વર્ષ 2008માં અમદાવાદના દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસમાં નાગરિકોનો રોષ ફાટી નીકળતાં પત્રકારો મોટેરામાં આવેલા આસારામ આશ્રમમાં રિપોર્ટિંગ કરવા ગયા હતા. આ દરમિયાન સાધકો દ્વારા પત્રકારો પર હુમલો કરવામાં આવ્યો હતો, જે કેસમાં ગાંધીનગર કોર્ટે સાત સાધકોને એક વર્ષની જેલની સજા ફરમાવી છે. ગાંધીનગર કોર્ટમાં શુક્રવારે ચાલેલા 5 કેસ પૈકી એક કેસમાં 19માંથી 7 સાધકને એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
વર્ષ 2008માં અમદાવાદનાં બે ભાઈ દીપેશ અને અભિષેકના આશ્રમમાં મૃત્યુ થયાં હતાં, જેને લઈને સમગ્ર રાજ્યમાં આસારામ સામે રોષ ફાટી નીકળ્યો હતો. આ સમય દરમિયાન મોટેરા આશ્રમમાં નાગરિકો પહોંચી ગયા હતા, જેથી અમદાવાદ સહિતના મીડિયાની ટીમના પત્રકારો આશ્રમનું કવરેજ કરવા ગયા હતા, જેમાં આસારામ આશ્રમના સાધકો દ્વારા પત્રકારો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં 19 જેટલા સાધકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ કેસ ગાંધીનગરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી. કે. ગઢવીની કોર્ટમાં ચાલ્યો હતો, જેમાં રાયટિંગ અને મારઝૂડ કેસમાં 7 આરોપીઓ પ્રદીપ મિશ્રા, દુર્ગેશ થાપા, રામ રમુ રાવત, દીપનારાયણ ચૌહાણ, મનોજ બગુલ, પ્રમોદ બિશન અને સંજય શાહુને કલમ 147, 149 મુજબ દોષિત ઠેરવી તથા કલમ 323 મુજબ એક વર્ષની સજાનો હુકમ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, ગુરુપૂર્ણિમાના દિવસે જ સાધકોએ પોતાના ગુરુના બચાવ માટે પત્રકારો પર હુમલો કર્યો હતો. જ્યારે અન્ય 4 કેસમાં આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.