રાજયમાં એક પછી એક પ્રશ્નોપત્રો ફૂટવાની ઘટનાઓ બહાર આવી ત્યારે ગત ફેબ્રુઆરી મહિનામાં ધો. 11 સમાજશાસ્ત્ર વિષય સહિતના વિષયના પ્રશ્નોપત્રો જવાબ સાથે સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. આ વાઇરલ પ્રશ્નપત્રોની ક્રાઇમ બ્રાંચ તટસ્થતાથી તપાસ પુરી કરે તે પહેલા જ રાજય સરકારના પ્રતિબંધની ઐસીતૈસી ખાનગી પ્રકાશનો અને શાળાઓએ કરી હોવાનું બહાર આવ્યું છે.
પ્રશ્નપત્રો લીક થયા બાદ રાજય સરકારે ગત 24મી ફેબ્રુઆરીના રોજ પરિપત્ર કરીને શાળાઓને શાળાકક્ષાએ લેવાતી પરીક્ષા માટે ખાનગી પ્રકાશનોના પ્રશ્નપત્રોનો ઉપયોગ નહીં કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ છતાં અનેક શાળાઓ ધો.9 અને 11ની અત્યારે ચાલી રહેલી વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો ખાનગી પ્રકાશનો પાસેથી મેળવી રહી છે. પ્રશ્નપત્રો તૈયાર કરવા માટે મહેનત કરવી પડે નહીં એ માટે છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખ્યા વિના ખાનગી પ્રકાશનોના પ્રશ્નપત્રોનો ઉપયોગ ફુલ્યો ફાલ્યો હતો.
આ એક મોટા વ્યવસાયના સ્વરૂપમાં આકાર લઇ લીધો હતો. આ પ્રવૃતિ બેરોકટોકપણે ચાલતી હતી,પણ ગત ફેબ્રુઆરી મહિનામાં લેવાયેલી ધો. 9થી12ની પ્રિલિમનરી પરીક્ષાના કેટલાક વિષયોના પ્રશ્નપત્રો જવાબ સાથે સોશિયલ મિડીયામાં વાઇરલ થઇ ગયા હતા. ઉહાપોહ રાજય સરકારે ખાનગી પ્રકાશનોના પ્રશ્નપત્રોનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી હતી. આમ છતા અત્યારે લેવાતી ધો. 9 અને 11ની પ્રિલિમનરી પરીક્ષામાં ખાનગી પ્રકાશનોના પ્રશ્નપત્રો શાળાએ પહોંચી ગયા છે અને આ પ્રશ્નોપત્રોના આધારે પરીક્ષા લેવાની તૈયારીઓ થઇ ગઇ છે.
ગોપનીયતા જળવાય એ માટે ખાનગી પબ્લિકેશન શાળાઓને સૂચના આપે છે
ખાનગી પ્રકાશને સ્કૂલના સંચાલક, આચાર્ય અને વ્યવસ્થાપકના નામે તેની વેબસાઇટ પર સૂચના આપી દીધી છે કે, વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રોની ગોપનીયતા કેવી રીતે રાખવી.પરીક્ષાના પ્રશ્નપત્રોનું ટાઇમ ટેબલ,પ્રશ્વપત્રોનું નેટવર્ક, પ્રશ્નપત્રોની ગોપનીયતા ભંગ થાય તો શું થઇ શકે? સહિતની બાબતોની સૂચના પણ જાહેર કરી દીધી છે.
જુદા-જુદા વિષયોના અસાઈમેન્ટ તૈયાર કરવાનો 10 કરોડનો બિઝનેસ
પ્રશ્નપત્રોના સેટ તૈયાર કરીને શાળાઓને પહોંચાડવામાં ખાનગી પ્રકાશનોને કમાણી થતી નથી,પણ મુખ્ય કમાણી અસાઇમેન્ટ તૈયાર કરવામાં થાય છે.ગુજરાતમાં આશરે જુદા જુદા વિષયના અસાઇમેન્ટ તૈયાર કરવાનો રૂ. 10 કરોડનો બિઝનેસ હોવાનું સુત્રોનું કહેવું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.