ન્યાય મળ્યો:સાત વર્ષ અગાઉ ચાંદખેડામાં એક તરફી પ્રેમમાં ખૂની ખેલ ખેલનાર પ્રેમીને આજીવન કેદની સજા

ગાંધીનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ ભાઈ બહેન પર હુમલો કરી આરોપીએ છરી રેલવેના સંડાસમાં નાખી દઈ કપડાં બાળી નાખ્યા

ચાંદખેડામાં વર્ષ 2014 માં એક તરફી પ્રેમમાં યુવકે મોડી રાત્રે બંગલામાં ઘૂસી જઈ છરી વડે યુવતીનું મર્ડર કરી નાખ્યા બાદ યુવતીની બહેનના પેટમાં પણ છરી મારી તેના નાના ભાઈને પણ ઈજાઓ પહોંચાડી નાસી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ ખૂની ખેલ ખેલનાર પ્રેમીને ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

ભરત ઉર્ફે જસ્ટિન ભીખાભાઈ પરમારે ધાબા પરથી ઘરમાં પ્રવેશ કર્યો

મોટેરા આસારામ આશ્રમ નજીક ચાંદખેડામાં આવેલા શાલિગ્રામ બંગલોમાં રહેતા સુરેશભાઇ પાટીલ તા.9 મી સપ્ટેમ્બર 2014 નાં રોજ નોકરી પર ગયા હતા. તે વખતે તેમની દીકરી ગાયત્રી તેમજ હિના અને પુત્ર શિવમ ઘરમાં વાંચન કરતા હતા. તે વખતે રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં હિના સાથે અભ્યાસ કરતો ભરત ઉર્ફે જસ્ટિન ભીખાભાઈ પરમારે ધાબા પરથી ઘરમાં પ્રવેશ કર્યો હતો.

ઝપાઝપી થતાં ગાયત્રીના ડાબા હાથે પણ છરી વાગી

બાદમાં હિના સાથે વાત કરવા અને પોતાની સાથે પ્રેમ સંબંધો રાખવાની જીદ કરવા લાગ્યો હતો. જેનાં કારણે બોલાચાલી થતાં ભરત એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની સાથે લાવેલી છરી વડે હિનાના પેટમાં જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે અચાનક ગાયત્રી પણ આવી પહોંચતા ભરતને ટેરેસ પર હાથમાં છરી લઈને ઊભેલો તેમજ હિનાને લોહી લુહાણ હાલતમાં પડેલી જોઈ ગભરાઈ ગઈ હતી. ત્યારે ભરતે ગાયત્રીના પેટમાં પણ છરી હુલાવી દીધી હતી. જેમાં ઝપાઝપી થતાં ગાયત્રીના ડાબા હાથે પણ છરી વાગી હતી.

બૂમાબૂમ કરતા ભરત બાજુના ધાબા પરથી ભાગી ગયો

જેથી ગાયત્રીએ બૂમાબૂમ કરતા ભરત બાજુના ધાબા પરથી ભાગી ગયો હતો. ગાયત્રીની બૂમો સાંભળી પાડોશીઓ દોડી આવ્યા પછી બન્ને બહેનો લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી. પણ શિવમ ક્યાંય દેખાતો ન હતી. જેની તપાસ કરતા શિવમ બાજુના ધાબા પર ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી આવ્યો હતો. બાદમાં ત્રણ ભાઈ બહેનને એપોલો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં હિનાને મૃત જાહેર કરવામાં આવી હતી.

રસ્તામાં રેલવેના સંડાસમાં છરી નાખી દીધી

જેનાં પગલે ચાંદખેડા પોલીસે ભરત પરમાર (રહે, ન્યુ રેલવે કોલોની, સાબરમતી અમદાવાદ) વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ગુનાની તપાસ કરનાર અધિકારી મુસ્તાકઅલી મસીએ રિમાન્ડ મેળવી પૂછતાછ કરતાં ખૂની ખેલ ખેલ્યા પછી ભરત તેની બહેનના ઘરે ટ્રેન મારફતે પાલનપુર ભાગી ગયો હતો અને રસ્તામાં રેલવેના સંડાસમાં છરી નાખી દીધી હતી અને બહેનના ઘરે જઈ લોહીથી ખરડાયેલા કપડાં તગારામાં સળગાવી દીધા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસ દ્વારા ગુનામાં ઉપયોગમાં લેવાયેલી છરી પણ કબ્જે કરી લઈ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.

આરોપીને 7 વર્ષની સખત કેદ તેમજ રૂ. 5 હજારનો દંડ

જે કેસ ગાંધીનગરનાં એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એસ.એન.સોલંકીની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ પ્રિતેશ વ્યાસ દ્વારા ફોરેન્સિક રિપોર્ટ તેમજ સાયોગિક પુરાવાઓને ધ્યાનમાં રાખી ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે ભરત પરમારને તકસીરવાન ઠરાવી આઇપીસી કલમ 302 ના ગુનામાં આજીવન કેદ અને રૂ. 10 હજારનો દંડ, કલમ 307 ના ગુનામાં 10 વર્ષની સખત કેદ અને રૂ. 10 હજારનો દંડ તેમજ કલમ 452 ના ગુનામાં 7 વર્ષની સખત કેદ તેમજ રૂ. 5 હજારનો દંડ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...