• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Rickshaw Driver Gets 25 Stitches In Head In Truck Collision On Mota Chiloda Road In Gandhinagar, Dies While Undergoing Treatment At Ahmedabad Civil

ટ્રકે જીવ લીધો:ગાંધીનગરના મોટા ચીલોડા રોડ પર ટ્રકની ટક્કરથી રિક્ષા ચાલકને માથામાં 25 ટાંકા આવ્યાં, અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ટ્રક સાથેના માર્ગ અકસ્માતમાં અપમૃત્યુનું પ્રમાણ ઉત્તરોત્તર વધ્યું

યમદૂત બનીને ગાંધીનગર જિલ્લા દોડતી વધુ એક ટ્રકની ટક્કરથી રિક્ષા ચાલકને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. મોટા ચીલોડા રોડ પર ટ્રક અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલકને માથામાં 25 ટાંકા લઈ અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું છે. તો આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલ દંપતીને પણ શરીરે વધતી ઓછી ઈજાઓ થઈ હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રક સાથેના માર્ગ અકસ્માતમાં અપમૃત્યુનું પ્રમાણ ઉત્તરોત્તર વધ્યું
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ટ્રક સાથેના માર્ગ અકસ્માતમાં અપમૃત્યુનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં બેફામ દોડતી ટ્રકો યમદૂત બનીને એક પછી એક નાગરિકોના જીવ લઈ રહી છે. હજી બુધવારે પાનસર રોડ પર સાયકલ સવાર માસુમનો બેફામ ટ્રક ચાલકે ભોગ લીધો હતો. એ પહેલાં પણ ટ્રક નીચે એક વર્ષનો બાળક ચગદાઈ ગયો હતો. ત્યારે ગુરુવારે પણ પ્રાંતીયા રોડ પર ટ્રક પાછળ આઈસર ઘૂસી જતાં આઈસરનાં ચાલકનો બે કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

મોટા ચીલોડાથી દહેગામ જતાં રોડ પર અકસ્માત થયો
એવામાં મોટા ચીલોડાથી દહેગામ જતાં રોડ પર ટ્રક અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલકને જીવ ગુમાવવો પડ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ગત તા. છઠ્ઠી જૂલાઈના રોજ સાંજના સમયે ડભોડા ગામમાં રહેતાં રિક્ષા ચાલક ધનાજી કાળાજી સોલંકી મુસાફર દંપતીને રિક્ષામાં લઈને મોટા ચીલોડાથી દહેગામ તરફ જઈ રહ્યા હતા.

ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારીને સામેથી રિક્ષાને ધડાકાભેર ટક્કર મારી
એ દરમ્યાન ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારીને સામેથી રિક્ષાને ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માત થતાં રિક્ષા ચાલક ધનાજી તેમજ મુસાફર દંપતીને ઈજાગ્રસ્ત હાલતમાં ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જો કે દંપતીને સામાન્ય ઈજાઓ થઈ હતી. પરંતુ ધનાજીને પગના ભાગે ફ્રેક્ચર તેમજ માથામાં પણ ગંભીર ઈજાઓ થવાથી 25 જેટલા ટાંકા લઈ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓનું ગઈકાલે સારવાર દરમ્યાન મોત થતાં ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...