સીમાંકનની સમસ્યા:બેઠકો અનામત પણ ઉમેદવારો નહીં!

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતદાર યાદી ચકાસ્યા વિના જ જે-તે સમાજ માટે સરપંચ અને વોર્ડ સભ્યની બેઠક અનામત રાખી દેવાઈ પણ વસ્તી ન હોવાથી બેઠકો પર એક પણ ફોર્મ ન ભરાયા : 156 ગ્રામ પંચાયતની સરપંચ અને વોર્ડની 19 ડિસેમ્બરે ચૂંટણી

ગ્રામ પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાવાની છે અને પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે જિલ્લાનાં કેટલાંક ગામોમાં સરપંચ અને સભ્યોની બેઠકો જે-તે સમાજ માટે અનામત રખાઈ છે પરંતુ એ સમાજની વસ્તી જ ન હોવાથી એક પણ ફોર્મ ભરાયાં નથી. મતદાર યાદીની ચકાસણી કર્યા વિના જ બેઠકો અનામત જાહેર કરી દેવાઈ હોવાનો ગણગણાટ ગામોમાં ચાલી રહ્યો છે.

ગાંધીનગર તાલુકાનાં 22 ગામોના 23 વોર્ડમાં ઉમેદવાર મળ્યા જ નહીં
ગાંધીનગર તાલુકાનાં 22 ગામોના 23 વોર્ડમાંથી એક પણ ઉમેદવારે ફોર્મ ન ભરતાં વોર્ડ ખાલી રહ્યા છે. આ અંગે ગામના સરપંચને પૂછતાં જણાવ્યું છે કે ગામમાં અનુસૂચિત આદિજાતિની કોઈ વસ્તી જ ન હોવાથી ઉમેદવારી નોંધાવી નથી. જિલ્લાની 156 ગ્રામ પંચાયતની સરપંચ અને વોર્ડ બેઠકોની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે. ચૂંટણીના પ્રચાર-પ્રસારની કામગીરી અંતિમ તબક્કામાં છે. તેમાં ઉમેદવારો મતદારોને રિઝવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. સામે પક્ષે મતદારો પણ ઉમેદવારોને મત આપવાની હા પાડે છે પરંતુ મત મળશે કે કેમ તે ઉમેદવારો નક્કી કરી શકતા નથી. જોકે જિલ્લાની 60 ગ્રામ પંચાયાતના 71 વોર્ડમાંથી એક પણ ઉમેદવારે ફોર્મ ન ભરતાં જગ્યા ખાલી રહી છે. તેમાં ગાંધીનગર તાલુકાના જમીયતપુરા, આદરજ મોટી, પીંપળજ, ટીંટોડા, લેકાવાડા, દશેલા, નવા ધરમપુર, છાલા, ગીયોડ, ધણપ અને મહુન્દ્રા સહિતનાં કુલ 22 ગામોના 23 વોર્ડમાંથી ફોર્મ ભરાયાં નથી.

વોર્ડમાં આદિજાતિ સમાજનું કોઈ જ નથી
ગાંધીનગર તાલુકાના લીંબડિયા/કરાઇ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 8 અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠક છે પરંતુ વોર્ડમાં આ સમાજની વસ્તી જ નથી. ઉપરાંત અન્ય વોર્ડની વ્યક્તિને સપોર્ટ કરતા ન હોવાથી એક પણ ફોર્મ ભરાયું ન હોવાનું પૂર્વ સરપંચ હર્ષદભાઈ પટેલે જણાવ્યું છે. આ ઉપરાંત તાલુકાના કેટલાંક ગામો તેમજ અન્ય વિસ્તારના મતદારોમાં તેમના વિસ્તારને લઈને કેટલીક સમસ્યાઓ છે તેને લઈને પણ કેટલાકં લોકોએ તેમના પ્રશ્નો અને રજૂઆત પણ કરી હતી. ત્યારે હવે આગામી રવિવારે ચૂંટણીમાં જે મતદાન થવાનું છે તેમાં આવી બાબતો અસર કરશે કે કેમ તે તો આગામી મંગળવારે પરિણામ જાહેર થયા બાદ જ જાણ થશે.

ચારેય તાલુકાદીઠ ખાલી રહેલા વોર્ડની વિગત

  • કલોલ 5 પંચાયતના કુલ 7 વોર્ડમાં એક પણ ફોર્મ ભરાયું નથી. તેમાં અનુસૂચિત જાતિની 2, અનુસૂચિત આદિજાતિની 4, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની 1 બેઠક છે.
  • માણસા 4 પંચાયતના કુલ 5 વોર્ડમાં એક પણ ફોર્મ ભરાયું નથી. તેમાં અનુસૂચિત આદિજાતિ સામાન્યની 3, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની 1 અને સામાન્ય સ્ત્રીની 1 બેઠક છે.
  • દહેગામ ની 29 પંચાયતના કુલ 36 વોર્ડમાં એક પણ ફોર્મ ભરાયું નથી. તેમાં અનુસૂચિત જાતિની 6, અનુસૂચિત આદિજાતિની 24, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની 2, સામાન્ય સ્ત્રીની 1 બેઠક છે.​​​​​​​
  • ગાંધીનગર ની 22 પંચાયતના કુલ 23 વોર્ડમાં એક પણ ફોર્મ ભરાયું નથી. તેમાં અનુસૂચિત જાતિની 2, અનુસૂચિત આદિજાતિની સામાન્ય 9 અને સ્ત્રીની 10, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની સામાન્ય 1 અને સ્ત્રી 1 બેઠક છે.

