મુખ્ય સચિવે AMCનો ઉધડો લીધો:કહ્યું - પાણીના નિકાલ માટે વૈકલ્પિક વ્યવસ્થા વિચારી જ ન હતી?

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મલાવ તળાવ પાસે રોડ પર ભરાયેલા પાણીમાં પણ શોર્ટસર્કિટને કારણે એક કારમાં આગ લાગી હતી. - Divya Bhaskar
મલાવ તળાવ પાસે રોડ પર ભરાયેલા પાણીમાં પણ શોર્ટસર્કિટને કારણે એક કારમાં આગ લાગી હતી.
  • વરસાદ બંધ થયા પછી પણ પાણી ન ઉતરતાં મુખ્ય સચિવ કંટ્રોલ રૂમ દોડી આવ્યા

રવિવારે અમદાવાદમાં વરસેલાં ભારે વરસાદને કારણે શહેરના ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને મ્યુનિ.નું તંત્ર ઠપ થઈ ગયું હતું. રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર સ્થિતિની સમીક્ષા કરવા સોમવારે મ્યુનિ.ના કંટ્રોલરૂમ પર પહોંચી ગયા હતા અને કમિશનર લોચન સહેરા સહિતના તમામ અધિકારીઓનો ઉધડો લીધો હતો.

મુખ્ય સચિવે સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયામાં વહેતાં થયેલાં સંદેશાઓની બાબતે તેમની પાસે સ્પષ્ટતા માંગી હતી. અધિકારીઓએ એટલું જ કહ્યું હતું કે આ વરસાદ અપેક્ષા કરતાં વધુ હતો અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ તેની સામે ઝીંક ઝીલી શકી નહીં. આ સાંભળીને મુખ્ય સચિવ ખૂબ ગુસ્સે ભરાયા હતા. તેમણે કહ્યું હતું કે, પાણીના નિકાલ માટે વૈકલ્પિક વ્યવસ્થા વિચારી જ ન હતી.

પોલીસે ગટરનાં ઢાંકણાં ખોલ્યાં, 108એ હેલ્પિંગ હેન્ડ લંબાવ્યો
થલતેજથી હેબતપુર જતા સર્વિસ રોડ પર આવેલા જીનવદીપ ટી નજીકના રોડ પર વરસાદ બંધ થવા છતાં પાણી ન ઓસરતા એસજી-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.કે. પરમાર અને સ્ટાફે ગટરના ઢાંકણાં ખોલી પાણીનો નિકાલ કરાવ્યો હતો. વાસણામાં આશા પાર્કમાં પાણી ભરાતા એમ્બ્યુલન્સ જઈ શકે તેમ ન હોવાથી સ્ટાફે સ્ટ્રેચર લઈ જઈ દર્દીને ખસેડ્યા હતા.

શહેરનાં 290 ગાર્ડન અનિશ્ચિત મુદત માટે બંધ કરાયાં
રવિવારે પડેલા ભારે વરસાદને પગલે સંખ્યાબંધ ગાર્ડનોમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી કેટલાક ગાર્ડનોમાં શોર્ટસર્કિટના અને કરંટ આવતી હોવાની ફરિયાદો મળી હતી. જેને પગલે સોમવારે સવારે મ્યુનિ.એ આગામી દિવસોમાં વરસાદ ન પડે તો તમામ બગીચા ચેક કર્યા બાદ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી શહેરના તમામ ગાર્ડન બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

હીરાભાઈ ટાવર પાસે કેડ સમા પાણી, હોડી ફરતી થઈ
રવિવારે મણિનગરમાં સરેરાશ 8થી 9 ઈંચ વરસાદ ખાબકતાં તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જવાહર ચોકથી ગોવિંદ વાડી અને ઈસનપુર તરફ જતા રોડ પર એટલા પાણી ભરાયા હતા કે કોઈ વાહન અવરજવર કરી શકે તેવી સ્થિતિ ન હતી. રોડ પર હોડી ફરતી જોવા મળી હતી. આ વિસ્તારો ઉપરાંત ભૈરવનાથ, ઉત્તમનગર ગાર્ડન, કૃષ્ણબાગ, હાટકેશ્વરની અનેક સોસાયટીઓ અને ફ્લેટોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ખોખરા, જશોદાનગર, સીટીએમમાં કેડસમા પાણીને કારણે સૌથી વધુ મુશ્કેલી વાહનચાલકોને થઈ હતી. ગોરના કૂવા પાસે પણ વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા હતા.

હોસ્પિટલો, પોલીસ સ્ટેશન, હેલ્થ સેન્ટર પણ પાણીમાં
​​​​​​​સોલા સિવિલ હોસ્પિટલ, પૂર્વના અર્બન હેલ્થ સેન્ટર, ગોમતીપુર પોલીસ સ્ટેશન, જીએમડીસી ગ્રાઉન્ડ, નવરંગપુરાનું સરદાર પટેલ સ્ટેડિયમમાં પણ પાણી ભરાઈ ગયા હતા. પૂર્વ અને પશ્ચિમના એસપી રિંગ રોડ પર પણ પાણી ભરાતા સોમવારે સવારે ભારે ટ્રાફિકજામ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...