ભાસ્કર વિશેષ:RTOમાં ખાનગી કંપનીની કારનું લોન્ચિંગ કરાયું, નિયમ વિરુદ્ધ કારનું પ્રમોશન કરાતાં અધિકારીઓ સામે સવાલ ઊભા થયા

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખાનગી કંપનીની કારનું આરટીઓ સંકુલમાં લોન્ચિંગ થતાં હોબાળો થયો. - Divya Bhaskar
ખાનગી કંપનીની કારનું આરટીઓ સંકુલમાં લોન્ચિંગ થતાં હોબાળો થયો.

ગાંધીનગર આરટીઓ કચેરીમાં શુક્રવારે ખાનગી કંપનીની કાર લવાઈ હતી. શહેરના શૉ-રૂમના અધિકારીઓ આરટીઓ કચેરીમાં ગયા હતા અને કચેરીના અધિકારીની હાજરીમાં કારનંુ લોન્ચિંગ કરાયું હતું. આ બનાવને લઇને કર્મચારીઓમાં આશ્ચર્ય ફેલાયું હતંુ. ખાનગી કંપનીની કારને સરકારી કચેરીમાં લાવીને લોન્ચ કરવાને લઇને અધિકારીઓ ઉપર અણિયાળા સવાલો થઇ રહ્યા છે. આરટીઓ કચેરીમા એક ખાનગી કંપનીની કારનુ લોન્ચિંગ કરાયુ હતુ. સામાન્ય રીતે સરકાર અને કંપની વચ્ચે એમઓયુ થાય તો જ સરકારી સંપતિનો ખાનગી કંપનીના પ્રચાર પ્રસાર માટે ઉપયોગ કરાય છે.

પરંતુ ગાંધીનગર આરટીઓ કચેરીના અધિકારી દ્વારા કોઇ પણ પ્રકારના એમઓયુ વિના ખાનગી કંપનીને સપોર્ટ કરતા હોય તેવી કામગીરી કરવામા આવી હતી. શુક્રવારે બપોરે કાર શૉ-રૂમના અધિકારીઓ નવી કાર લઇને ગાંધીનગરની આરટીઓ કચેરીમાં પહોંચ્યા હતા.કાર 30 મિનિટ સુધી આરટીઓ કચેરીના પ્રવેશદ્વારના પગથિયામા મુકવામા આવી હતી. શો રૂમના કર્મચારી અને આરટીઓ અધિકારી વચ્ચે બેઠક યોજવામા આવી હતી. ત્યારબાદ આ કારને અધિકારીઓની હાજરીમા લાલ કવર હટાવી લોન્ચ કરવામા આવી હતી. આ બાબત સમગ્ર આરટીઓ કચેરીના કેમ્પસમા ચર્ચાસ્પદ બની હતી.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દર મહિનાના પહેલા શનિવારે ટ્રાન્સપોર્ટ કચેરી દ્વારા રંગમંચ નામનો કાર્યક્રમ કરવામા આવતો હોય છે. જેમા કોઇ પણ કંપની દ્વારા નવા મોડલ બહાર લાવવામા આવે ત્યારે તેના ચેકીંગ અને તેનો ટેક્ષ કેટલો થશે, સહિતની ચર્ચા કરવા વાહનો કચેરીમા લાવવામા આવતા હોય છે. પરંતુ ગઇકાલ શુક્રવારે સરકારી કચેરીમાં જ લોન્ચ કરવામા આવેલી કારને રંગમંચ કાર્યક્રમ અંતર્ગત લાવવામા આવી ન હતી. ત્યારે આ કારને શા માટે આરટીઓ કચેરીમા લવાઇ ? તેનુ લોન્ચિંગ કરાયુ ? શા માટે કંપનીને પ્રોત્સાહન આપવામા આવ્યુ સહિતના સવાલો કચેરીમાં ચર્ચાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...