કલમ યાદ રાખવાનો શોર્ટકટ:દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરનાર દુઃશાસન પર કઈ કલમ લાગે? ગાંધીનગરના નિવૃત્ત PI મહાભારત, રામાયણના પ્રસંગોથી IPCની કલમો ભણાવે છે

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: દીપક શ્રીમાળી
  • ધાર્મિક સિરિયલોનાં ઉદાહરણોથી વિદ્યાર્થીઓને જલ્દીથી IPCની કલમ યાદ રહી જાય છે
  • ભગવાન કૃષ્ણની બાળલીલાના ઉદાહરણો દ્વારા ઉમેદવારો કલમો યાદ રાખે છે

રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી લોકરક્ષક દળની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કાયદાની IPCની વિવિધ કલમો કંઠસ્થ થઈ જાય તે માટે ગાંધીનગરના કોલવડા ગામના નિવૃત પીઆઈ એમ.એચ વાઘેલા દ્વારા વિદ્યાર્થીઓને મહાભારત, રામાયણ, ભક્ત પ્રહલાદ જેવી ધાર્મિક સિરિયલોનાં કથાઓના પ્રસંગો ટાંકીને અનોખું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. જેમ કે મહાભારતમાં દ્રૌપદીનાં વસ્ત્રોનું ચીરહરણ કરવામાં આવ્યું હતું. જેને કાયદાની ભાષામાં IPCની કલમ 354 લાગુ થાય. એજ રીતે નવજાત કર્ણને છાબડીમાં રાખી તરછોડી દેવામાં આવ્યો તો આવી ઘટનામાં IPCની કલમ 317 લાગુ કરવામાં આવે છે. નવાઈની વાત એ છે કે વિદ્યાર્થીઓને આવા ઉદાહરણો દ્વારા IPCની કલમો જલ્દીથી યાદ પણ રહી જાય છે.

જો આરોપી સામે ખોટી કલમ દાખલ થાય તો કોર્ટમાં તેને ફાયદો થઈ શકે
લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં કાયદાકીય એટલે કે IPCની કલમોનું જ્ઞાન ખૂબ જ જરૂરી રહેતું હોય છે. ભરતી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી ફિલ્ડમાં ફરજ બજાવતી વખતે કયા પ્રકારના ગુનામાં કઈ કલમ લાગુ પડે તે અતિ આવશ્યક હોતું હોય છે. કેમકે ઘણીવાર બનાવને અનુરૂપ કલમ હેઠળ ફરિયાદ દાખલ ન થાય તો કોર્ટમાં આરોપીને સીધો જ ફાયદો થવાની સંભાવનાઓ રહેલી છે.

નિઃશુલ્ક ક્લાસમાં ઉમેદવારોને લેખિત પરીક્ષાની તૈયારી કરાવાય છે
નિઃશુલ્ક ક્લાસમાં ઉમેદવારોને લેખિત પરીક્ષાની તૈયારી કરાવાય છે

ધાર્મિક પ્રસંગોના ઉદાહરણથી કલમો યાદ રહે છે
આ IPCની કલમો યાદ રાખવી ઘણું માથાકૂટિયું કામ છે. પરંતુ ગાંધીનગરના કોલવડા ગામમાં ભરતી પ્રક્રિયાના નિઃશુલ્ક વર્ગો ચલાવતાં નિવૃત PI એમ.એચ વાઘેલા એક અનોખી ટેકનિકથી વિદ્યાર્થીઓને IPCની કલમો જલ્દીથી યાદ રહી જાય એ મુજબ જ્ઞાન આપી રહ્યા છે. નિવૃત PI વાઘેલાનું માનવું છે કે, ચોપડીનાં થોથાં વાંચી-વાંચીને જલ્દી યાદ રહેતું નથી. પણ દ્રશ્ય જોયેલું હોય અને તેના આધારે ઉદાહરણ આપીને ભણાવવામાં આવે તો વિદ્યાર્થીને જલ્દીથી એ પ્રસંગ યાદ આવી જાય છે. અને તેને તુરંત બનાવને અનુરૂપ કઈ IPCની કલમ લાગુ પડે તે જલ્દીથી કંઠસ્થ થઈ જાય છે. મહાભારત, રામાયણ, ભક્ત પ્રહલાદ જેવી ધાર્મિક કથાઓમાં દર્શાવેલા પ્રસંગોમાં જ IPCની કલમો છુપાયેલી છે.

