ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન નહીં જવું પડે:ગાંધીનગરની PDPU કોલેજમાં જિલ્લા પોલીસ વડાએ E-FIR એપ અંગેનો સેમિનાર યોજીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું

ગાંધીનગર5 દિવસ પહેલા
  • પોલીસથી ગભરાવાની જરૂર નથી, પોલીસ પ્રજાનો મિત્ર છે: પોલીસ વડા તરુણ દુગલ

રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત પંડિત દિન દયાળ યૂનિવર્સિટીમાં આજે જિલ્લા પોલીસ વડા તરુણ દુગલનાં અધ્યક્ષ સ્થાને e-FIR એપ અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને e fir અંગેની તલસ્પર્શી માહિતી મેળવી પોલીસ વડા સાથે સીધો સંવાદ પણ કર્યો હતો.

ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી મોબાઇલ ચોરીની વ્યાપક બૂમરાણ ઉઠી
ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી મોબાઇલ ચોરીની વ્યાપક બૂમરાણ ઉઠવા પામી છે. ઘણા કિસ્સામાં પોલીસ સ્ટેશન જવાની માથાકૂટમાં પડ્યા વિના ઘણાખરા લોકો પોલીસ ફરિયાદ કરવાનું માંડી વાળે છે. ત્યારે મોબાઇલ વાહન ચોરીની ફરિયાદો લેવામાં પોલીસની કામગીરી પણ વધી જતી હતી. આવી અનેક સમસ્યાના નિરાકરણ અર્થે સરકાર દ્વારા તાજેતરમાં E Fir એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેનો લાભ વધુમાં વધુ લોકો લઈ શકે તે માટે જિલ્લા પોલીસ વડા તરુણ દુગલ દ્વારા જન જાગૃતિનાં સેમિનાર યોજવામાં આવી રહ્યા છે.

જિલ્લા પોલીસ વડાનાં અધ્યક્ષ સ્થાને સેમિનાર યોજાયો
જે અન્વયે આજરોજ ગાંધીનગરના રાયસણ સ્થિતિ પંડિત દિનદયાળ યૂનિવર્સિટીમાં ઈ એફઆઇઆર સેમિનાર યોજવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલા સેમિનાર મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે અત્રેની યૂનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ ગુજરાતી સારી રીતે સમજી શકતા ન હોવાથી પોલીસ વડા તરુણ દુગલ દ્વારા અંગ્રેજીમાં વિધાર્થીઓને e firની તલસ્પર્શી માહિતી પૂરી પાડવામાં આવી હતી.

એફઆઈઆર કરવા માટે તમારે પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી
પોલીસ વડાએ ઈ-એફ.આઈ.આર અંગે કહ્યું હતું કે, હવે તમારૂ વાહનચોરી કે મોબાઈલ ચોરી થાય તો એફઆઈઆર કરવા માટે તમારે પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી.ગુજરાત પોલીસની સિટીઝન પોર્ટલ, સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપથી ગમે ત્યાંથી તમે ઓનલાઈન ફરિયાદ આંગળીનાં ટેરવે નોંધાવી શકો છો. જિલ્લાના લોકોને વધુને વધુ સરળતાવાળી સગવડો મળે તે માટે પોલીસ વિભાગ તત્પર છે.

પોલીસથી ગભરાવાની જરૂર નથી, પોલીસ પ્રજાનો મિત્ર છે: પોલીસ વડા
ઈએફઆઈઆર થકી સામાન્ય નાગરીકો ઘરબેઠા ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે છે. જેથી પોલીસથી ગભરાવાની જરૂર નથી, પોલીસ પ્રજાનો મિત્ર છે. ત્યારે વિદ્યાર્થીઓએ પણ પોલીસ વડા સાથે સીધો વાર્તાલાપ કરીને એપ્લિકેશન સંદર્ભે તલસ્પર્શી માહિતી મેળવી હતી. આ પ્રસંગે કોલેજના કર્મચારીઓ, જીવન આસ્થાનાં લાયઝન ઓફિસર પ્રવીણ વાલેરા,ઈન્ફોસિટી પીઆઈ વી જી રાઠોડ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...