ગુજરાત ભાજપે પોતાની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી તેના આગલા દિવસે પાંચ સિનિયર નેતાઓએ લખીને આપી દીધું કે અમે ચૂંટણી નહીં લડીએ. જૂની સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, કૃષિ મંત્રી આર સી ફળદુ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને આ વખતે ટિકિટ નથી મળી.
રાજકીય પક્ષોમાં કકડાટ જોવા મળ્યો
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે. ઉમેદવારો જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષોમાં કકડાટ જોવા મળ્યો હતો. જ્યારે ભાજપ દ્વારા જાહેર કરેલી ઉમેદવાર યાદીમાં ઘણા ખરા મોટા માથાઓને કાપી નાખવામાં આવ્યા છે. ત્યારે રાત પડતાની સાથે એક બાદ એક રૂપાણી સરકારના નેતાઓ દ્વારા 'હું ચૂંટણી નથી લડવાનો' એવા નિવેદનો આવવાના શરૂ થઈ ગયા હતા.
દરેક માટે અલગ-અલગ પ્રોફાઇલ વિચારી લેવાઈ
હવે આ પાંચેય સિનિયર નેતાઓ ભાજપના એલ કે અડવાણી, મુરલી મનહર જોષી અને યશવંત સિંહાની જેમ માર્ગદર્શક મંડળમાં જતા રહેશે તેવી ચર્ચાઓ ચાલું થઇ. પરંતુ એવું નથી. ભાજપે તેમના માટે એક પ્લાન વિચારીને રાખ્યો છે. ભાજપના એક ખૂબ સિનિયર નેતાના જણાવ્યા પ્રમાણે એવું નથી કે આ તમામને હવે કોઇ જવાબદારી નહીં મળે. તેઓ હજુ પાર્ટીમાં કામ કરવા સક્ષમ છે. દરેક માટે અલગ-અલગ પ્રોફાઇલ વિચારી લેવાઈ છે.
કોઈ સંગઠનમાં તો કોઈ બંધારણીય પદ પર બેસી શકે, ભાજપે પાંચેય નેતાઓને મનાવી લીધા
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી
હાલ તેમને પંજાબના પ્રભારી બનાવાયા છે, પરંતુ આગામી સમયમાં રાષ્ટ્રીય સ્તરે ભાજપના સંગઠનમાં બદલાવ થવા જઇ રહ્યા છે. નવા સંગઠનમાં વિજય રૂપાણીને મહામંત્રી કે ઉપપ્રમુખ પદે બેસાડાય એવી શક્યતા છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
આવતી 2024ની લોકસભા ચૂંટણીમાં તેમને મહેસાણા બેઠક પરથી ઉમેદવારી કરાવીને વિજયી બને તેવા સંજોગોમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર આવે તો તેમને કેન્દ્રીય મંત્રીનું મોટું પદ મળી શકે છે.
પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
આગામી સમયમાં તેમને કોઇ રાજ્યના ગવર્નર તરીકે મૂકવામાં આવે તેવી ખૂબ ઊંચી સંભાવના છે. આવતા વર્ષે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મોટા રાજ્યના ગવર્નર તરીકે મૂકવામાં આવશે.
પૂર્વ કૃષિ મંત્રી આર સી ફળદુ
હવે તેમને સંગઠન કે સરકારમાં સીધું કોઇ પદ આપવાને બદલે ગુજરાત સરકારના કોઇ મોટા નિગમ અથવા કેન્દ્ર સરકારની કોઇ કચેરીમાં બંધારણીય હોદ્દો મળી શકે છે.
પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા
પ્રદિપસિંહે ભાજપ માટે કરેલા કામોનો બદલો તેમને અચૂક મળશે. આગામી સમયમાં સંગઠનમાં મહત્ત્વનો હોદ્દો અથવા સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રી સમકક્ષ પોર્ટફોલિયો મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.