બે કે તેથી વધુ વ્યક્તિઓ ગેરકાયદેસર કૃત્ય કરે : કલમ 120 બી
મહાભારત સિરિયલમાં પાંડવોને જીવતા સળગાવી મોત નિપજાવવા મામા શકુનિ તથા દુર્યોધન લાક્ષાગૃહ તૈયાર કરે છે. જે ગુનાહિત કાવતરું ઘડ્યું કહેવાય.

12 વર્ષથી નાની ઉંમરના બાળકને ત્યજી દેવું- કલમ 317
મહાભારતમાં કુંતી માતા કર્ણને નદીમાં વહાવી દે છે. જે બનાવ સૌ કોઇને ખબર જ છે. આમ બાળકને માતા પિતા અરક્ષીત ત્યજી દેતા હોય ત્યારે ઉક્ત IPCની કલમ હેઠળ ગુનો દાખલ થાય છે.

ખૂન, મૃત્યુ નિપજાવવું- કલમ 302
કંસ દેવકીના સંતાનને દિવાલ સાથે પછાડી મોત નિપજાવી દે છે. જ્યારે ભીમ ગદાથી દુર્યોધનને મારી મૃત્યુ નિપજાવે છે. જે ખૂનનો ગુનો બન્યો કહેવાય.

નિવૃત્ત PI મહેન્દ્રસિંહ વાઘેલાની તસવીર
નિવૃત્ત PI મહેન્દ્રસિંહ વાઘેલાની તસવીર

ગુનાહિત મનુષ્યવધ (સાપરાધ મનુષ્યવધ)- કલમ 304
રામાયણમાં રાજા દશરથનાં બાણથી શ્રવણનું મોત થયું હતું. શ્રવણનું મોત નીપજાવવાનો રાજા દશરથનો ઈરાદો ન હતો. પરંતુ બાણ વાગવાથી કોઈકનું મોત થવાની સંભવ જાણ હતી. છતાં પણ સાવચેતી રાખ્યા વિના બાણ છોડવામાં આવેલું જેનાં કારણે શ્રવણનું મોત થયું હતું. જે ગુનાહિત મનુષ્યવધ ગણાય.

ખૂન કરવાની કોશિશ- કલમ 307
ભક્ત પ્રહલાદને મારવા માટે હોલિકા પ્રહલાદને ખોળામાં બેસાડી અગ્નિ પ્રગટાવે છે. પણ આ આગમાં હોલિકા બળીને મૃત્યુ પામે છે. અને ભક્ત પ્રહલાદ બચી જાય છે. પાંડવો લાક્ષાગૃહમાં સૂતા હોય છે. ત્યારે તેમને મારી નાખવાના ઈરાદાથી આગ ચાંપી દેવામાં આવે છે. પણ પાંડવો બચી જાય છે. કંસની બહેન કૃષ્ણ ભગવાનને મારી નાખવા માટે સ્તન પર ઝેર લગાવી સ્તનપાન કરાવે છે. આ બધા કિસ્સામાં ખૂનની કોશિશનો ગુનો લાગુ પડે.

મહાવ્યથા- કલમ 326
રામાયણમાં રાવણની બેન સુર્પણખાનું લક્ષ્મણ નાક કાપી નાખે છે જે મહાવ્યથાનો ગુનો બન્યો ગણાય

ગેરકાયદેસર અટકાયત- કલમ 342
રામાયણમાં સીતા માતા અશોક વાટિકાની બહાર ન જાય તે માટે લંકામાં રાવણ દ્વારા કડક પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. જે ગેરકાયદેસર અટકાયતનું કૃત્ય ગણાય છે.

સ્ત્રીને નિર્વસ્ત્ર કરવાના ઈરાદાથી ગુનાહિત બળ પ્રયોગ - કલમ 354(ખ) બી
દ્રોપદીનું જાહેરમાં દુશાસન નિવસ્ત્ર કરવાના ઇરાદાથી ચીરહરણ એટલે કે સાડી ખેંચે છે. જેને છેડતીનો ગુનો ગણાય. એજ રીતે કોઈ સ્ત્રીને બદ ઈરાદાથી નિર્વસ્ત્ર કરવાં માટે જબરજસ્તીથી વસ્ત્રો ખેંચવામાં આવે ત્યારે ઉક્ત કલમ લાગુ પડે.

અપહરણ- કલમ 363
સીતામાતાની મરજી વિરુદ્ધ રાવણ બદ ઈરાદાથી બળપૂર્વક તેમને ઉપાડીને લંકામાં બાંધી રાખે છે. તેમજ દ્રોપદીની મરજી વિરુદ્ધ જ્યદ્રથ બદ ઈરાદો રાખીને ઉપાડી જાય છે. આવા પ્રકારની ઘટનાઓ બને એને અપહરણ ગણાય.