રોષની લાગણી:રાસાયણિક ખાતરોના ભાવમાં વધારો અનેક કિસાનો માટેે આર્થિક માર સમાન

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિ સિઝનની વાવણી પહેલાં જ ભાવવધારાથી રોષની લાગણી
  • ગત વર્ષના પાક વીમાના બાકીની રકમો તથા 4 ટકા વ્યાજ સહાયના નાણાં ચૂકવવા સહિતની માંગ: ‘જાયે તો જાયે કહાં’ જેવી હાલત

રવી સીઝનના પાકની વાવણી શરૂ થાય તે પહેલાં જ રાસાયણિક ખાતરોમાં પ્રતિ 50 કિલોએ રૂપિયા 65થી વધુનો ભાવ વધારો ઝીંકી દેતા ખેડુતોને આર્થિક માર સહન કરવાની ફરજ પડી છે. રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષના પાક વીમાના બાકીના રકમો તથા 4 ટકા વ્યાજ સહાયના નાણાં ચુકવવાની માંગણી ભારતીય કિસાન સંઘે કરી છે. ચાલુ વર્ષે વરસાદની ઉણપને પગલે ખરીફ પાકમાં ખેડૂતોના ધારણા કરતા ઓછું ઉત્પાદન થવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત ટેકાના ભાવ પણ યોગ્ય નહી મળવાથી ખેડુતોને આર્થિક માર સહન કરવો પડશે.

ત્યારે રવી સીઝનની વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ રાસાયણિક ખાતરોના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. રાસાયણિક ખાતરની પ્રતિ 50 કિલોએ રૂપિયા 65નો ભાવ વધારાથી ખેડુતોની હાલત પડ્યા ઉપર પાટુ પડ્યા જેવી બની રહી છે. જોકે ચાલુ વર્ષે ચોમાસામાં રાજ્યમાં ક્યાં અતિવૃષ્ટિ તો ક્યાં વરસાદની અછતની સ્થિતિથી ખેડુતોને માર સહન કરવાની ફરજ પડી છે. ઉપરાંત ગત વર્ષના પાક વિમાની બાકી રકમો તથા 4 ટકા વ્યાજ સહાયનાં લાખો કિસાનોનાં નાણાં ચુકવણી બાકી રહી હોવાનો આક્ષેપ કિસાન સંઘે કર્યો છે.

વધુમાં રવી સીઝનના પ્રારંભમાં જ રાસાયણિક ખાતરોમાં એનપીકે 12.32.16માં રૂપિયા 265, મહાધનમાં 10-26-26માં 455 રૂપિયા, મહાધન 12-32-16માં રૂપિયા 500, સલ્ફેટમાં રૂપિયા 119 તથા પોટાશમાં રૂપિયા 65નો ભાવ વધારો પ્રતિ કિલો 50ની બેગ ઉપર કરાયો છે.રવી સીઝનની વાવણી બાદ ખાતરો નાંખવા કિસાનોને ખિસ્સાનો ભાર હળવો કરવો પડશે તેમ ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રીએ જણાવ્યું છે ત્યારે આ બાબતે હવે સરકાર કેવા પગલાં ભરે છે તે જોવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...