તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Rupani Gave Only 975 Tonnes Against The Need Of 1400 Tonnes Of Oxygen Despite The Request Of The Government; Cases Have Increased In The Villages But There Is No Oxygen

કેન્દ્રએ ગુજરાતના શ્વાસ રૂંધી નાંખ્યા:રૂપાણી સરકારની વિનંતી છતાં 1400 ટન ઓક્સિજન સામે માત્ર 975 ટન આપ્યો; રાજ્યવાસીઓ તડપે છે ને સરકાર અન્ય રાજ્યોને લ્હાણી કરતી ફરે છે!

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકારે ઘટ હોવા છતાં ઓક્સિજન ટ્રેન દિલ્હી મોકલી - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજ્ય સરકારે ઘટ હોવા છતાં ઓક્સિજન ટ્રેન દિલ્હી મોકલી - ફાઇલ તસવીર
  • સુપ્રીમકોર્ટમાં ગુજરાત સરકારની કબૂલાત, કેન્દ્ર સરકાર પૂરતો ઓક્સિજન આપતી નથી
  • ઓક્સિજનના અભાવે 11,500 બેડ ખાલી રાખવા પડ્યા છે, દર્દીઓ ભારે હાલાકીમાં
  • ગામડાઓમાં કેસો વધી રહ્યાં છે, રાજ્ય સરકાર પાસે પૂરતો ઓક્સિજન નથી
  • બીજી તરફ કેન્દ્રે 4 દિવસમાં ગુજરાતમાંથી દિલ્હી માટે 545 ટન ઓક્સિજન ભરેલી ટ્રેન મોકલી છે

ગુજરાતની હાલની દૈનિક ઓક્સિજનની જરૂરિયાત 1,400 મેટ્રિક ટનની છે અને તે 15 મે સુધીમાં વધીને 1,600 મેટ્રિક ટને પહોંચશે. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હાલ માત્ર 975 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો જ ગુજરાતને ફાળવવામાં આવી રહ્યો છે. ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમે સુપ્રીમકોર્ટમાં થયેલી સુઓ મોટુ અરજીના સંદર્ભે જવાબ રજૂ કરતાં એક સોગંદનામાંમાં આમ જણાવ્યું છે. મુકીમે આ સોગંદનામાં સાથે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાને વખતોવખત લખેલાં પત્રોની નકલ પણ આ સોગંદનામાના બિડાણમાં રજૂ કરી છે.

રાજ્યમાં લોકો ઓક્સિજન માટે વલખાં મારે છે ને સરકાર અન્ય રાજ્યોમાં લ્હાણી કરે છે - ફાઇલ તસવીર
રાજ્યમાં લોકો ઓક્સિજન માટે વલખાં મારે છે ને સરકાર અન્ય રાજ્યોમાં લ્હાણી કરે છે - ફાઇલ તસવીર

મુકીમે જણાવ્યું કે હાલ ગુજરાતમાં ગામડાંમાં પણ ખૂબ કોરોના કેસ વધી રહ્યાં છે. ત્રીસ એપ્રિલે ગુજરાતમાં દૈનિક ઓક્સિજનની જરૂરિયાત 1,250 મેટ્રિક ટનની હતી જે માત્ર છ દિવસમાં વધીને 1,400 ટન થઇ ગઇ છે. આ સાથે સુપ્રીમ કોર્ટે 400 મેટ્રિક ટન ઓક્સિજનનો બફર સ્ટોક રહે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે જેથી આપાતકાલીન સમયે તેનો ઉપયોગ થઇ શકે, પણ તે થઇ શકે તેમ નથી. ઓક્સિજન સુવિધા સાથેની પથારીઓ શોધવામાં દર્દીઓને ખૂબ તણાવનો સામનો કરવો પડી રહ્યો છે.

પાંચ ટ્રેનોમાં ઓક્સિજન દિલ્હી પહોંચાડાયો
એક તરફ ગુજરાત ઓક્સિજન માટે વલખા મારે છે બીજી તરફ કેન્દ્ર દ્વારા છેલ્લા 4 દિવસથી દિલ્હી માટે 545 ટન જેટલો લીકવીડ ઓક્સિજનનો જથ્થો દિલ્હી મોકલાયો છે. છેલ્લા 4 દિવસમાં ઓક્સિજન લઈને કુલ પાંચ ટ્રેનો દોડાવવામાં આવી હતી. 4 મેના રોજ બે ટ્રેનોમાં 244 ટન, પાંચમી અને છઠ્ઠીએ 104 ટન તથા શુક્રવારે 92.97 ટન લિકવીડ ઓક્સિજન દિલ્હી મોકલાયો છે. નોંધનીય છે કે ગુજરાતમાંથી દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાન વગેરે રાજયોને ઓક્સિજન પહોચાડવા માટે કુલ 9 ટ્રેનો દોડાવાઈ હતી. જેમાં અત્યારસુધી કુલ 734.39 ટન ઓક્સિજન મોકલવામાં આવ્યુ છે.

