માણસા તાલુકાના સમૌ અને હનુમાન પુરા ગામની હદનો વિવાદ વકર્યો છે. રાજપૂત અને ચૌધરી સમાજનું પ્રભુત્વ ધરાવતાં બંને ગામના રહીશો હદ માટેના સરકારી સરવેનો વિરોધ કરવા સાથે નવેસરથી ગ્રામજનોને સાંભળીને હદ નક્કી કરવાની માગણી કરી રહ્યા છે. સાથે જ વિધાનસભાની આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારાઈ રહી છે.
વિભાજનની પ્રક્રિયાને અંતે બંને ગ્રામ પંચાયત અલગ પડી
300 વર્ષ કરતાં જૂનો ઇતિહાસ ધરાવતા સમૌ ગામમાં દાયકાઓ પહેલાં હનુમાન પુરા નામનું પરું સમાયેલું હતું. રાજપૂત અને ચૌધરી સમાજો વચ્ચે છેલ્લાં થોડાં વર્ષોથી વૈમનસ્ય ઊભું થતાં બંને ગામ જૂદાં કરવાનો નિર્ણય લેવાયો હતો. જેને પગલે વર્ષ 2018થી ચાલતી વિભાજનની પ્રક્રિયાને અંતે બંને ગ્રામ પંચાયત અલગ પડી છે. ફેબ્રુઆરી, 2022માં સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંને ગામની હદ મુદ્દે માથાકૂટ શરૂ થઈ છે.
વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર વિવાદ અસર કરી શકે છે
સમૌની વસ્તી અંદાજે 6 હજારથી વધુ હતી, જેમાં ચૌધરી સમાજના 1200 લોકો સહિત અંદાજે 1300થી વધુની વસ્તી ધરાવતું હનુમાનપુરા ગામ અસ્તિત્વમાં આવ્યું છે. સમૌમાં 1500 જેટલા રાજપૂત સમાજના લોકો સહિત 4700 જેટલી વસ્તી છે. બંને સમાજના આગેવાનો વચ્ચેના ગજગ્રાહમાં ભાજપના બે નેતાઓ પણ બંને પક્ષના ટેકામાં છે. બંને ગામની વસ્તી મોટા ભાગે ભાજપ તરફી છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર વિવાદ અસર કરે તેમ છે.
ચૌધરી સમાજ તરફથી રજૂઆત
ચૌધરી સમાજ તરફથી રજૂઆત
શું છે વિવાદ? નવેસરથી હદ નક્કી કરવા ઉગ્ર માગણી
બંને ગામના વિભાજન ટાણે સરકારમાં નકશો મૂકાયો હતો અને એ સમયે મંદિર અને ડેરીનો હનુમાન પુરામાં સમાવેશ કરવાનું નક્કી કરાયું હતું પરંતુ અત્યારની સ્થિતિએ સ્કૂલ અને દવાખાનું પણ સમૌ ગામમાંથી નીકળી ગયું છે. આ સહિતના કારણે નવેસરથી હદ નક્કી કરવા માગણી કરાઈ રહી છે.
વાયકા ચૌધરી સમાજના વડવા હનુમાન દાદાને લાવ્યા હતા
વાયકા પ્રમાણે સમૌ ગામમાં રાજપૂત સમાજનો વસવાટ હતો. વર્ષો પહેલાં પાલનપુર નજીક આવેલા જગાણા ગામથી ચૌધરી સમાજના વડવા હનુમાન દાદાને લઈને નીકળ્યા હતા. સમૌ ગામમાં દરબારોના વડવાઓએ તેઓને ગામમાં આશરો આપ્યો હતો. સમૌ ગામમાં વસતા ચૌધરી સમાજના વડવાઓને રહેવા ઘર અને અંદાજે 300થી 400 વીઘા જમીન અપાઈ હતી.
વિકાસ કમિશનરે ટીડીઓને તપાસના આદેશ કર્યો
‘વિકાસ કમિશનરે સમગ્ર મામલે તપાસનો આદેશ કર્યો છે. તેના આધારે માણસા તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. માણસા તાલુકા વિકાસ અધિકારીના તપાસ રિપોર્ટના આધારે નિર્ણય લેવાશે.’ - સુરભી ગૌતમ, ડીડીઓ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.