• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Retired Officers In Smart City Project Including Gandhinagar Corporation Still Dominate, Development Work Still In The Hands Of The Same Officers

નિવૃત અધિકારીઓનો દબદબો:ગાંધીનગર કોર્પોરેશન સહિત સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં નિવૃત અધિકારીઓનો દબદબો યથાવત, હજુ એજ અધિકારીઓના હાથમાં વિકાસની કામગીરી

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે બોર્ડ - નિયમો અને કોર્પોરેશનમાં નિવૃત અધિકારીઓની નિમણુંક રદ કરવાનો આદેશ કર્યો છે

રાજય સરકારે થોડા વખત અગાઉ જ બોર્ડ નિગમો અને કોર્પોરેશન તંત્રમાં ફરજ બજાવતા નિવૃત સરકારી કર્મચારીઓને છૂટા કરવાના આદેશો અપાયા છે. એવામાં રાજયના પાટનગર ગાંધીનગર કોર્પોરેશનમાં સહિત સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં નિવૃત સરકારી અધિકારીઓનો દબદબો યથાવત છે. ત્યારે હવે જોયું રહ્યું કે રાજય સરકારના આદેશોનું પાલન ગાંધીનગર કોર્પોરેશનમાં કેટલું થાય છે.

રાજયના સરકારના આદેશો જાહેર થતાં જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સળવળાટ શરૂ થઈ ચૂક્યો છે. કેમ કે આશરે રૂ.300 કરોડથી વધુનું બજેટ ધરાવતા ગાંધીનગર મ્યુનિસિપલ તંત્ર અને રૂ.2000 કરોડના આયોજન ધરાવતી સ્માર્ટ સિટી કંપનીમાં ચાવીરૂપ જગ્યાઓ પર નિવૃત્ત અધિકારીઓનો દબદબો છે. કોર્પોરેશન દ્વારા હાથ ધરાતી ભરતી પ્રક્રિયામાં પણ નિવૃત્ત અધિકારીઓની જગ્યાઓનો પણ સમાવેશ કરાયો નથી, જેના પગલે મનપાનું સ્માર્ટ તંત્ર ક્યાં સુધી નિવૃત્તોના ઈશારે ચાલશે તેવો સવાલ ઊભો થયો છે.

ગાંધીનગર મનપાની રચના 11 વર્ષ અગાઉ થઈ હતી. યુવાન કોર્પોરેશન ગણવામાં આવે છે. ત્યારે ગાંધીનગરની કોર્પોરેશન સંપૂર્ણપણે નિવૃત્ત અને ઉંમરલાયક અધિકારીઓ પર નિર્ભર છે. ખાસ કરીને એન્જિનિયરિંગ શાખામાં તો તમામ મહત્ત્વની જગ્યાઓ પર નિવૃત્ત અધિકારીઓ છે. જૂન-2020માં ગાંધીનગર મનપાની હદ વધી હતી અને ગાંધીનગર મનપા વિસ્તાર 177 ચોરસ કિમીથી વધીને 326 ચોરસ કિમી થયો હતો.

આ તમામ વિસ્તારોમાં રોડ, અંડરપાસ, બગીચા, સ્માર્ટ પાર્કિંગ, રંગમંચ સહિતની તમામ કામગીરીની સાથે ખુલ્લી જગ્યાના રીડેવલપમેન્ટની જવાબદારી નિવૃત્ત અધિકારીઓ પાસે છે. એન્જિનિયરિંગ શાખા દ્વારા મનપા તથા સ્માર્ટ સિટીના બજેટમાંથી હાથ ધરાતી વિકાસ કામગીરીઓનું સંચાલન થાય છે. આ શાખાના વડા તરીકે સિટી એન્જિનિયર તથા ત્રણ ડેપ્યુટી એન્જિનિયર કોન્ટ્રાક્ટ તથા આઉટસોર્સિંગમાં ફરજ બજાવે છે. હાલની સ્થિતિ જોઇએ તો માર્ગ-મકાન વિભાગમાંથી નિવૃત્ત થયેલા અધિકારીઓ જ આગામી 50 વર્ષના ગાંધીનગરની કલ્પનાને સાકાર કરી રહ્યા છે. આટલું ઓછું હતું તેમ, એડિશનલ સિટી એન્જિનિયરની ખાલી જગ્યા પર પણ નિવૃત્ત અધિકારીની ભરતી કરવામાં આવી છે. નિવૃત્ત અધિકારી સિટી એન્જિનિયર તરીકે સ્માર્ટ સિટી અને મનપા તંત્ર બંને સ્થળે ફરજ બજાવે છે.