વોર્ડમાં શિક્ષક પરિવારને ચૂંટણી લડવામાં રસ નથી
ગાંધીનગર તાલુકાના વડોદરા ગામના વોર્ડ નંબર 6 અનુસૂચિત આદિજાતિની બેઠક છે. આ વોર્ડમાં શિક્ષક પરિવાર રહે છે પરંતુ તેઓને ચૂંટણી લડવામાં કોઈ જ રસ નથી. જ્યારે ગામમાં કામ માટે મજૂરો આવતા હોય છે. ઉપરાંત ગામમાં વસ્તી ન હોવાથી ઉમેદવારી નોંધાવી ન હોવાનું વડોદરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ નયનાબહેન ઠાકોરે જણાવ્યું છે.

રાત્રિ સભાઓ અને ભોજન સમારંભ તેમજ ખાટલા પરિષદો
ગાંધીનગર જિલ્લામાં હાલમાં ખાસ કરીને રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે ત્યારે અને હવે 48 કલાક જ બાકી છે ત્યારે ગામડાઓમાં રાત્રિ સભાઓ અને ભોજન સમારંભ તેમજ ખાટલા પરિષદો તેમજ ડોર પ્રચારની કામગીરીમાં પણ પૂરજોશમાં ચાલી રહી છે અને હવે છેલ્લી ઘડીના પ્રચારનો સમય નજીક આવતા જ ઉમદેવારો મતદારોને રિઝવવા માટે નવા નવા નુસખા અજમાવી રહ્યા છે ત્યારે જોઈએ કોણ કેટલી સફળતા મેળવે છે.

દહેગામ 28 પંચાયતમાં ST મહિલાની સીટનાં ફોર્મ ન ભરાયાં
દહેગામ તાલુકાની 75 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટે 244 તેમજ સભ્યપદ માટે 536 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે પરંતુ તાલુકાનાં અંતોલી, બહિયલ, બારીયા, ભાદરોડા, ચામલા, દોડ, હાલીસા, જિંડવા/મેઘરજના મુવાડા, કરોલી, જાલિયામઠ, ખાડિયા/થડાકુવા, ખાનપુર, લવાડ મીરાપુર, નાના જલુન્દ્રા, ઓત્તમપુરા, પાલુન્દ્રા, પાટનાકૂવા, સગદલપુર, સામેત્રી, સાંપા, ઉદણ, વડવાસા, વાસણા ચૌધરી, વાસણા રાઠોડ, વાસણા સોગઠી અને ઝાક મળી કુલ 28 ગામોના વોર્ડની બેઠક અનુસૂચિત આદિજાતિ મહિલા અનામત જાહેર કરાઈ છે.

પરંતુ ગામમાં આ સમાજની વસ્તી ન હોવાથી એક પણ ફોર્મ ભરાયું નથી. ઝાક ગામના સરપંચ સુહાગભાઈ પંચાલે જણાવ્યું હતું કે ગામમાં અનુસૂચિત આદિજાતિનું એક પણ ઘર નથી પરંતુ આ વિસ્તાર ઔદ્યોગિક હોવાના કારણે જે-તે સમયે અનુસૂચિત આદિજાતિ પરિવારના કામદારોને ધ્યાને લેવાતાં બેઠક અનામત કરાઈ હોઈ શકે છે પરંતુ હાલ ગામમાં સ્થાનિક વસ્તી ન હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. લવાડ ગામના મહિપાલ સિંહ ચૌહાણે વર્ષ 2011ની વસ્તી ગણતરીના સમયે લવાડ ફાર્મમાં અનુસૂચિત આદિજાતિ મજૂરોની વસ્તી હતી. પરંતુ હાલ કોઈ પણ રહેતું ન હોવાનું જણાવ્યું હતું.

કલોલ 11 ગ્રામ પંચાયતમાં ચૂંટણી, ભીમાસણમાં સરપંચ બીનહરીફ
ગણપુરા ગામની અંદાજિત વસ્તી 200ની છે, જેમાં 161 જેટલા મતદાર છે. અહીં આટલા મતોમાં જ સરપંચની ચૂંટણી લડાશે. કલોલ તાલુકાનાં 10 ગામોમાં સરપંચ તથા 11 ગામોમાં વોર્ડ સભ્યની ચૂંટણી યોજાશે. કલોલમાં છત્રાલ, કાઠાં, પાનસર, નવા, હાજીપુર, દંતાલી, અઢાણા, ગણપતપુરા, રામનગર, જાસપુરમાં સરપંચ અને વોર્ડ સભ્યની ચૂંટણી યોજાશે. જ્યારે ભીમાસણ ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ થતાં માત્ર વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાશે.

