તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:સરગાસણમાં જુગારનાે અડ્ડાે ચલાવતી ભાજપની મહિલા કાર્યકર સહિત 6 ઝડપાઈ ગયા

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરગાસણના શાંતિવિલા બંગલોઝમાં LCB-1ની રેડ

સરગાસણમાં શાંતીવિલા બંગલોઝ ખાતે ભાજપના મહિલા કાર્યકરના સંચાલન હેઠળ ચાલતા જુગારના અડ્ડાનો પર્દાફાશ થતા ભાારે ચકચાર મચી જવા પામી છે. આ સ્થળે ગાંધીનગર એલસીબી-1એ બાતમીના આધારે રેડ કરતાં મહિલા સહિત 6 લોકો ઝડપાયા છે. જેમની પાસે પોલીસે 51 હજાર રોકડા, એક કાર મળી 4.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગાંધીનગર એલસીબી-1એ બાતમીના આધારે સરગાસણમાં શાંતીવિલા બંગલોઝ ખાતે રેડ કરી તપાસ કરતા આવી વિગતો બહાર આવતા આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

અગાઉ ઉનાવા-ઉદેપુર જુગારકાંડમાં પકડાયેલો આરોપી જુગાર રમાડવામાં ભાગીદાર નીકળ્યો
ગાંધીનગર એલસીબી-1 પીઆઈ જે. જી. વાઘેલાના માર્ગદર્શનમાં સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં સરગાસણ શાંતિવિલા બંગલોઝમાં મકાન નં-13 ખાતે જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી પીએસઆઈ એ. જી. એનુરકારને મળી હતી. જેના આધારે પોલીસે રેડ કરતાં જુગારના અડ્ડાનું સંચાલન કરતી ભાજપની મહિલા કાર્યકર સહિત 6 લોકો ઝડપાઈ ગયા હતા. પકડાયેલા તમામ 6 લોકો પાસેથી પોલીસે 51,950 રોકડા, 4 લાખની અલ્ટીસ કાર, 12500ના 4 ફોન અને જુગાર રમવાના કોઈન નંગ-306 મળી કુલ 4,64,450નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે પોલીસની રેડમાં શરૂઆતમાં તો હિના પટેલ પોતે સંગઠનમાં હોવાનું કહીંને રોફ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસ તેના તાબે થઈ ન હતી.

પોલીસે ઘટના સ્થળે જ જુગાર અંગે પૂછતાં હિનાબહેન પટેલ કબૂલાત કરી હતી કે તે પોતાના ઓળખીતા જગદીશ પટેલ સાથે મળી ફોન પર સંપર્ક કરીને જુગાર રમવા માટે લોકોને બોલાવતા હતા. આ સાથે તેમણે પૈસા ઉઘરાવવા અને કોઈન આપવા જેવા કામ માટે સરફરાજને રાખ્યો હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે જે સ્થળે જુગાર રમાતો હતો તે ઘર હિના પટેલના ભાઈનું માલિકીનું છે પરંતુ તેઓ ત્યાં રહે છે. ઝડપાયેલા આ તમામ લોકો સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે. આ રીતે જુગારનો પર્દાફાશ થતા ચકચાર મચી છે.

જુગારના સ્થળેથી પકડાયેલા આરોપીઓ
પોલીસ તપાસમાં જુગારના સ્થળેથી પકડાયેલા આરોપીઓમાં હિનાબહેન સુરેશભાઈ પટેલ ( 13, શાંતિવિલા બંગલો),જગદીશભાઈ રણછોડભાઈ પટેલ (પટેલવાસ, વાવોલ),જિજ્ઞેશ નરહરીપ્રસાદ ભટ્ટ (ભટ્ટનો માઢ, વાવોલ),અંકિત બબાભાઈ પટેલ (વાલરૂ વાસ, ઉનાવા),કૃણાલ પરેશભાઈ પટેલ (36-પંચવટી રેસીડેન્સી, કલોલ) અને સરફરાજ ઈસ્માઈલભાઈ ફકીર(કુબેરનગર,વાવોલ)નો સમાવેશ થાય છે.

જગદીશ પટેલ ત્રીજી વાર પકડાયો
આરોપી જગદીશ પટેલ જુગારનો રીઢો ગુનેગાર છે. તે 17 જુલાઈએ રાત્રે ઉનાવામાં જમાદારના સંચાલનમાં ચાલતા જુગારના અડ્ડા પર પકડાયો હતો. જે બાદ તે 25 જુલાઈએ રાત્રે ઉદેપુરની હોટેલ ખાતે પકડાયો હતો ત્યારેે તેની સાથે ઉનાવા જુગારકાંડનો આરોપી શંભુ રબારી પણ પકાડાયો હતો. ત્યારે થોડા કેટલાક દિવસથી તેણે જ ભાજપની મહિલા કાર્યકર સાથે મળી જુગારનો અડ્ડો શરૂ કરતાં તે ત્રીજી વખત પકડાયો છે.

મગોડીમાં 6 જુગારી ઝબ્બે, 3 ફરાર
ચિલોડા પોલીસે મગોડીમાં ખેતરની ઓરડી પાસે ગુરૂવારે રાત્રે દોઢ વાગ્યે રેડ કરતાં 6 જુગારી ઝડપાયા હતા જ્યારે ત્રણ ફરાર થઈ ગયા હતા. ઝડપાયેલા લોકોમાં મગોડીના હર્ષદ મનાસંગજી બિહોલા, મહીપતસિંહ કનુસિંહ બિહાલો, દહેગામના ગુલામ દસ્તગીર અબ્દુલબાઈ મલેક, તરંગ રામચંદ્ર ખત્રી, કિશનભાઈ વિનોદભાઈ ઠક્કર તથા વડોદરાના ભૂપેન્દ્રસિંહ ચંદ્રસિંહ રાઠોડનો રમાવેશ થાય છે. જ્યારે દહેગામના રાજેશસિંહ પોપટસિંહ રાઠોડ, સાવન દરબાર, વિવેક એસ. સોલંકી ભાગી છૂટ્યા હતા. ઝડપાયેલા લોકો પાસેથી પોલીસે 16,890 રોકડા, 21500ના 6 ફોન અને 60 હજારના 4 બાઈક મળી 98,390નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારાનો ગુનો ગુનો નોંધ્યો હતો.

છાલા ગામમાંથી 4 જુગારી ઝડપાઈ ગયા
છાલા ઈન્દિરાનગરથી ચિલોડા પોલીસે મંદિર પાસે જુગાર રમતા પુનમજી શકરાજી ઠાકોર, દશરથજી કુવરજી ઠાકોર, ભૂપેન્દ્રભાઈ વિષ્ણુભાઈ રાવલ, કપડવંજનો અજયકુમાર કાંતીભાઈ પરમાર જુગાર રમતા ઝડપાતા તેઓ પાસેથી 5230 રોકડા જપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...