દારૂના નેટવર્કનો પર્દાફાશ:શાહીબાગ પોલીસની દારૂની તપાસનો રેલો ચીલોડા APMC માર્કેટ પહોંચ્યો, શૌર્ય અગરબત્તીની ઓફિસથી વિદેશી દારૃની 384 બોટલોનો જથ્થો ઝડપાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના શાહીબાગ પોલીસ મથકે નોંધાયેલા પ્રોહીબીશનનાં ગુનાની તપાસનો રેલો ગાંધીનગરનાં મોટા ચીલોડા APMC માર્કેટયાર્ડ સુધી પહોંચતા શૌર્ય અગરબત્તીની ઓફિસથી વધુ 384 વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ કરીને હરિયાણાથી વી - એક્સપ્રેસ મારફતે દારૃનો જથ્થો મંગાવવામાં આવ્યો હોવાના નેટવર્કનો પર્દાફાશ કરી બે ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અમદાવાદના શાહીબાગ પોલીસ મથકમાં પ્રોહીબીશન સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ અર્થે મોટા ચિલોડા એ.પી.એમ.સી માર્કેટની જગ્યાના CCTV ચેક કરવા તેમજ જે જગ્યાએ બોક્ષ ઉતારવામાં આવ્યા તેની તપાસનો રેલો મોટા ચીલોડા APMC માર્કેટ યાર્ડ સુધી આવ્યો છે. ગત તા. 27/12/2022 ના રોજ છોટા હાથીમાં V- એક્સપ્રેસ વાવોલથી પોર્ટર પાર્ટનર એપ્લીકેશન મારફતે ભાડું મેળવી 10 બોક્ષ એપીએમસી માર્કેટમાં ઉતરાવવામાં આવ્યા હતા. જેથી છોટા હાથીના ડ્રાઈવર અમરતભાઈ બુકણીયા (ઠાકોર)(રહે. સેકટર - 11 હોટલ હવેલી સામેના છાપરાં) ને લઈને અમદાવાદ પોલીસ માર્કેટયાર્ડમાં તપાસ અર્થે પહોંચી હતી.

જ્યાં આર.જે.એન્ટરપ્રાઈઝ બિલ્ડીંગ ખાતે ઉક્ત બોક્ષ નિલેશ વણકર દ્વારા મજૂરો મારફતે ઉતારવામાં આવ્યા હોવાનું ખુલ્યું હતું. જેનાં પગલે પોલીસે અત્રે કામ કરતાં કર્મચારીઓની પૂછતાંછ કરતાં અહીં આવેલી શૌર્ય અગરબત્તીની ઓફિસમાં બોક્ષ મૂકવામાં આવ્યાની કબૂલાત કરી હતી. આ દરમ્યાન નિલેશ ગણેશભાઈ વણકર(રહે. વંદે માતરમ્ પાર્ક - 1,સેકટર - 29,બ્લોક નંબર - 8,મકાન નંબર -501) આવી પહોંચતા કર્મચારીઓએ તેને ઓળખી બતાવ્યો હતો. આથી તેને સાથે રાખી પોલીસ આર જે એન્ટરપ્રાઈઝ બિલ્ડીંગ ખાતેની શૌર્ય અગરબત્તી અને SHAURYA NEWS EDITTOR લખેલ ઓફિસમાં પ્રવેશી હતી. જ્યાં મૂકવામાં આવેલા બોક્ષ છોટા હાથીના ડ્રાઇવરે ઓળખી લીધા હતા.

બાદમાં પોલીસે બોક્ષની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની 384 નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે નિલેશની કડકાઈથી પૂછતાંછ કરતાં તેણે જણાવ્યું હતું કે, બે બોક્ષનો દારૂ 31 ડિસેમ્બરે રિટેલમાં વેચી દીધો છે. જ્યારે આ ઓફિસ તેના મિત્ર હિરલભાઈ મહેશભાઈ શાહ(રહે. સેકટર - 22, રૂક્ષમણી એપાર્ટમેન્ટ) છે. જેની પાસેથી ઓફિસની ચાવી લઈ તેની જાણ બહાર દારૂ ભરેલ બોક્ષ મૂક્યા હતા.જ્યારે આ દારૂનો જથ્થો તેના અન્ય એક મિત્ર ગૌરવ ચૌધરી મારફતે હરિયાણાથી મંગાવવામાં આવ્યો હોવાની વધુમાં કબૂલાત કરી હતી. જેનાં પગલે પોલીસે રૂ. 1 લાખ 34 હજાર 400 ની કિંમતની વિદેશી દારૃની 384 નંગ બોટલો જપ્ત કરી નિલેશ વણકર અને તેના મિત્ર ગૌરવ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...