26 એપ્રિલે 54 હજાર દર્દી ઓક્સિજન પર હતાં, આજે 57 હજારથી વધુ છે
5મી મેના રોજ મુકીમે કેન્દ્રીય ગૃહ સચિવ ભલ્લાને પત્ર લખીને જણાવ્યું કે 26 એપ્રિલે ગુજરાતમાં 5,837 દર્દીઓ વેન્ટિલેટર પર, 6,735 દર્દીઓ વેન્ટિલેટર વિનાના આઇસીયુ પર તથા 41,341 દર્દીઓ સાદા ઓક્સિજન સપ્લાય પર હતાં જે કુલ 53,913 થાય છે. જે પાંચમી મેના રોજ 6,429 દર્દીઓ વેન્ટિલેટર પર, 7,154 દર્દીઓ વેન્ટિલેટર વિનાના આઇસીયુ પર તથા 43,785 દર્દીઓ સાદા ઓક્સિજન સપ્લાય પરના મળીને કુલ 57,368 દર્દી થાય છે.

ઓક્સિજનના અભાવે દર્દીને ના પાડવી પડે છે
સૌથી ગંભીર બાબત ટાંકતા મુકીમે જણાવ્યું કે જો ઓક્સિજનનો પૂરતો જથ્થો મળે તો ગુજરાતમાં 11,500 ઓક્સિજન બેડ તથા વેન્ટિલેટર સુવિધાઓ મળી શકે તેમ છે. અમારી પાસે હોસ્પિટલોમાં પથારીઓ અને તબીબો તેમજ સ્ટાફ છે, પરંતુ ઓક્સિજન ન હોવાને કારણે અમારે દર્દીઓને સારવાર આપવાની ના પાડવી પડે છે.

રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે કેન્દ્રીય ગૃહસચિવને પત્ર
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે કેન્દ્રીય ગૃહસચિવને પત્ર

રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે કેન્દ્રીય ગૃહસચિવને પત્ર અક્ષરશઃ આ મુજબ છે
ડિયર સર,

હું આ પત્ર 26 એપ્રિલે મેં કેબિનેટ સેક્રેટરીને લખેલા પત્રના ફોલોઅપ તરીકે લખી રહ્યો છું. તે પત્રમાં મેં તે દિવસે ગુજરાતમાં મેડિકલ લિકિવડ ઓક્સિજનની 1,190 ટન માગનો સંકેત આપ્યો હતો અને કેન્દ્રીય ફાળવણીમાંથી ગુજરાતને વધુ 190 ટન ઓક્સિજન ફાળવવા આપને વિનંતી કરી હતી. જોકે, ભારત સરકાર ગુજરાત માટેની ફાળવણી 975 ટનથી ન વધારતાં હોસ્પિટલાઇઝેશન અને ઓક્સિજન થેરાપીની જરૂર હોય તેવા દર્દીઓની મુશ્કેલીઓ વધી છે. હોસ્પિટલોમાં બેડ તથા સ્ટાફ હોવા છતાં દર્દીઓએ સારવારથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 26 એપ્રિલે વધારાની ફાળવણીની માગ કરાઇ હતી ત્યારે ગુજરાતમાં કુલ 53193 ઓક્સિજન બેડ હતા. (5837 આઇસીયુ વીથ વેન્ટિલેટર, 6735 આઇસીયુ વિધાઉટ વેન્ટિલેટર, 41341 NRBM/Nasal Canula). જોકે, ગયા અઠવાડિયાથી કોવિડ કેસોમાં વધારાના ટ્રેન્ડના કારણે આજે કુલ ઓક્સિજન બેડ 6.4 ટકા વધીને 57368 થયા છે. (6429 આઇસીયુ વીથ વેન્ટિલેટર, 7154 આઇસીયુ વિધાઉટ વેન્ટિલેટર, 43785 NRBM/Nasal Canula).

ગ્રામીણ વિસ્તારોમાં કેસ પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે, જેથી મેડિકલ ઓક્સિજનની અમારી જરૂરિયાત અંદાજિત 1250 ટન (30 એપ્રિલ)થી વધીને આજે 1400 ટન થઇ છે અને 15 મે સુધીમાં 1600 ટન થઇ શકે છે. તમામ ASU/PSA પ્લાન્ટ્સ વગેરે દ્વારા વધારાનો ઓક્સિજન મોબિલાઇઝ કરવા છતાં રાજ્ય ઓક્સિજનની વધતી માગને પહોંચી વળતું નથી અને ઓક્સિજન લાઇન તથા મેડિકલ ટીમ સાથેના વધારાના 11500 બેડ માત્ર ઓક્સિજનના અભાવે ઓપરેશનલાઇઝ કરી શકતું નથી. તેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં સ્થિતિ કફોડી બની છે, કેમ કે હાલ ત્યાં કોવિડ કેસો વધી રહ્યા છે, જે છતાં ઓક્સિજન થેરાપી સાથે હોસ્પિટલાઇઝેશન ઉપલબ્ધ નથી. તેના પરિણામે હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીઓએ રાહ જોવી પડે છે.

આ સંજોગોમાં હું આપને વિનંતી કરું છું કે કેન્દ્રીય ફાળવણી હેઠળ ગુજરાતને આજે 1200 ટન અને 12 મેએ 1400 ટન મેડિકલ લીક્વીડ ઓક્સિજન ફાળવવામાં આવે. કૃપા કરી સ્થિતિની ગંભીરતા સમજી ફાળવણી વહેલામાં વહેલી તકે વધારશો.

આપનો વિશ્વાસુ, અનિલ મુકિમ