ડૉક્ટરોને સરકારની ચીમકી:કેસ પાછા ખેંચશો તો જ પગાર વધશે; વેતન માટે આંદોલન કરનારા ડૉક્ટરો પર તવાઈ

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ઉચ્ચતર પગાર ધોરણ માટે લાંબા સમયથી માંગણી કરી રહેલા સરકારી ડોક્ટરોને આખરે કોર્ટ કેસો પાછા ખેંચવાની શરતે સરકારે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવાનું નક્કી કર્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ મામલે ઠરાવ પણ જાહેર કર્યો છે.

જેમણે કેસ પાછા ખેંચવા અરજી કરી હશે તેમને જ લાભ મળશે
આરોગ્ય વિભાગે કરેલા નિર્ણય મુજબ પાત્રતા ધરાવતા તજ્જ્ઞ સેવા વર્ગ-1માં 8 વર્ષની નિયમિત સેવા પૂર્ણ કર્યા બાદ જો અન્ય શરતો પણ સંતોષતા હોય તો છઠ્ઠા પગારપંચ મુજબ ઉચ્ચતર પગાર ધોરણ તરીકે 15,600-39,100 (ગ્રેડ પે 6600 રૂપિયા)માંથી 37,400-67,000 (ગ્રેડ પે 8700) અને સાતમા પગારપંચ મુજબ 67,700-2,08,700માંથી 1,23,100-2,15,900ના પગાર ધોરણનો લાભ આપવાનું ઠરાવાયું છે. જે તબીબોએ કોર્ટ કેસ પાછા ખેંચવા માટે એફિડેવિટ કરેલી છે તેમને આ લાભ આપવામાં આવશે.

સરકારે સમિતિની રચના કરી હતી
સરકાર દ્વારા તબીબી, જીએમઇઆરએસ, જાહેર આરોગ્ય, પરિવાર કલ્યાણ, દંત શિક્ષણ, તબીબી સેવાઓ વગેરેના જુદા જુદા એસોસીએશનના ગુજરાત ઇન સર્વિસ ડોકટર્સ સંયુક્ત ફોરમના પ્રશ્નોના નિરાકરણ માટે ગત ડિસેમ્બરમાં મંત્રીમંડળની પેટા સમિતિની રચના કરાઇ હતી.

ત્રણ હપતામાં રકમ ચૂકવવામાં આવશે
આ સમિતિ દ્વારા સરકારને અહેવાલ રજૂ કરાયો હતો. જેમાં તજ્જ્ઞ સેવા વર્ગ-1ને ટીકુ કમિશન અન્વયે મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ છ વર્ષે આપવામાં આવે છે. તેના બદલે નિયમિત સેવાનાં આઠ વર્ષ પૂર્ણ કર્યાથી તેમજ જે તબીબોએ હાઇકોર્ટમાં ઉચ્ચતર પગાર ધોરણ બાબતે કોર્ટ કેસ દાખલ કર્યા છે તેમને કેસ પરત ખેંચવાની શરતે અગાઉની જેમ સમગ્ર નોકરી દરમિયાન ફક્ત એક જ ઉચ્ચતર પગાર ધોરણ તરીકે છઠ્ઠા પગાર પંચ મુજબ તથા સાતમા પગારપંચ મુજબ ગ્રેડ પેમાં વધારો અને પે મેટ્રિક્સ લેવલ-11 માંથી પે મેટ્રિક્સ લેવલ-13ના પગાર ધોરણનો લાભ આપવાની ભલામણ કરાઇ હતી. તે મુજબ અમલ કરીને મળવાપાત્ર એરિયર્સની રકમ ત્રણ સરખા હપ્તામાં ચૂકવવામાં આવશે.

આ તબીબોએ ઉચ્ચતર પગારધોરણ મળ્યા પછીનાં 8 વર્ષ સુધી સરકારી સેવા બજાવવાની રહેશે. જો કોઇ ડોક્ટર બઢતીનો અસ્વીકાર કરશે કે રાજીનામું આપશે તો આ મળેલા લાભો પરત લઇ શકાશે તેવી બાંહેધરી પણ આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...