અજબ પ્રેમ કી ગજબ કહાની:ગાંધીનગરની સગીરાને ફેસબુકથી દિલ્હીમાં મજૂરી કામ કરતા શખ્સ સાથે પ્રેમ થયો, સ્કૂલેથી ડાયરેક લગ્ન કરવા ભાગી ગઇ

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિહાર પોલીસે બન્નેને સીતામઢીનાં ગડા ગામથી ઝડપી લઈ ગાંધીનગર પોલીસને સોંપ્યા
  • પિતાના મોબાઇલથી જ સગીરાએ પ્રેમીનો સંપર્ક થયો હતો

ગાંધીનગરની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં ધોરણ-9 માં અભ્યાસ કરતી સગીરાના અપહરણ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં સગીરાએ સ્કૂલેથી ભાગતાં પહેલા દિલ્હીમાં મજૂરી કામ કરતા પ્રેમી સાથે તેના જ પિતાના મોબાઇલથી વાતચીત કરી હતી. જ્યારે બંને પ્રેમી પંખીડા લગ્ન કરવાની તૈયારીમાં હતા એ પહેલાં જ બિહાર પોલીસે બન્નેને સીતામઢી જિલ્લાના ગડા ગામમાંથી ઝડપી લઈ ગાંધીનગરને પોલીસને સોંપ્યા હતા. ત્યારે આ કિસ્સો દરેક વાલી માટે ચેતવણીરૂપ સમાન છે.

ફેસબુકના માધ્યમથી પ્રેમ પાંગર્યો
ગાંધીનગરના સોશિયલ એમ્પાવરમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીની સગીર વયની દીકરી શહેરની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરે છે. જે ફેસબુકના માધ્યમથી દિલ્હીના યુવકના સંપર્કમાં આવી હતી. જે બાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધોનું નિર્માણ થયું હતું. જેનાં પગલે 18મી જૂલાઈનાં રોજ સગીરા સ્કૂલેથી ભાગી ગઈ હતી. જે મોડે સુધી ઘરે પરત નહીં ફરતા સેકટર-21 પોલીસ મથકમાં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સગીરાનાં પિતાના મોબાઇલનો ડેટા ચેક કરવામાં આવ્યો
ગાંધીનગર પોલીસ તેમજ સાયબર ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે સગીરા કાલુપુર રેલ્વે સ્ટેશનથી દિલ્હીની ટ્રેનમાં બેસી હોવાનું સામે આવ્યું હતું. તો બીજી તરફ સગીરાના પિતાના મોબાઇલનો ડેટા ચેક કરવામાં આવ્યો હતો. જેમાં એક અજાણ્યો નંબર મળી આવ્યો હતો. જેનાં પરથી સગીરા ગુમ થયાના એક દિવસ પહેલા અને બીજા દિવસે પણ ફોન આવ્યો હતો. આ નંબરની તપાસ કરતા નંબર દિલ્હીનાં વિનોદનગરમાં રહેતાં યુવકનો હોવાનું બહાર આવ્યું હતું. જેથી એક ટીમ દિલ્હી પહોંચી હતી, પણ તેઓ મળી આવ્યા ન હતા.

નંબર ટ્રેક કરતાં મોબાઇલ ફોન બિહાર તરફ જઈ રહ્યો હોવાનું ખુલ્યું
યુવકનો નંબર સર્વેલન્સમાં મૂકવામાં આવતા મોબાઇલ ફોન બિહાર તરફ જઈ રહ્યો હોવાનું લોકેશન મળ્યું હતું. જેનું પોલીસ ટીમ લોકેશન ટ્રેક કરીને તેમનો પીછો કરતી રહી હતી. પ્રારંભમાં બિહાર પોલીસનો પૂરતો સહયોગ નહીં મળતા આખરે જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલે તપાસમાં ઝંપલાવ્યું હતું. જેનાં પગલે બિહાર પોલીસ મોબાઈલ લોકેશન ટ્રેક કરીને બિહારના સીતામઢી જિલ્લાનાં રુનિસૈદપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગડા ગામમાં પહોંચી જઈ સગીરાને શખ્સની ચુંગાલમાંથી બચાવી લીધી હતી અને શખ્સને ઝડપી પાડી ગાંધીનગર પોલીસને સોંપ્યો હતો.

