ગાંધીનગરના દોલારાણા વાસણા તેમજ છાલા ગામમાં ચાર દુકાનોના તાળા તૂટ્યાનું હજી પોલીસ પગેરૂ શોધી રહી છે. ત્યારે ગઈકાલે રાત્રે પણ કલોલ તાલુકાના બાલવા ગામે તસ્કરોએ ત્રાટકીને સહકારી દૂધ મંડળીના બે દૂધ કેન્દ્રો તેમજ એક પાર્લરનાં તાળા તોડીને અંદરથી 15 કિલો વજનના ઘીના 11 ડબ્બા, 500 ગ્રામના ઘીના 60 પાઉચ, રોકડ રકમ સહિત રૂ. એક લાખ 82 હજારથી વધુનો મુદ્દામાલ ચોરીને તસ્કરો રાત્રી કરફ્યુ દરમિયાન પણ આસાનીથી નાસી જવામાં સફળ રહ્યા હતા. જ્યારે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો હતો.
ગાંધીનગરમાં છેલ્લા બે દિવસથી તસ્કરોએ તરખાટ મચાવી દઇ પોલીસની ઉંઘ હરામ કરી દેવામાં આવી છે. રાત્રી કરફ્યુ દરમિયાન પણ એક પછી એક ચોરીની ઘટના બનતાં પોલીસનાં કડક રાત્રી કરફ્યુનાં દાવાની પોલ ખુલી જવા પામી છે. ચિંલોંડા પોલીસ મથકની હદમાં આવેલા દોલારાણા વાસણા તેમજ છાલા ગામમાં ચાર દુકાનોના તાળા તોડી આશરે 50 હજારની મત્તા ચોરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ ઘટના સંદર્ભે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મારફતે તસ્કરો સુધી પહોંચવાની દિશા નક્કી કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે પોલીસને ખુલ્લો પડકાર ફેંકીને તસ્કરો કલોલના બાલવા ગામમાં ત્રાટક્યા હતા.
શ્રી બાલવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા બાલવા ગામમાં બે દૂધ ડેરીના કેન્દ્રો ચલાવવામાં આવે છે. જેમાં દૂધ કેન્દ્ર-1 એસ.બી.આઈ બેંકની સામે અને બીજું દૂધ કેન્દ્ર-2 પાણીની ટાંકી પાસે આવેલું છે. બીપી આ બંને કેન્દ્રોમાં કુલ 15 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ગઈકાલે સાડા અગિયાર વાગ્યાના અરસામાં બંને કેન્દ્રોને બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે રાત્રીના અંધકારનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ બંને દૂધ કેન્દ્રોના તાળા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ દૂધ કેન્દ્રનો સામાન વેર વિખેર કરી નાખી તિજોરીનાં તાળા તોડી રોકડ રકમ તેમજ ગોડાઉનમાંથી 15 કિલો વજનના ઘીના ડબ્બા નંગ-11 તેમજ 500 એમ.એલ. વજનનાં ઘીના પાઉચ નંગ- 60ની ચોરી કરીને નાસી ગયા હતા.
આટલેથી સંતોષ ન થતાં તસ્કરો ગામની પ્રાથમિક શાળા પાસે આવેલા મહેન્દ્ર ચૌધરીના શ્રીજી પાર્લરનું પણ તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. બાદમાં પાલરનો તમામ સરસામાન વેરવિખેર કરી નાખીને રોવરમાંથી વીસ હજાર રોકડા તેમજ તમાકુના ડબ્બા 500 ગ્રામ વજનના 16 નંગ પણ ચોરીને રાત્રી કર્ફ્યુ દરમિયાન ફરાર થઈ ગયા હતા. આ અંગે સહકારી મંડળીના મંત્રી મુકેશ ચૌધરીની ફરિયાદના આધારે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.