નારાજકારણ:શાહ ત્રણ દિવસ એક્શન મોડમાં, ડેમેજ કંટ્રોલ માટે મંત્રણાઓનો દોર શરૂ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અસંતુષ્ટોથી સંભવિત નુકસાનની ગણતરી શરૂ, નવા સમીકરણો દ્વારા હિસાબ પૂરો કરાશે
  • શ્રીવાસ્તવ, લાડાણી, સતીષ પટેલ સહિત 12 અસંતૃષ્ટ ગણિત ખોરવી શકે છે

ગુજરાતમાં ભાજપની જાહેર થયેલી 166માંથી 40થી વધુ બેઠકો પર અસંતોષ ફાટી નિકળ્યો છે. હવે આ અસંતોષ ખાળવા માટે અમિત શાહ હવે ત્રણ દિવસ ગુજરાતમાં કેમ્પિંગ કરીને રહેશે. આ દરમિયાન તેમણે ક્યાં કેટલું નુક્સાન થાય તેમ છે અને તેના ઉપચાર તરીકે કયા કામ કરવા માટે કમલમમાં એક બેઠક કરીને સૂચના પ્રદેશ હોદ્દેદારોને આપી હતી. તેમના ગયા પછી પણ પ્રદેશના હોદ્દદારો તેમની સૂચના મુજબના આયોજનમાં લાગી ગયા હતા. આ દરમિયાન તેમણે દરેક બેઠક પરના અસંતુષ્ટોને એક પછી એક સંપર્ક કરીને ચોક્કસ જગ્યાએ ચર્ચા માટે બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અસંતુષ્ટોને અલગ અલગ જવાબદારીઓમાં પ્રવૃત્ત કરીને સમજાવવામાં આવી રહ્યા છે.

મોદીએ ખભે હાથ મૂક્યો એમની ટિકિટ કપાઈ, જેમને નમસ્કાર કર્યા એમને મળી
પીએમ મોદી અગાઉ સોનગઢ આવ્યા ત્યારે તેમણે નિઝરના પ્રબળ દાવેદાર કાંતિ ગામીતના ખભે હાથ મૂક્યો હતો. જ્યારે આણંદમાં યોગેશ પટેલને નમસ્કાર કર્યા હતા. ગામીતની ટિકિટ કપાઈ હતી તો પટેલ ફાવ્યા હતા.

12 દબંગો જે ભાજપને નડી જાય તેમ છે

મધુ શ્રીવાસ્તવ - વાઘોડીયા- છ ટર્મના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કપાતા તેમણે ભાજપમાંથી રાજીનામું આપી પરત નહીં વળવાનો સંકલ્પ લીધો છે. તેમના દાવા પ્રમાણે તેઓ અપક્ષ કે અન્ય રીતે લડીને ભાજપના ઉમેદવારને હરાવશે. તેમના પ્રભાવને કારણે આ બેઠક પર ભાજપ માટે મુશ્કેલી છે.

હર્ષદ વસાવા- શબ્દશરણ તડવી-નાંદોદ - ભાજપના આદીજાતિ મોરચાના પ્રમુખ હર્ષદ વસાવા અને ભૂતપૂર્વ ધારાસભ્ય શબ્દશરણ હાલ નારાજ છે. આ બન્ને નેતાઓનો ભાજપ સમર્થક આદિવાસી મતદાતાઓ પર હોલ્ડ છે. જો તેઓ મતોનું વિભાજન કરાવે કે નિષ્ક્રિય રહે તો આ બેઠક ભાજપ ગુમાવી શકે.

હાર્દિક પટેલ - ભાજપના જૂના પાટીદાર નેતાઓ -વિરમગામ- હાર્દિક જીવનની પહેલી ચૂંટણી ભાજપમાંથી લડી રહ્યા છે અને તેમની સામે પાર્ટીના તમામ જૂના નેતાઓએ વિરોધનું રણશિંગુ ફૂંક્યું છે. તેઓ હાર્દિકને નુક્સાન કરાવવાની ફિરાકમાં છે, આ જ કારણોસર ગઇ વખતે ભાજપે આ બેઠક ગુમાવી હતી, હવે હાર્દિક માટે કપરી સ્થિતિ છે.

