રાજ્યમા ગૃહમંત્રીના આદેશ છૂટ્યા પછી વ્યાજખોર સામે કડક કાર્યવાહી શરૂ કરી દેવામા આવી છે. પહેલા પોલીસ માત્ર અરજી લઇને કાર્યવાહી કરતી હતી. પરંતુ હવે ગુના નોંધવામા આવી રહ્યા છે. ત્યારે સેક્ટર 24મા રહેતા વન વિભાગના બીટ ગાર્ડને પણ વ્યાજખોરો દ્વારા છોડવામા આવ્યો નથી. મુન્દ્રા લોન મંજૂર કરાવવા 50 હજાર લીધા બાદ રુપિયાની જરૂરિયાત ઉભી થતા 8 ટકા વ્યાજે નાણાં લીધા હતા. છતા વધારે રકમના ચેક નાખવાની ધમકી આપનાર 3 વ્યાજખોર સામે સેક્ટર 21 પોલીસ મથકમાં ગુનો નોંધાવવામા આવ્યો છે.
મળતી માહિતી મુજબ વિજય નારણભાઇ રાવળ (રહે, સેક્ટર 24) હાલમા સાબરકાંઠા પોશીના ફોરેસ્ટ વિભાગમા બીટ ગાર્ડ તરીકે નોકરી કરે છે. ત્યારે સેક્ટર 24મા તેની પત્નિ અને નાના ભાઇએ સ્પાર્ટ્સના સામાનનો ધંધો શરુ કર્યો હતો. જેમા નાણાંની જરૂરિયાત ઉભી થતા તેના પરિચિત વિનયભાઇ સોની (રહે, અમદાવાદ) સાથે વાત કરતા મુંદ્રા લોન અપાવવાનું કહ્યું હતું. જેથી માણસા બીઓઆઇમાથી 4.70 લાખ રૂપિયાની લોન અપાવી હતી, કામગીરી કરવાના અને બેંકમા વ્યવહાર કરવાના 50 હજાર રુપિયા લીધા હતા.
જ્યારે વધારે નાણાંની જરૂરિયાત ઉભી થતા વિનયભાઇ પાસેથી બે લાખ રૂપિયા માગ્યા હતા, જેમા તેમણે 1 લાખ રુપિયા 3 ટકાના વ્યાજે 8 મહિનામા પરત કરવાની વાત સાથે આપ્યા હતા અને તે સમયે પણ સિક્યુરિટી પેટે બે કોરા ચેક લીધા હતા. જ્યારે દર મહિને 3 હજાર રુપિયાનો હપ્તો નક્કી કરાયો હતો. પરંતુ બીજા જ મહિને એક લાખ પરત માગ્યા હતા અને કહ્યુ હતુ કે, મારી પાસે અન્ય વ્યક્તિ 10 ટકા સાથે રૂપિયા માગે છે. તે સમયે નાણાં પરત આપવાની વ્યવસ્થા નહિ થતા 8 ટકા વ્યાજ કરાયું હતંુ.
નક્કી થયા પછી વ્યાજખોર દુકાને આવીને વ્યાજ લઇ જતો હતો અને ટુકડે ટુકટે 1.25 લાખ ચૂકવ્યા છતા ઉઘરાણી કરાતી હતી. જ્યારે વ્યાજ ચૂકતે કરવા અન્ય પરિચિત હિરેન પટેલ અને કેતુલ પટેલ (બંને રહે, મહાદેવપુરા, વિજાપુર) પાસેથી 5 ટકાના વ્યાજે 20 હજાર રૂપિયા લીધા હતા. જે સેક્ટર 24મા દુકાને આવીને વ્યાજ લઇ જતો હતો. પરંતુ વ્યાજ નહિ ચૂકવી શકતા એક્ટીવા નંબર જીજે 18 ડીઇ 1403 લઇ ગયા હતા. જ્યારે રુપિયા નહિ આપે તો એક્ટીવા વેચી મારવામા આવશે તેવી ધમકી આપવામા આવે છે.
વ્યાજખોરોને માગ્યા મુજબ રૂપિયા આપવા છતા કોરા ચેકમા 5 લાખ રૂપિયાની રકમ લખવામા આવી હતી અને બેંકમા જમા કરાવ્યો હતો. પરિણામે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી 3 વ્યાજખોર સામે સેક્ટર 21 પોલીસ મથકમા ગુનો નોંધાવતા તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.