જુગારીઓ ઝડપાયા:સરગાસણનાં સ્વાગત એફોર્ડ ફ્લેટમાં ચાલતાં જુગારધામ પર દરોડો, યુવતી સહિત 7 જુગારી રૂ. 11.52 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઈનથી ચાલતાં જુગારધામ પર ઈન્ફોસિટી પોલીસનો કાફલો ત્રાટક્યો
  • રૂ. 10 લાખની કાર લઈને જુગાર રમવા આવેલા નિખિલ પરમાર પાસેથી રૂ. 1 હજારની રોકડ મળી

ગાંધીનગરના સરગાસણ સ્વાગત એફોર્ડ ફ્લેટમાં છેલ્લાં ઘણાં સમયથી ચાલતા જુગારધામ પર ઈન્ફોસિટી પોલીસે ત્રાટકી યુવતી સહિત 7 જુગારીયાને કોઈન મારફતે જુગાર રમતાં રંગેહાથ ઝડપી લઈ રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ ફોર્ચ્યૂનર કાર મળીને કુલ. 11.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરમાં કોઈન થકી જુગાર રમવાનું ચલણ વધી રહ્યું છે. થોડા વખત અગાઉ સેકટર - 2 ખાતે ચાલતા હાઈટેક જુગાર ધામ પોલીસે ઝડપી લીધું હતું. ત્યારે ગઈકાલે પણ સરગાસણનાં સ્વાગત એફોર્ડ ફ્લેટમાં પણ ઈન્ફોસિટી પોલીસ દ્વારા દરોડો પાડી કોઈન થકી જુગાર રમતાં જુગારીઓ ઝડપી પાડવામાં આવ્યા છે.

જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ દારૂ જુગારની પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા તાબાનાં અધિકારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવેલી છે. જે અન્વયે ઈન્ફોસિટી પીઆઈ પી. પી. વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફ જુગારની પ્રવર્તી શોધી કાઢવા માટે કાર્યરત હતો. તે વખતે ગઈકાલે રાત્રે જમાદાર વિજય રાજગોરને બાતમી મળી હતી કે સરગાસણમાં આવેલ સ્વાગત એફોર્ડ ફ્લેટ નંબર - X/302 માં રહેતી વિદ્યા ballan પીગલે બહારથી માણસો બોલાવી કોઈન થકી જુગાર ધામ ચલાવી રહી છે.

બાતમીના આધારે ડી સ્ટાફના માણસોએ બે ખાનગી વાહનોમાં પહોંચી જઈ ઉક્ત ફ્લેટ નો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે પેથાપુર વણકર વાસમાં રહેતા મૂલચંદ મંગળદાસ સેનમાએ દરવાજો ખોલ્યો હતો. બાદમાં પોલીસ ફ્લેટના બેડરૂમમાં ત્રાટકી હતી. ત્યારે ડબલ બેડ પર જુગારીઓ કોઈન મારફતે જુગાર રમી રહ્યા હતા. જેમાં વિદ્યા પણ જુગાર રમી રહી હોવાથી પોલીસે મહિલા જમાદાર દીપિકાબેન તેમજ હેડ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહને પણ બોલાવી લીધા હતા.

પોલીસને જોઈ જુગારીઓએ કોઈન અને ગંજીપાના નીચે મૂકી દીધા હતા. જેમની પૂછતાંછ શરૂ કરતાં તેમણે પોતાના નામ નિખિલ કેતનકુમાર પરમાર (ઉ. 27,રહે. સેકટર - 4/A,પ્લોટ નં-247/1,મૂળ બાપુપૂરા માણસા) ભૌમિક ગિરીશભાઈ સેનમા (ઉ. 22,સેકટર - 4/A,પ્લોટ નંબર - 247/1,મૂળ રહે. મૂલચંદ પાર્ક, પેથાપુર), હિતાર્થ બળદેવ ભાઈ દવે (જીઈબી કોલોની), શાર્દુલ અનિલ ભાઈ રાઠોડ (ઉ. 38,રહે, સેકટર - 3 ન્યુ, પ્લોટ નંબર 176/2), વિદ્યા પિંગલે (ઉ. 28,રહે, સ્વાગત એફોર્ડ ફ્લેટ નંબર - X/302), જેતારામ સોનારામ સેનમા (ઉ. 32,રહે. સ્વીટ શુક્ર સોસાયટી E/504)અને મૂલચંદ મંગળદાસ પટેલ (ઉ. 38,રહે. વણકર વાસ, પેથાપુર) હોવાની કબૂલાત કરી હતી.

ઈન્ફોસિટી ડી સ્ટાફે જુગારીઓની અંગઝડતી તેમજ દાવ પરથી રૂ. 12 હજાર રોકડા, રૂ. 40 હજારની કિંમતનાં 7 મોબાઇલ, ફોર્ચ્યૂનર કાર રૂ. 10 લાખ, આઈ - 10 કાર રૂ. 1 લાખ, 142 નંગ પ્લાસ્ટિકના કોઈન તેમજ ગંજીપાના મળીને કુલ રૂ. 11.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. જ્યારે રૂ. 10 લાખની કાર લઈને જુગાર રમવા આવેલાં નિખિલ પરમાર પાસેથી રૂ. 1 હજારની જ રોકડ મળી આવી હતી. સૂત્રોના કહેવા મુજબ વિદ્યા અને તેનો પતિ જુગારધામ ચલાવતા હતા. જેમના વિરુદ્ધ જુગારધારા હેઠળ તેમજ કોવિડ - 19 ના નિયમોના ભંગ બદલ ગુન્હો નોંધી કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...