ગાંધીનગર ઉવારસદનાં પ્રમુખ પરિસર બંગલોમાં મધરાત્રે બુકાનીધારી છથી સાત લૂંટારુઓએ પથ્થરો અને ઘાતક હથિયારો સાથે ત્રાટકી એક બંગલામાં ઘૂસી જઈ વૃદ્ધ મહિલાને છરો બતાવીને હાથમાંથી ત્રણ તોલાની બંગડીઓ, રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન મળી 1. 51 લાખની મત્તાની લૂંટ કરીને અંધારામાં ઓગળી ગયા હતા. ત્યારે લૂંટની ઘટના પ્રકાશમાં આવતા અત્રેની સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ અંગે અડાલજ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ગાંધીનગર ખ રોડ ઉવારસદનાં પ્રમુખ પરિસર બંગલો મકાન નંબર - સી/22 માં રહેતા શંકરભાઈ ચૌધરી ગઈકાલે 15 મી એપ્રિલના રોજ સાળંગપૂર હનુમાન મંદિરે દર્શનાર્થે ગયા હતા. તે વખતે ઘરે તેમના 64 વર્ષીય પત્ની પૂરીબેન, પુત્ર સંજય અને માતા રામીબેન હતા. રાત્રિના સમયે ત્રણેય જણા જમી પરવારીને સૂઇ ગયા હતા. ત્યારે મધરાત્રે અઢી વાગ્યાના અરસામાં ઘરના દરવાજાનો અવાજ આવતા નીચેના બેડરૂમમાં સૂઇ રહેલા પૂરીબેન જાગી ગયા હતા. અને ઉભા થઈ દરવાજા તરફ નજર કરતા જ અચાનક બુકાનીધારી છ થી સાત લુટારુઓ દરવાજો તોડીને બેડરૂમમાં અંદર ઘૂસી હતાં.
હજી તો પૂરીબેન કઈ સમજે વિચારે એ પહેલાં જ લુટારુઓએ એમને નીચે પાડી દઈ બરડાના ભાગે માર માર્યો હતો. જેમાથી એક લૂંટારૃએ પૂરીબેનનાં હાથમાંથી ત્રણ તોલા વજનની બે સોનાની બંગડી જબરજસ્તી કાઢી લીધી હતી. આ વખતે પૂરીબેન બૂમો પાડવાની તૈયારીમાં હતા. તે સમયે એક લૂંટારૃ બોલ્યો હતો કે છરો કાઢ બૂમો પાડશે. તેમ છતાં વૃધ્ધાએ હિંમત કરીને બૂમો પાડી હતી.
જેમની બૂમો સાંભળીને ઉપરના માળે સૂતો તેમનો પુત્ર સંજય પણ ઉંઘમાંથી જાગીને નીચે દોડી આવ્યો હતો. હજી સંજય પણ કઈ સમજે એ પહેલાં લુટારુઓએ તેના પર ધોકા વડે હુમલો કરી ઘાયલ કરી દીધો હતો. આખરે માતા પુત્રએ હિંમત કરીને જોરશોર થી બુમાબુમ કરી મુકતા આશરે 25 થી 30 વર્ષના લુટારુઓ ઘરમાંથી ભાગ્યા હતા. જો કે એ પહેલાં ઘરમાં ટેબલ પર પડેલ એક મોબાઈલ ફોન, રોકડ રકમ પણ ઉઠાવી લીધી હતી.
મધરાત્રે બૂમોનો અવાજ આવતા પાડોશીઓ પણ જાગીને દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં અડાલજ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. અને સીસીટીવી ફૂટેજ મેળવી આસપાસના વિસ્તારોમાં શોધખોળ આદરી હતી. આ અંગે પૂરીબેન ની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.