વાયબ્રન્ટ સમિટ:ગાંધીનગરમાં યોજાનાર વાયબ્રન્ટ મહોત્સવના રૂટ બંદોબસ્તનું રિહર્સલ કરાયું, 8 અને 9મી જાન્યુઆરીએ સુરક્ષા બંદોબસ્તનું ગ્રાન્ડ રિહર્સલ કરાશે

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડોગ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ દ્વારા મહાત્મા મંદિર આસપાસના વિસ્તારો ચકાસવામાં આવ્યાં

ગાંધીનગરમાં મહાત્મા મંદિરે તા. 10 અને 12 મી જાન્યુઆરીએ યોજાનારા વાયબ્રન્ટ મહત્ત્વની તડામાર તૈયારીને આખરી ઓપ આપવા માટે સરકારના ઉચ્ચ અધિકારીઓ સહિત વહીવટી તંત્ર દિવસ રાત એક કરી રહ્યું છે. જે અન્વયે આજે પોલીસ કાફલા દ્વારા મહાત્મા મંદિર, રેલવે સ્ટેશન, સેન્ટ્રલ વિસ્ટા સહિતના આસપાસના સમગ્ર વિસ્તારથી માંડીને મહાનુભાવોની અવર-જવર માટેના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

આ ઉપરાંત ડોગ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ દ્વારા મહાત્મા મંદિર આસપાસના વિસ્તારો ચકાસવામાં આવ્યાં હતાં. ત્યારે આખરી તૈયારીના ભાગરૂપે તા. 8 અને 9 મી જાન્યુઆરીમાં પોલીસ બંદોબસ્તને અનુલક્ષીને ગ્રાન્ડ રિહર્સલ પણ કરવામાં આવશે.

ગાંધીનગરમાં એકતરફ કોરોના નું સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. બીજી તરફ મહાત્મા મંદિરે યોજાનાર વાયબ્રન્ટ મહોત્સવમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવોની સલામતીમાં કોઈ કચાશ રહી ન જાય તે માટે પોલીસ પણ એક્શન મોડ પર આવી ગઈ છે. જો કે મહાનુભાવોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પોલીસે અઠવાડિયા અગાઉથી જ મોરચો સંભાળી લીધો છે. અને આજે મંગળવારે પોલીસ દ્વારા રૂટ બંદોબસ્તને આખરી ઓપ અપાયો હતો.

કોન્સ્ટેબલથી માંડીને આઈજી કક્ષાના 2000 જેટલા પોલીસ કર્મીઓએ રૂટ પર આવતા પોઈન્ટ ચકાસ્યા હતા. આ રૂટ બંદોબસ્તમાં આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પોલીસ મથકોમાં ફરજ બજાવતા સ્ટાફને પણ તૈનાત કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, વાઈબ્રન્ટ સમિટ દરમિયાન થ્રી લેયર સુરક્ષા કવચ રાખવામાં આવશે. જેમાં મહાનુભાવોની નજીક કેન્દ્રીય એજન્સીની ટીમ તૈનાત રહેશે.

આ સિવાય આજે રૂટ બંદોબસ્તની તૈયારી માટે પોલીસની સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ પણ જોડાઈ હતી. મહાત્મા મંદિર અને આસપાસના વિસ્તારોમાં ડિટેક્ટરથી ચકાસણી હાથ ધરવાની સાથે સમગ્ર ટીમે આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. હાલ મહાત્મા મદિરમાં સેંકડો લોકોની અવર-જવર રહે છે ત્યારે કોઈ અનિચ્છનિય વ્યક્તિ ઘૂસી ન જાય તે માટે આઈકાર્ડ ચકાસીને જ પ્રવેશ અપાઈ રહ્યો છે. તદુપરાંત ગાંધીનગરમાં દર બે વર્ષે યોજાતો વાઈબ્રન્ટ મહોત્સવ પોલીસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થામાં રાજ્યની પોલીસનું મોટું યોગદાન હોય છે. તેથી પોલીસ દ્વારા તબક્કાવાર આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ચોથી જાન્યુઆરીએ રૂટ બંદોબસ્તમાં બહારના જિલ્લાની પોલીસને સામેલ કરાઈ હતી. આવતીકાલથી ગાંધીનગર જિલ્લા પોલીસ ચાર દિવસ સમગ્ રૂટ સહિત મહાત્મા મંદિરનું નિરીક્ષણ ઉપરાંત મહત્વની ભૂમિકા અદા કરવા કવાયત હાથ ધરશે. આ રિહર્સલ બાદ 8 અને 9 જાન્યુઆરીના રોજ પોલીસ દ્વારા ગ્રાન્ડ રિહર્સલ રાખવામાં આવશે. ગ્રાન્ડ રિહર્સલમાં સમગ્ર રાજ્યમાંથી 7000 જેટલા પોલીસ કર્મચારી-અધિકારીઓ હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...