સ્માર્ટ સિટીમાં ગાંધીનગર મનપા વિસ્તારનો સમાવેશ થતાં રૂ.2000 કરોડનું ફંડ મંજૂર કરવામાં આવ્યું છે. વાઈફાઈ ઝોન, ઈન્ટેલિજન્ટ ટ્રાફિક ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ, સ્માર્ટ વોટર, વેસ્ટ મેનેજમેન્ટ, રીઅલ ટાઈમ એન્વાર્યમેન્ટ મોનિટરિંગ જેવા સંખ્યાંબંધ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્માર્ટ સિટીના નેજા હેઠળ હાથ ધરવાનું આયોજન છે. ગ્રીન સિટીને સ્માર્ટ શહેરની ઓળખ આપતા આ તમામ પ્રોજેક્ટ એક યા બીજા કારણોસર ખોરંભે ચડેલા છે.

નિવૃત અધિકારીઓનાં હાથમાં ગાંધીનગરનાં વિકાસની કામગીરી કરાતી હોવાથી શહેરમાં રસ્તા પહોળા કરતાં પહેલા ડિવાઈડર ખોદી કાઢવાની, બગીચાઓના નવીનીકરણમાં રૂ.10 કરોડના ટેન્ડર સામે રૂ.14 કરોડનો ખર્ચ કરવા અને ઘ-4 અંડરપાસ જેવી અનેક કામગીરીઓ સામે નાગરિકોમાં રોષ ઊભો થયો છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાગરિકો માટે હાલાકી સર્જતી કામગીરીથી મનપાના ઉચ્ચ અધિકારીઓ અને સરકારમાં પણ નારાજગી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગર મનપા અને સ્માર્ટ સિટી કંપનીમાં આઉસોર્સિંગ પર ફરજ બજાવતા કર્મચારીઓના પગારધોરણમાં મોટો તફાવત છે. કોર્પોરેશનમાં વર્ગ-3ને માંડ રૂ.10 હજાર પગાર મળે છે, જ્યારે સ્માર્ટ સિટીમાં રૂ.35 હજારથી વધુનો પગાર અપાય છે. સ્માર્ટ સિટીની મલાઈદાર જગ્યાઓ પર રાજકીય વગ ધરાવતા અગ્રણીઓના ઈશારે નિમણૂકો કરીને નિવૃત્ત અધિકારીઓ વધુ મજબૂત થઈ ગયા છે.

વધુમાં સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગર કોર્પોરેશનની એન્જિનિયરિંગ શાખામાં ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આસીસ્ટન્ટ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર જેવી 13 જગ્યાઓ માટે ઓક્ટોબર મહિનામાં ભરતી પરીક્ષા લેવાઈ હતી. જીપીએસસી દ્વારા લેવાયેલી આ પરીક્ષામાં સિટી એન્જિનિયર જેવી મહત્ત્વની જગ્યાનો સમાવેશ કરાયો ન હતો. અગાઉ બે વખત કમિશનર દ્વારા ડેપ્યુટેશન પર સિટી એન્જિનિયરની જગ્યા ભરવા પ્રયાસ થયા હતા, પરંતુ રાજકીય દબાણના કારણે આ જગ્યા ભરાઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...