ફિઝિકલ ટેસ્ટમાં નાપાસ થવા છતાં કરાઈમાં ટ્રેનિંગ લેવા માટે પહોંચી ગયેલા બોગસ પીએસઆઈ મયૂર તડવીના કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મયૂર તડવી નાપાસ થવા છતાં તેણે કરાઈમાં એન્ટ્રી કરી તે કેસમાં બેદરકારી દાખવનારા બે પોલીસ ઈન્સ્પેક્ટર સહિત છ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
હવે આ મામલાની વધુ તપાસ કરાઈ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલને સોંપવામાં આવી છે. ફિઝિકલ ટેસ્ટમાં નાપાસ થવા છતાં કરાઈ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં પહોંચીને PSIની ટ્રેનિંગ લઈ રહેલા મયૂર તડવીને પકડી પાડવામાં આવ્યા પછી આ રીતે અન્ય કોઈ ઉમેદવારો ટ્રેનિંગ સેન્ટરમાં છે કે નહીં તેની તપાસ માટે આદેશ આપવામાં આવ્યા હતા. આ માટે ઉમેદવારોની બાયોમેટ્રિક તપાસનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ સિવાય આરોપીની ધરપકડ બાદ તેના રિમાન્ડ મેળવીને તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન સૌથી મોટો ખુલાસો થયો છે. જેમાં પોલીસ ઈન્સ્પેક્ટર ડી. એન. અંગારી અને એમ. જે. ગોહિલ તથા ચાર ADIને બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત ભરતીમાં વેરિફિકેશનની મહત્વની કામગીરી કરી રહેલા SRPના 4 જવાનોની બેદરકારી સામે આવતા આ ચારેયને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.