ગ્રામ પંચાયતમાં ઓછા મતોની હારજીત તેમજ પરસ્પર સંબંધ અને કૌટુંબીક અને સામાજીક સમીકરણોના લીધે ચૂંટણીના માહોલમાં ભારે ગરમાવો જોવા મળે છે. તાલુકાના ગણપતપુરા ગામમાં યોજાનારી ચૂંટણીમાં ફક્ત 161 મતદાર છે. અહીં સરપંચ પદ માટે 3 લોકોએ ઉમેદવારી કરી હતી, જેમાંથી એકે ઉમેદવારી પાછી ખેંચતાં હવે 2 ઉમેદવાર વચ્ચે રસાકસી જામશે. બીજી તરફ વોર્ડના 8 સભ્યમાં 2 બિનહરીફ થતાં 6 સભ્ય માટે ઈલેક્શન થશે. આટલા ઓછા મતમાં જીતનું માર્જિન પણ બહુ નજીવું રહે તે સ્વાભાવિક છે. જેને પગલે જિલ્લાના સૌથી ઓછા મત ધરાવતી પંચાયતમાં હાલ તો રસાકસીનો માહોલ છે. ગત વખતની ચૂંટણીમાં અહીં ગ્રામ પંચાયત સમરસ થઈ હતી, જેમાં દશરથજી ઠાકોર સરપંચ બન્યા હતા.

156 પંચાયતનાં 497 મતદાન મથક પૈકી 67 સંવેદનશીલ
જિલ્લાનાં કુલ 497 મતદાન મથકોમાંથી દહેગામના 223, ગાંધીનગરના 192, માણસાના 51 અને કલોલના 31 મતદાન મથકોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમાંથી અતિસંવેદનશીલ 67 મતદાન મથકો આવેલા છે. તેમાં દહેગામ તાલુકાના 50, કલોલના 9, ગાંધીનગરના 8 મતદાન મથકોનો સમાવેશ થાય છે. જ્યારે માણસમાંથી એક પણ મતદાન મથક અતિ સંવેદનશીલ નથી. જ્યારે 158 સંવેદનશીલ મતદાન મથકોમાંથી ગાંધીનગર તાલુકાના 73, દહેગામના 56, માણસાના 20 અને કલોલના 9 મતદાન મથકનો સમાવેશ થાય છે. જ્યારે 272 સામાન્ય મતદાન મથકોમાં દહેગામના 117, ગાંધીનગરના 111, માણસાના 31 અને કલોલના 13 મતદાન મથકોનો સમાવેશ થાય છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે!
મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં 70,029 અરજી મળી હતી. 36763 જેટલી અરજી નવા મતદારોની છે, જેમાં 14 હજાર જેટલા મતદારો એવા છે જે 18-19 વયજૂથના જ છે. જેમાં દહેગામ તાલુકામાં 5232, ગાંધીનગર દક્ષિણમાં 13144 મતદારો, ગાંધીનગર ઉત્તર 6205, માણસા તાલુકામાં 5728, કલોલ તાલુકામાં 6499 જેટલા નવા મતદારો નોંધાયા છે પરંતુ આ મતદારો પંચાયતની ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં મત આપી શકશે.આ રીતે જિલ્લામાં જે નવા મતદારો નોંધાયા છે તે હાલની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરી નહીં શકે તેથી નવા મતદારોને હજુ રાહ જોવી પડશે.

આજે સાંજથી જિલ્લામાં પ્રચાર પડઘમ શાંત થઈ જશે
જિલ્લાની 156 ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ બેઠકના કુલ-730 ઉમેદવારો હાલમાં ઉમેદવારોને રીઝવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ ચુંટણી પંચના નિયમ મુજબ મતદાનના 48 કલાક પહેલાં પ્રચાર પડઘમ કરી શકે નહીં. આથી તારીખ 17મી, શુક્રવારે સાંજે 6 કલાકથી ગ્રામ પંચાયતની ચુંટણીના પ્રચાર પડઘમ થમી જશે. ચૂંટણી પંચના નિયમ મુજબ મતદાનના 48 કલાક પહેલાં ઉમેદવાર સભા, સરઘસ, માઇકમાં પ્રચાર પ્રસાર કરી શકે નહી. પ્રચાર અને પ્રસાર શાંત થઇ જતા મતદારોને રીઝવવા માટે ઉમેદવારો હવે ખાટલા બેઠકનો દૌર શરૂ થશે.અા રીતે હવે આખરી ઘડીના પ્રચારનો ધમધમાટ શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...