આક્ષેપ:ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં ‘નરો વા કુંજરો વા’ જેવી સ્થિતિ

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લી ઘડીએ આખી પેનલને બિન હરીફ કરવા માટે છુપી રીતે કામગીરી કરાતી હોવાનો આક્ષેપ

ગાંધીનગર બાર કાઉન્સિલની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામા નહિ આવતા વકીલ આલમમા છુપો રોષ જોવા મળી રહ્યો છે. ડીસ્ટ્રીક્ટ બાર એસોસિએશન દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામા આવી છે. ઉમેદવારોએ ઉમેદવારી પણ કરી દીધી છે. તેવા સમયે બાર એસોસિએશન દ્વારા કોઇ કામગીરી શરૂ કરવામા આવી નથી. જ્યારે આ ચૂંટણી બાબતે ‘નરો વા કુંજરો વા’ જેવી સ્થિતિ જોવા મળતા મહિલા વકીલ દ્વારા ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેનને લેખિત રજૂઆત કરવામા આવી છે.

ગાંધીનગરમાં બાર એસો.ની ચૂંટણીને લઇને કોર્ટમાં ખેલ શરૂ થઇ ગયા છે. એક તરફ સોશિયલ મીડીયામા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામા આવ્યુ છે. પરંતુ કોર્ટમાં પ્રેક્ટીસ કરતા વકીલ ફોર્મ મેળવવા જાય તો ફોર્મ મળતા નથી. જાહેરનામામા ઉમેદવારી પત્રો ભરવાની તારીખ 22થી 24 નવેમ્બર બતાવવામા આવી છે. પરંતુ હજુ સુધી વિતરણ વ્યવસ્થા શરૂ ન કરાતા રોષ જોવા મળતો હતો. જેને લઇને વકીલ અને નોટરી વર્ષા ઠક્કર દ્વારા ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેનને રજૂઆત કરી હતી.

વર્ષા ઠક્કરે કહ્યુ હતુ કે, કેટલાક લોકો પોતાની હિત વિચારીને જાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી છે અને ખોટી રીતે ફોર્મના નાણા ઉઘરાવી રહ્યા છે. ગત વર્ષના પ્રમુખ અને સેક્રેટરીને જાણ કરવા છતા તેમના દ્વારા આ બાબતે આંખ આડા કાન કરાઇ રહ્યા છે. બની બેઠેલા ચૂંટણી અધિકારીઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયા કરાઇ રહી છે.

જો તેને અટકાવવામા નહિ આવે તો અમારે ના છૂટકે કોર્ટનો સહારો લેવો પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. ત્યારે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા બે સિનિયર વકીલની નિમણૂંક કરી લોકશાહી ઢબે કાઉન્સિલના પ્રતિનિધિની નિગરાનીમાં ચૂંટણી કરવામા આવે તેવી 100 જેટલા વકીલ દ્વારા માંગ કરાઇ છે.

નોટિસ બોર્ડ પર સૂચન કર્યુ, બીજા દિવસે અજાણી વ્યક્તિએ ભૂસી નાખ્યું
એલઆર તરીકે ઉમેદવારી કરવા ઇચ્છુક ઉમેદવાર વર્ષા ઠક્કરને ફોર્મ બાબતે જવાબ નહિ મળતા તેમણે કોર્ટના નોટીસ બોર્ડ ઉપર ચૂંટણી બાબતનુ સૂચન કર્યુ હતુ. પ્રમુખ, સેક્રેટરી પાસે ફોર્મ નથી, કોઇ જવાબદારી લેવા તૈયાર નથી. જેને બીજા દિવસે કોઇએ ભૂસી નાખ્યુ હતુ.

ગુજરાત બાર કાઉન્સિલ તપાસ કરશે
ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન કિશોરભાઇ ત્રિવેદી સાથે આ બાબતે ટેલીફોનિક વાત કરવામા આવતા તેમણે કહ્યુ કે, આ બાબતે અમે સ્થાનિક એસોસિએશનના મોવડીઓ સાથે વાતચિત કરીને ઉકેલ લાવીશુ. જ્યારે ફોર્મ ભરવાના દિવસો ઘટ્યા છે, ત્યારે તે દિવસોને વધારવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...