ગુજરાત વિધાનસભાચૂંટણીની તૈયારી:ચૂંટણી વહેલી કે પછી સમયસર થાય, ભાજપ કેવું પ્રદર્શન કરી શકે તે બાબતે સંતોષનું મંથન

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષની ભાજપના નેતાઓ સાથે બેઠક યોજાઈ
  • ઓબીસી, દલિત, ​​​​​​​આદિવાસીઓ પર ધ્યાન કેન્દ્રીત કરાયું, મહિલાઓને મોટા પ્રમાણમાં ટિકિટો અપાશે

હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ક્યારે આવશે તેને લઇને ઘણી બધી ચર્ચાઓ છે અને ભાજપના નેતાઓ કહે છે કે ચૂંટણી સમયસર જ આવશે. જો કે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી. એલ. સંતોષે પ્રદેશના ભાજપ નેતાઓ તથા સંઘના સાથે મુલાકાતો કરીને ગુજરાતમાં ચૂંટણી વહેલી આવે અથવા સમયસર આવે તેવા સંજોગોમાં ચૂંટણીના પરિણામો પર કેટલો ફરક પડી શકે તે અંગેની સમીક્ષા કરી લીધી છે.

ભાજપના સૂત્રો જણાવે છે કે વધુ શક્યતા તો સમયસર ચૂંટણીની જ છે, પરંતુ દરેક સંજોગોમાં રહેલી શક્યતાઓની ચકાસણી સંતોષે કરી છે. સમયસર ચૂંટણી થાય તે સંજોગોમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બન્ને પક્ષો કેટલાં અસરકારક રહેશે તે મુખ્ય મુદ્દો હતો. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં કયો વર્ગ કઇ તરફનો ઝોક અપનાવી શકે તે અંગેની પણ સમીક્ષા કરી છે. જેમાં યુવાનો, ખેડૂતો, મહિલાઓ, ઉદ્યોગકારો, મધ્યમવર્ગ તથા વ્યાવસાયિકોનો મૂડ કઇ તરફનો છે તે પણ જાણ્યું છે.

છેલ્લાં બે દિવસ દરમિયાન સંતોષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, તથા સંઘના નેતાઓ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપના અન્ય નેતાઓ સાથે મુલાકાતો યોજી હતી. ગુજરાત ભાજપના કાર્યાલય પર તેમણે યુવાનો તથા અનુસૂચિત જાતિના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી.

કોને કાપવાથી કેટલું નુકસાન, તેના વિકલ્પ અંગેની તૈયારી પણ કરી લેવાઇ
ગુજરાતમાં આવતી ચૂંટણીમાં મોટા પ્રયોગો થશે તે નિશ્ચિત છે. આ સંજોગોમાં ઘણાં ધારાસભ્યોની ટિકિટો કપાઇ જશે. મહત્તમ 65 વર્ષની ઉંમર અથવા ચાર કે તેથી વધુ ટર્મ ચૂંટણી લડેલા લોકોને ટિકિટ નહીં અપાય. આ સંજોગોમાં ટિકિટો કપાવવાથી કેટલું નુક્સાન જાય અને તેની સામે પાર્ટી પાસે કેવા વિકલ્પો છે તેની ચર્ચા પણ કરી લેવાઇ છે. આવો વિરોધ ખાળવા માટે ભાજપ મોટા પ્રમાણમાં મહિલાઓને આવતી ચૂંટણીમાં મેદાનમાં ઉતારી શકે છે.

સંતોષે દલિત યુવાનો સાથે મુલાકાત કરી
ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ રાજકારણમાં ઝંપલાવીને પાટીદાર કાર્ડ ખેલે તો ભાજપે તેવા સંજોગોમાં રણનીતિના ભાગરૂપે ઓબીસી, દલિત અને આદિવાસી સમાજ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું નક્કી કર્યું છે. સંતોષે આ દરમિયાન દલિત યુવાનો સાથે મુલાકાત કરી અને સાથોસાથ દલિત સમુદાયના આસ્થા સ્થાન ઝાંઝરકા સવગુણ ધામની મુલાકાત પણ લીધી હતી.

ભાજપે પોલિંગ બૂથ મેનેજમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરી
ગુજરાતમાં ચૂંટણી ગમે ત્યારે યોજાય, પરંતુ ભાજપે તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ગુજરાત ભાજપના સૂત્રો જણાવે છે કે આ તૈયારી બૂથ મેનેજમેન્ટ સુધીની છે અને કાર્યકર્તાઓને તમામ તાલીમ પણ મળી ગઇ છે. જો એક દિવસ પહેલાં જ ખ્યાલ આવે કે બીજા દિવસે ચૂંટણી યોજવાની છે તો પણ કોઇ ભૂલ ન થાય ત્યાં સુધીનું આયોજન ભાજપે હાલ પૂર્ણ કરી દીધું છે. ત્રણ દિવસ માટે ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને પરિવાર સાથે સમય ગાળવા આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...