તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્માર્ટસિટી આવું ?:ગટર ઉભરાય, પાણી ભરાય, ભૂવા પડે, શહેરને સ્વચ્છ રાખતા કોર્પોરેશનની બિલ્ડિંગમાં જ વરસાદી પાણી ભરાય છે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરને સ્વચ્છ રાખતા કોર્પોરેશન બિલ્ડિંગમાં કેટલાક સ્થળે પાણી રહે છે અને ગંદકીના દ્રશ્યો જોવા મળે છે. - Divya Bhaskar
શહેરને સ્વચ્છ રાખતા કોર્પોરેશન બિલ્ડિંગમાં કેટલાક સ્થળે પાણી રહે છે અને ગંદકીના દ્રશ્યો જોવા મળે છે.
  • ચોમાસાની શરૂઆતમાં જ મ્યુનિ.,પાટનગર યોજના વિભાગની પોલ ખૂલી

રાજ્યના પાટનગર ગાંધીનગર પર સ્માર્ટ સિટી ગાંધીનગરનું લેબલ લાગેલું છે. આ છતાં અહીં સમસ્યાઓની એટલી ભરમાર ભરેલી છે કે સ્માર્ટ સિટીનું લેબલ ખરેખર ક્યારે સાર્થક થશે તે એક સવાલ છે. રસ્તાઓ પર ભરાતા પાણી, છાશવાશે વિવિધ-વિસ્તારોમાં ઉભરાતી ગટરો, ભુવા, રખડતા ઢોર સહિતની સમસ્યાઓની ભરમાર ગાંધીનગર શહેરમાં ભરેલી છે. શહેરમાં થોડા વરસાદે મુખ્યમાર્ગો પર અનેક સ્થળે વરસાદી પાણી ભરાઈ રહે છે, જેમાં બીજા દિવસે પણ પાણી ઓરસતા નથી.

વરસાદને પગલે અનેક સ્થળે ભરાયેલા પાણીની સ્થિતિને જોતાં તંત્રની પ્રિમોન્સુન પ્લાનની કામગીરી પર પાણી ફરી વળ્યું હોવાની સ્થિતિ છે. એટલું જ નહીં શહેરને સ્વચ્છ રાખતાં કોર્પોરેશન બિલ્ડિંગમાં પણ ભરાયેલા પાણી અને ગંદકીના દ્રશ્યો જોવા મળે છે. કોર્પોરેશન તંત્ર દ્વારા 1થી 15 જુન સુધી વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શહેરી વિસ્તારમાં 58,076 ઘરોની મુલાકાત લઈને એન્ટીલાર્વલન કામગીરી કરવામાં આવી હતી.

જેમાંંથી કુલ 1,31,355 પાત્રોની ચકાસણી કરતાં અંદાજે હજાર જેટલા પાત્રોમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતા. કોર્પોરેશનના સર્વે દરમિયાન 1331 તાવના કેસ મળી આવ્યા હતા. જેમના લોહીના નમુના લઈને મલેરિયા માટે પરીક્ષણ કરતાં તમામ નેગેટીવી આવ્યા હતા. આખ શહેરમાં તપાસ કરતાં કોર્પોરેશ તંત્રની બિલ્ડિંગમાં જ અનેક સ્થળે વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે.

સે-28માં 3 માસથી ગટર ઉભરાઈ રહી છે

સેક્ટર-28 ખાતે સરકારી તથા પ્રાઈવેસ મકાનોમાં અનેક સ્થળે છેલ્લા ત્રણ મહિનાથી સતત ગટર ઉભરાવાની સમસ્યા છે. આ અંગે વસાહતીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. ગંદકીને પગલે રોગચાળાનો ભય ફેલાયેલો છે, જેને પગલે સમગ્ર મુદ્દે આપ દ્વારા પાટનગર યોજના વિભાગમાં રજૂઆત કરાઈ છે. અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઈટ બંધ છે.

સે-24 ભરાઈ રહેલાં પાણીથી લોકો ત્રસ્ત

સેક્ટર-24 શ્રીનગર મેલડી માતા મંદિરની સામે વરસાદી પાણી સાથે કચરો ભરાઈ રહે છે. પાણી ભરાઈ રહેવાને પગલે કાદવ-કિચ્ચડ અને ગંદકીનું સામ્રાજ્ય છવાય જાય છે. જેને પગલે રહીશોને રોગચાળાની ભીતી રહે છે. ગંદકીને પગલે મચ્છરોના ઉપદ્રવ રહેતાં બિમારીઓનો ભય રહે છે. જેને પગલે અહીં યોગ્ય કામગીરી કરવા રહીશોની માગ છે.

થોડા વરસાદે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા

​​​​​​​સ્માર્ટસિટી ગાંધીનગરમાં થોડા વરસાદે પણ અનેક વિસ્તારો અને મુખ્યમાર્ગો પર પાણી ભરાય રહેવાની સમસ્યા છે. શહેરના ઘર રોડ કલેક્ટર કચેરી સામે, આરટીઓ સર્કલથી ખ રોડ તરફ જતા માર્ગ પર, ખ રોડ પર અનેક સ્થળે વરસાદી પાણી ભરાય છે અને 2ે દિવસ સુધી પાણી ઓસરતાં નથી. માત્ર મુખ્ય માર્ગો જ નહીં શહેરના આંતરિક માર્ગો અને કોમન પ્લોટોમાં પણ પાણી ભરાયા છે.

ખ રોડ પર ફૂટપાથ બેસી જવાની સમસ્યા યથાવત્

શહેરના હાર્દ સમા ખ રોડ પર વરસાદમાં ફૂટપાથમાં ભૂવા પડવાની સમસ્યા યથાવત છે. બુધવાર-ગુરૂવારે પડેલાં વરસાદમાં પણ ખ રોડની ફૂટપાથો પર અનેક જગ્યાએ ભુવા પડ્યાં હતા. જેને પગલે તંત્ર દ્વારા શુક્રવારે સવારથી માટી નાખીને ફૂટપાથો સરખી કરાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...