આરટીઇ મુજબ ગરીબ અને વંચિત પરિવારના બાળકોને ખાનગી પ્રાથમિક શાળામાં ભણાવવા માટે બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લાના 125 જગ્યાઓ ફાળવવામાં આવી હોવાથી વાલીઓએ આગામી તારીખ 23મી, મે-2022 સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આરટીઇ મુજબ ગરીબ અને વંચિત પરિવારના બાળકોને ખાનગી શાળામાં ભણાવવામાં આવે છે.
જે અંતર્ગત ચાલુ શૈક્ષણિક સત્ર માટે જિલ્લાના કુલ-1751 જગ્યાઓ ફાળવવામાં આવી છે. જેના માટે જિલ્લાની 238 ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અપાશે. ત્યારે આરટીઇ મુજબ પ્રવેશ માટે જિલ્લામાંથી કુલ-3742 અરજીઓ ઓનલાઇન આવી હતી. તેમાંથી 253 અરજીઓ રિજેક્ટ કરી અને 674 અરજીઓને વાલીઓએ કેન્સલ કરી હતી.
આથી ચકાસણીને અંતે જિલ્લામાં આરટીઇના કુલ-2815 અરજીઓને માન્ય રાખવામાં આવી હતી. તેમાં પ્રથમ રાઉન્ડમાં 1413 ફાળવેલા પ્રવેશમાંથી 1286 બાળકોએ ખાનગી શાળામાં પ્રવેશ લીધો છે. જ્યારે 115 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો નથી તેમજ 12 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટના અભાવે પ્રવેશ રિઝેક્ટ થયો છે.
આથી પ્રથમ રાઉન્ડને અંતે કુલ-1751માંથી 592 જગ્યાઓ ખાલી રહેવા પામી છે. તેમાંથી બીજા રાઉન્ડમાં પ્રવેશ માટે 125 જગ્યાઓ ફાળવવામાં આવી છે. જ્યારે બાકી રહેલા 467 જગ્યાઓ ભરવા માટે શિક્ષણ તંત્ર દ્વારા ત્રીજો રાઉન્ડ યોજાશે તેમ લાગી રહ્યું છે.
જોકે બીજા રાઉન્ડ માટે પ્રવેશ આપેલા વાલીઓએ આગામી તારીખ 23મી, મે-2022 સુધીમાં ફાળવેલી શાળાઓમાં પ્રવેશ લઈ લેવાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. જોકે જિલ્લામાં આરટીઇ મુજબ પ્રવેશની કામગીરી સંપૂર્ણ પૂર્ણ થાય નહી ત્યાં સુધી જિલ્લાની હેલ્પલાઇન ચાલુ રાખવાની સૂચના રાજ્યના શિક્ષણ વિભાગે દ્વારા આપવામાંઆવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.