ગુજરાત વિધાનસભાનું પરિણામ આવ્યા બાદ 12મી ડિસેમ્બરે નવું મંત્રીમંડળ શપથ લેશે. તે પહેલા શનિવારે ભૂપેન્દ્ર પટેલને ભાજપના વિધાનમંડળના ચૂંટાયેલા સભ્યો પોતાના નેતા તરીકે ચૂંટી લેશે. જો કે મહત્ત્વનો મુદ્દો સરકારમાં નંબર-ટુના સ્થાનનો રહેશે. ભાજપના સૂત્રો જણાવે છે કે આ સરકારમાં સૌથી સિનિયર મંત્રી તરીકે શંકર ચૌધરી આ સ્થાને આવવા જોઇએ. એટલું જ નહીં, ભાજપનો એક મોટો વર્ગ માને છે કે ચૌધરીને માત્ર નંબર-ટુનું સ્થાન જ નહીં, સારાં વિભાગો પણ આપવા પડશે અને ઘણાંખરાં અંશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની પાસે રહેલા શહેરી વિકાસ કે ગૃહ જેવા વિભાગ ચૌધરીને ફાળવવા જોઇએ.
ભાજપના એક સિનિયર નેતાના જણાવ્યા અનુસાર શંકર ચૌધરી ઉત્તર ગુજરાતનો અને ઓબીસી સમાજનો એક મોટો ચહેરો છે. કોંગ્રેસ હાલ જે રીતે ઓબીસી સમાજ પર મદાર રાખે છે તેને કાઉન્ટર કરવા માટે શંકર ચૌધરી વિકલ્પ બની શકે છે. તેમને નંબર-ટુ બનાવવામાં આવે તો ભવિષ્યમાં તેમને પાર્ટીએ મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે રજૂ કરવા હોય તો સરળતા રહેશે.
શંકર ચૌધરી 2017માં વિધાનસભાની ચૂંટણી હાર્યા હતા તે પછી તેઓ પાંચ વર્ષના વનવાસ બાદ ફરી ધારાસભ્ય બન્યા છે. અગાઉ આનંદીબેન પટેલ સરકારમાં અને વિજય રૂપાણી સરકારમાં તેઓ ખૂબ પ્રભાવી મંત્રી તરીકે રહી ચૂક્યા છે.
સૌરાષ્ટ્રમાં જીતુ વાઘાણીને લઇને અપેક્ષા
સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓ અહીંના લેઉવા પાટીદાર નેતા તરીકે જીતુ વાઘાણીને નંબર-ટુ પોઝિશન પર જોવા ઇચ્છે છે. તેઓ કહે છે કે અગાઉની સરકારમાં તેઓ નંબર-3 પર હતા પણ હવે રાજેન્દ્ર ત્રિવેદી ન હોવાથી સીધી રીતે જ તેમને ત્રીજેથી બીજા સ્થાને સરકારમાં પ્રમોટ કરવા જોઇએ. વાઘાણીને મહેસૂલ ખાતું ફાળવવામાં આવે તેવી ધારણા છે.
અગાઉ ચૌધરીને તેમનું વધતું કદ નડી ગયું
અગાઉ વિજય રૂપાણી સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી હોવા છતાં શંકર ચૌધરીની કાર્યશૈલી મુખ્યમંત્રીને શોભે તેવી હતી. તેઓ ગંભીરતાથી કામ કરતા હતા અને તેમની લોકપ્રિયતા પણ આસમાને હતી. આ જ બાબત તેમને રાજકીય નુક્સાન કરાવી ગઇ હોવાનું પણ તે વખતે ચર્ચાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.