છેલ્લા એક માસથી ઉભરાતી ગટરની સફાઇ માટે સુવિધા કચેરીમાં લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં સફાઇ કરવામાં આવતી નથી. જેને પરિણામે પાણી ભરવા માટે બનાવેલી કુંડીમાં ગટરના પાણી બેક મારતા ગમે ત્યારે પાણીજન્ય રોગચાળો ફાટી નિકળશે તેવી ચિંતા સ્થાનિક લોકોને કોરી ખાય છે.
પાટનગરને સ્માર્ટસીટી બનાવવા કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ નગરવાસીઓને મળતી માળખાગત સુવિધાઓ પણ યોગ્ય રીતે મળે તેના માટે નક્કર કોઇ જ કામગીરી કરવામાં આવતી નથી. જેને પરિણામે નગરના સેક્ટરોમાંથી છાશવારે ગટર ભરાઇ જવાના સમસ્યા ઉભી થાય છે. આવી સ્થિતિ નગરના સેક્ટર-5ની બની રહી છે.
છેલ્લા એક માસથી સેક્ટરની ગટરો ભરાઇ જવાથી ગટરનું પાણી બેક મારી રહ્યું છે. તેમાંય સેક્ટર-5ના રહિશોએ પોતાના ઘરની બહાર પીવાનું પાણી ભરવા માટે બનાવેલી કુંડીઓમાં ગટરનું પાણી બેક મારી રહ્યું છે. આથી ગમે ત્યારે પાણીજન્ય રોગચાળો ફાટી નિકળવાની ચિંતાએ સ્થાનિક લોકોની નિંદર હરામ કરી નાંખી છે. ગટરનું પાણી બેક મારતું હોવાથી સફાઇ કરવા માટે સ્થાનિક સુવિધા કેન્દ્રમાં લેખિત તેમજ મૌખિક ફરીયાદ કરવામાં આવી છે. તેમ છતાં ગટરની સફાઇ કરવામાં આવતી નથી તેમ સેક્ટર-5 વસાહત મહામંડળના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ જણાવ્યું છે.
ગટર ભરાવા અંગે સેક્ટરવાસીઓએ જણાવ્યું છે કે પાટનગરવાસીઓને પાણી વધુ આપવામાં આવી રહ્યું છે. તેમ છતાં ગટરો ભરાઇ જવાની સ્થિતિ ઉભી થાય છે. ત્યારે તેના માટે જવાબદાર સ્થિતિનો કાયમી ઉકેલ લાવવામાં આવે તો જ ખરા અર્થમાં પાટનગર સ્માર્ટ સીટી બની શકશે નહી તો માત્ર સરકારી કાગળ ઉપર સ્માર્ટ સીટી બનશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.