શિક્ષણમંત્રી V/S વાલી:અમદાવાદમાં રાત્રે કરફ્યૂ તો સવારે સ્કૂલો કેવી રીતે ચાલુ કરી શકાય? 23મીએ શાળા બંધના એલાનને વાલી મંડળનો ટેકો

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • શિક્ષણમંત્રીને ચાલુ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ફોન આવ્યો હોવાની ચર્ચાઓ

ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો શરુ કરવાના સરકારના નિર્ણય સામે વાલીઓ અને વાલી મંડળોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે ત્યારે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા સ્કૂલો શરુ કરવાનો નિર્ણય પાછો ખેંચવાની માંગણી કરી 23 નવેમ્બરે અપાયેલા શાળા બંધના એલાનને ટેકો જાહેર કર્યો હતો. હવે અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થવાથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં રાત્રે કરફ્યૂ હોય તો સવારે સ્કૂલો કેવી રીતે શરુ કરી શકાય?

ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં ભૂપેન્દ્રસિંહને કોણે ફોન કર્યો?
શિક્ષણમંત્રી જ્યારે 23મી નવેમ્બરે શાળા કોલેજો ખોલવા માટેની પ્રેસ કૉન્ફરન્સ કરી રહ્યાં હતાં. ત્યારે ચાલુ કૉન્ફરન્સમાં શિક્ષણમંત્રીનો ફોન રણક્યો હતો. આ ફોન કોનો હતો તેને લઈ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. સામાન્ય રીતે ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં કોઈપણ મંત્રી કે અધિકારી ફોન રીસીવ કરતાં નથી. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ભૂપેન્દ્રસિંહ પર ફોન આવ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. અમદાવાદમાં રાત્રી કરફ્યૂ લગાવ્યા બાદ કદાચ 23 નવેમ્બરથી શાળા કોલેજો શરુ ન પણ થઈ શકે. આ બાબતે રાજ્ય સરકાર એકાદ દિવસમાં નિર્ણય બદલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હાલમાં તો તંત્ર 23મીથી શાળા કોલેજો શરુ કરવા મક્કમ છે.

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ

સરકારની જાહેરાત સામે વાલીમંડળના મુદ્દા
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે કહ્યું હતું કે સરકાર 23મી નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવા મક્કમ છે. ત્યારે વિદ્યાર્થીઓની સલામતિ માટે કેટલાક મુદ્દાઓ સરકાર સમક્ષ રજુ કરવામાં આવ્યાં છે. જેમાં સ્કૂલો શરુ થયા પછી દરેક સ્કૂલની બહાર કોવિડ-19નું ટેસ્ટિંગ સેન્ટર ઉભું કરવું તેમજ રાજ્યના દરેક જિલ્લામાં તથા સિટી એરિયામાં વિદ્યાર્થીઓ માટે ખાસ કોવિડ-19 વોર્ડ ઉભો કરવાનો રહેશે. RTPCR નો રીપોર્ટ દરેક શિક્ષણ અને નોન ટીચિંગ સ્ટાફ તથા સ્કૂલના અન્ય સ્ટાફે DEO સમક્ષ રજુ કરવાનો રહેશે. જો કોઈપણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થશે તો તેની સારવાર માટેનું હોસ્પિટલનું બિલ સ્કૂલોએ ભરવાનું રહેશે.

બાળકને સ્કૂલે મોકલવો કે નહીં તેનો વિકલ્પ વાલીને આપવો
અગાઉ સ્કૂલો શરુ કરવા મુદ્દે ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે કહ્યું કે, સરકારે સ્કૂલો શરૂ કરવાની પોલિસી કે SOP તૈયાર કરતા સમયે શિક્ષણ તજજ્ઞો અને વાલીમંડળને સાથે રાખવાં જોઇએ. વાલી બાંહેધરી આપશે તો સંચાલકોની કોઇ જવાબદારી રહેશે નહીં. આ સ્થિતિમાં માત્ર એકની જવાબદારી નક્કી થવી જોઇએ નહીં. સ્કૂલો શરૂ કરવા મુદ્દે વાલીમંડળને સામેલ કરવા સરકારને પત્ર લખ્યો છે. જેમાં જણાવાયું છે કે બાળકને સ્કૂલે મોકલવાની જવાબદારી વાલીની રહેશે નહીં. વાલી બાળકની કોઈ બાંહેધરી પર સહી કરશે નહીં. સરકાર સ્કૂલો ખોલવા અંગે જે પોલિસી તૈયાર કરે તેને વાલી પર થોપી દેવામાં ન આવે. વાલી પાસે બાળકોને સ્કૂલે મોકલવા કે ન મોકલવા અંગે વિકલ્પ હોવો જોઇએ.