ગુજરાત સરકારે બુધવારે મળેલી કેબિનેટમાં લીધેલાં નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ભાંગરો વાટી નાખ્યો હતો. સરકારના નિર્ણયને સમજ્યા વિના તેમણે જાહેર કરી નાંખ્યું કે આખાં ગુજરાતની તમામ જમીનોનો ફરી સરવે કરાશે અને અગાઉ થયેલાં તમામ સરવે રદ ગણાશે. આ મામલો પ્રકાશમાં આવતાં મુખ્યમંત્રી કાર્યાલયને સ્પષ્ટતા કરવા આગળ આવવું પડ્યું હતું, જેનાથી સરકાર માટે નીચાજોણું થયું હતું.ખરેખર કેબિનેટ બેઠકમાં સરકારે નક્કી કર્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં થયેલાં જમીન સરવેમાં જ્યાં ક્ષતિ જણાઇ હોય કે કબજેદારોને ફરિયાદ હોય, તેટલી જમીનોનો ફરી સરવે કરાવવો.
આ માટે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાથી પ્રક્રિયાનો પ્રારંભ કરાવવો, પણ ઋષિકેશ પટેલે આખી વાતનું અર્થઘટન ખોટું કરી જાહેરાત કરી દેતાં સરકાર મૂંઝવણમાં મુકાઇ હતી. મુખ્યમંત્રી કાર્યાલયે પટેલને આ અંગે સ્પષ્ટતા કરતું નિવેદન કરવાની સૂચના આપવી પડી હતી.રાજ્ય સરકારને તમામ 33 જિલ્લાઓમાંથી 1,06,332 વાંધા અરજી મળી હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્ય સરકારે પ્રોમલ્ગેશન પ્રક્રિયા આખરી કરતા પહેલા ખાતેદારો પાસેથી ના-વાંધા માટેની પ્રક્રિયા કરી હતી. તે દરમિયાન અલગ-અલગ જિલ્લામાંથી સરકારને મળેલી અરજીઓ બાદ આ નિર્ણય લેવાયો છે. હવે સરકાર આ સરવે દરમિયાન મહેસૂલ વિભાગના અધિકારીઓને પણ જોડશે અને ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરશે.
ક્ષતિયુક્ત સરવે ધરાવતા જિલ્લા | |
જિલ્લો | ફરિયાદ |
કચ્છ | 33062 |
મહેસાણા | 13311 |
અરવલ્લી | 7387 |
વડોદરા | 5983 |
અમદાવાદ | 5123 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.