યોગેશ પટેલ- માંજલપુર ભૂતપૂર્વ મંત્રી અને ધારાસભ્ય યોગેશ પટેલ અહીં કપાય તેવી શક્યતા છે. તેમા પાર્ટીમાં ખૂબ મોટા પ્રમાણમાં સમર્થકો છે. તેઓ નિષ્ક્રિય થઇ જાય તો ભાજપને અહીં મતોમાં ફટકો પડશે.

દિનેશ પટેલ- પાદરા - ભાજપના સિનિયર સહકારી સહકારી નેતા દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામા અહીં અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે. ભાજપે ગઇ વખતે ગુમાવેલી આ બેઠક ફરી ગુમાવવાનો વારો આવી શકે છે.

સતિષ નિશાળીયા - કરજણ- ભૂતપૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળીયાએ અહીં ધારાસભ્ય અક્ષય પટેલ સામે નારાજગી વ્યક્ત કરી અપક્ષ લડવા તૈયારી કરી છે. તેઓ ભાજપના મતો વહેંચી નાંખે તો અક્ષય માટે ફરી ચૂંટાવું મુશ્કલ બને.

સૌરભ પટેલ- સુરેશ ગોધાણી- બોટાદ - બોટાદમાં પૂર્વ મંત્રી સૌરભ પટેલ અને સુરેશ ગોધાણી નારાજ છે. આ બન્નેના સમર્થકોએ ગાંધીનગર સુધી રજૂઆત કરી છે. વળી કોળી સમીકરણ અહીં અવળું પડે તો ભાજપ માટે આ બેઠક અઘરી બની જશે.

અરવિંદ લાડાણી - કેશોદ- ભૂતપૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપમાંથી રાજીનામું આપીને અપક્ષ દાવેદારી નોંધાવી છે. તેઓ પાટીદાર મતો પોતાની તરફ ખેંચી જશે, સામે કોંગ્રેસના આહિર ઉમેદવારને અહીંના મોટી માત્રામાં રહેલા આહિર મતો એકધાર્યાં મળે, તો વર્તમાન મંત્રી દેવા માલમને માત્ર કોળી મત પર આધાર રાખવો પડે અને તેઓ હારી પણ શકે.

હકુભા જાડેજા- જામનગર- ભૂતપૂર્વ મંત્રી અને ચાલું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભાએ અપક્ષ દાવેદારી કરવા મન બનાવ્યું છે. જો કે ભાજપે તેમને જામનગર શહેરની ત્રણેય બેઠકની જવાબદારી સોપી દીધી છે. જો હકુભા નિષ્ક્રીય રહે અને તેમના સમર્થકો નારાજ થાય તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની અને ભાજપના ઉમેદવાર રિવાબાને ફટકો વાગી શકે.

રજની પટેલ- બેચરાજી- પ્રદેશ મહામંત્રી રજની પટેલના સમર્થકો તેમને ટિકિટ ન મળવાથી નારાજ છે. તેમનો 84 કડવા પાટીદાર સમાજ ભાજપના ઠાકોર ઉમેદવારથી અંતર જાળવે તો ફરી એકવાર કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ફાવી જાય.

પી આઇ પટેલ-નીતિન ખરોડ- વિજાપુર- વર્તમાન ધારાસભ્ય રમણ પટેલ સામે નારાજગી વ્યક્ત કરનારા ભાજપના આ બન્ને નેતાઓ સમર્થકોનું ટોળું લઇ કમલમ પહોંચ્યા હતા. જો આ પાટીદાર નેતાઓ ઉલટું મતદાન કરાવે તો પાટીદારોના ગઢ સમાન આ બેઠકમાં ગાબડું પડી શકે.

ઝંખના પટેલ - ચોર્યાસી- વર્તમાન ધારાસભ્ય ઝંખના પટેલ કપાયાં છે, તેથી તેમનો કોળી સમાજ નારાજ છે. સાવ ઓછી વસ્તી ધરાવતા અનાવિલ નેતા સંદીપ દેસાઇને ટિકિટ મળી છે. જો કોળી મતદાતાઓ ભાજપ વિરોધી વલણ અપનાવે તો જે બેઠક ગઇ વખતે ઝંખના એક લાખથી વધુની સરસાઈથી જીત્યાં હતાં તે ગુમાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...