કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન ગાંધીનગર જિલ્લામાં કેટલા લોકોમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલોપ થઈ તેમજ કેટલા લોકો કોરોના સંક્રમિત થયા તેનો ચોક્કસ રકાસ કાઢી આવનારી સંભવિત ત્રીજી લહેર સામેની લડાઈમાં કેવા પ્રકારનું આગવું આયોજન કરવું તે અર્થે જિલ્લામાં સીરો સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ મહિનાના અંત સુધીમાં તેનો રિપોર્ટ આવી આવ્યા પછી કોરોનાની લડાઈની આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે.
કોરોનાની વૈશ્વિક મહામારીના પગલે ગાંધીનગર જિલ્લામાં પણ કોરોનાએ હાહાકાર મચાવી દીધો હતો. કોરોનાની પ્રથમ લહેર પછી આવેલી બીજી લહેરમાં આરોગ્ય તંત્ર આગોતરા આયોજનના અભાવે ઊંઘતું ઝડપાયું હતું. એમાંય વળી માર્ચ અને એપ્રિલ મહિનામાં કોરોનાએ ગાંધીનગરમાં પીકઅપ પકડી લીધી હતી.
હાલમાં કોરોના સંક્રમણ ઘટી ગયું છે ત્યારે અગાઉ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા સમગ્ર દેશમાં સિરો સર્વે હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો જેનાં પગલે અમદાવાદમાં સિરો સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારે ગાંધીનગરમાં પણ કેટલા લોકો કોરોના સંક્રમિત થયા અને કેટલા લોકોમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલોપ થઈ તે માટે સિરો સર્વે કરવાનું નક્કી કરાયું હતું. જે માટે આરોગ્ય કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.
જિલ્લામાં 40 ગામો અને શહેરમાં મળી કુલ 100 કલસ્ટર બનાવી 5થી 8 વર્ષનાં બાળકો, તેમજ 9થી 18 વયના અને 18 વયથી ઉપરની વય ધરાવતા લોકોના 3 હજારથી વધુ સેમ્પલ લેવામાં આવનાર છે. અને ગ્રામ્યમાં કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. તેમજ શહેરી વિસ્તારમાં 1800 જેટલા સેમ્પલ લેવામાં આવશે . આ વાયરસનાં સંપર્કમાં આવેલા લોકો તેમજ ક્યાં વય જુથના લોકો સૌથી વધુ સંક્રમિત થયા છે તે પણ આ સર્વે થકી જિલ્લા આરોગ્ય તંત્રને ખ્યાલ આવી જશે.
આ અંગે જિલ્લા આરોગ્ય તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ નક્કી થયા મુજબ જિલ્લામાં સર્વેની કામગીરી કરવામાં આવી છે અને તમામ સેમ્પલ ને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ ચાલુ મહિનાના અંત સુધીમાં આવી જશે. જેનાં પરથી માલુમ પડશે કે ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કેટલા લોકોમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલોપ થઈ ચૂકી છે તેમજ કઈ વયના લોકો સૌથી વધુ સંક્રમિત થયા ઉપરાંત કોરોના સંક્રમિત થયેલા લોકો સાજા થયા પછી કેટલા લોકોમાં કેટલા સમય બાદ એન્ટીબોડી ડેવલપ થઇ તેની માહિતી મળી પણ મળી રહેશે. જેના થકી આગામી સંભવિત ત્રીજી લહેરમાં તકેદારીના ક્યા ક્યા પગલાં ભરવા સહિતનું આગોતરું આયોજન કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.