ચુસ્ત પોલીસ બંદોબસ્ત:ગુજરાતમાં અલકાયદાએ હુમલો કરવાની ધમકી આપતા ગાંધીનગરમાં વીવીઆઈપી વિસ્તારમાં સુરક્ષા સઘન કરાઈ

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંત્રી નિવાસ, સચિવાલય, મહાત્મા મંદિર, કમલમ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

મહંમદ પયગંબર સાહેબ અંગે ભાજપના મહિલા પ્રવક્તાએ નિવેદન આપતા અલ-કાયદા દ્વારા દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે. જેનાં પગલે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વીવીઆઈપી સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દઈ પેટ્રોલિંગ વધારી સઘન વાહન ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે.

ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કરેલી વિવાદિત ટિપ્પણી બાદ દેશમાં તણાવનો વધી રહ્યો છે. આ વચ્ચે આતંકવાદી સંગઠન અલ-કાયદાએ પયગંબરના અપમાનનો બદલો લેવા માટે દેશમાં આતંકી હુમલાની ધમકી આપી છે. આતંકી સંગઠનની ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. જેનાં પગલે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

ગાંધીનગરમાં મંત્રી નિવાસ, સચિવાલય, રાજ્યપાલ નિવાસ, મહાત્મા મંદિર તેમજ ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ આવેલા હોવાથી ગાંધીનગર પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. વીવીઆઈપી વિસ્તારોમાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. શહેરનાં પ્રવેશ દ્વારે વાહન ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આતંકી સંગઠન અલકાયદાએ એક ધમકીભર્યો પત્ર જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું કે, તે પયગંબરના અપમાનનો બદલો લેવા માટે મુંબઈ, ગુજરાત, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આત્મઘાતી હુમલા કરશે. અલકાયદાના ધમકીભર્યા પત્રમાં કહેવામાં આવ્યું કે, ભગવા આતંકવાદીઓએ હવે દિલ્હી, બોમ્બે, યુપી અને ગુજરાતમાં પોતાના અંતની રાહ જોવી જોઈએ. આવું પ્રથમવાર જોવા મળ્યું છે જ્યારે અલ-કાયદાએ વિશિષ્ટ શહેરોનું નામ લઈને ધમકી જાહેર કરી છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વીવીઆઈપી સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. આ સિવાય સર્વેલન્સ કેમેરા થકી પણ શહેરમાં બાઝ નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને વીવીઆઈપી વિસ્તારોમાં થતી અવરજવર તેમજ શંકાસ્પદ ગતિવિધિઓ ઉપર વિશેષ ધ્યાન કેંદ્રિત કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...