બંને જણાંએ લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધું હતું
આરોપીની તપાસમાં તે દિલ્હીમાં મજૂરી કામ કરતો હોવાની હકીકત સાંભળીને પોલીસ ચોંકી ઉઠી હતી. સગીરાથી ડબલ ઉંમરના શખ્સે ફેસબુકના માધ્યમથી ગાંધીનગરની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. જેનાં કારણે સગીરા સ્કૂલથી ભાગીને તેની પાસે પહોંચી ગઈ હતી. જ્યાં બંને જણાંએ લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધું હતું. જોકે, એ પહેલાં જ બન્નેને ઝડપી લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પોલીસને અગાઉ શંકા હતી કે કદાચ બંને નેપાળમાં પ્રવેશ કરશે પણ એવું શક્ય બન્યું ન હતું.

કિશોરી નવેમ્બર 21માં સોશિયલ મીડિયા થકી યુવકના સંપર્કમા આવી હતી
માત્ર 13 વર્ષની કિશોરીના હાથમાં મોબાઇલ આપ્યા પછી માતા પિતાને પસ્તાવાનો વારો આવ્યો છે. કિશોરી નવેમ્બર 21માં સોશિયલ સાઇટનો ઉપયોગ કરતા મૂળ બિહારના સીતામઢી જિલ્લાના ગડા ગામના અને હાલ દિલ્લીમાં રહેતા 25 વર્ષીય સુનીલ વિજય મંડલના સંપર્કમાં આવી હતી.

શાળાથી પંચદેવ મંદિર સુધી ચાલતા ચાલતા આવ્યા
સેકટર 21 શાળાએથી કિશોરી અને યુવક ચાલતા ચાલતા ચ રોડ ઉપર આવેલા પંચદેવ મંદિર સુધી આવ્યા હતા અને ત્યાંથી કેબ ભાડે કરીને કાલુપુર રેલવે સ્ટેશને પહોંચી દિલ્લી પહોંચ્યા હતા. જ્યાંથી બિહારમાં તેની માસીના ઘરે પહોંચ્યા હતા.

યુવકે કહ્યું મારી સગાઇની વાતો ચાલે છે, કિશોરીએ કહ્યું હું મરી જઇશ
​​​​​​​યુવક સાથે વાતચીતો કરતા કિશોરીએ યુવક સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. તે સમય પછી યુવકે કિશોરીથી છુટવા માટે તેની સગાઇની વાતો ચાલી રહી છે તેમ કહીને બચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કિશોરીએ કહ્યું કે તુ મારી સાથે લગ્ન નહીં કરે તો હુ મરી જઇશ કહીને યુવક ઉપર દબાણ વધાર્યુ હતુ.

યુવક દિલ્લીથી ટ્રેનમાં આવી અગાઉથી બનાવેલા પ્લાન પ્રમાણે કિશોરીને લઇ ગયો
​​​​​​​ગત 18 જુલાઇના રોજ માઉન્ટ કાર્મેલ શાળા પાસેથી કિશોરી ભાગી નિકળી હતી. ત્યારબાદ સેક્ટર 21 પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, કિશોરીએ યુવકને અગાઉથી ભાગવાનો પ્લાન બનાવી દીધો હતો અને યુવક દિલ્લીથી ટ્રેનમાં આવ્યો હતો. જેમાં તે બીજા દિવસની રિટર્ન ટિકિટ લઇને આવ્યો હતો.

સેક્ટર 21 પોલીસની ટીમ માત્ર 96 કલાકમાં આરોપી સુધી પહોંચી
સેક્ટર 21 પીઆઇ એમ.બી.ભરવાડની ટીમ માત્ર 96 કલાક એટલે કે 4 દિવસમાં આરોપી સુધી પહોંચી ગઇ હતી. યુવકનો મોબાઇલ નંબર શોધી તેને બિહારના ગડા ગામેથી પકડી ગાંધીનગર ખાતે લાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...