના તાળા તૂટયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે.
પરિવાર તહેવાર મનાવવા બહાર ગયો હતો
​​​​​​​
ગાંધીનગરના નવા પિંપળજ શપનવીલા રો હાઉસ, મહર્ષી અત્રી તપોવન સ્કુલ સામે રહેતા વિજયસિંહ ભીખુસિંહ ચાવડા ભદ્ર કોર્ટમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. ગઇ તારીખ 23 મી ઓક્ટોબરના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે તેઓ મકાન બંધ કરીને પરીવાર સાથે વતન રંગપુર ખાતે દિવાળી કરવા માટે ગયા હતા અને ગઈકાલે ગુરૃવારે ઘરે પરત ફર્યા હતા.
​​​​​​​​​​​​​​પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ દરમિયાન તેઓને માલુમ પડયું હતું કે, ઘરના દરવાજાનુ લોક તોડેલુ હતુ અને કોઇએ ચોરી કર્યાની જાણ થતાં વિજયસિંહે ઘરમાં અંદર જઈને તપાસ કરતાં તિજોરીનું લોકર તોડી સોના ચાંદીના દાગીના તસ્કરો ચોરી ગયાની જાણ થઈ હતી. બીજી તરફ સોસાયટીમાં રહેતા હીતેન્દ્રસિંહ કીશોરસિંહ ચાવડાના બંધ મકાન નંબર-2 ના ઘરની આગળના ભાગે દરવાજાની બાજૂમાં સ્લાઇડરની બારી તોડી તિજોરીમાંથી રૂ. 10 હજાર તેમજ સોનલબેન વાઘેલાનાં મકાન નંબર-37 અને સાહીલભાઇ જતીનભાઇ ઉપાધ્યાય મકાન નંબર 10 ની પણ બારીની સ્લાઇડર તોડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું ખુલ્યું હતું. આમ એકસાથે ચાર બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ કરતાં પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...