રાજીનામું:ચૂંટણીના ભણકારા વચ્ચે ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 વર્ષમાં જ પ્રમુખે રાજીનામું આપી દેતાં રાજકીય ખળભળાટ

ગાંધીનગર તાલુકા પંચાયતની મુદત પૂર્ણ થવાને માત્ર છ માસ જેટલો સમય બાકી છે. ત્યારે સામાજીક અને સ્વૈચ્છિક કારણસર ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ ગોપાળજી ઠાકોરે રાજીનામું આપતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. વિધાનસભાની ચુંટણીઓની તૈયારીઓ વચ્ચે ગાંધીનગર તાલુકા પંચાયતમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. જોકે ગત તારીખ 20મી, સપ્ટેમ્બર-2020ના રોજ ગોપાળજી ઠાકોરને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બેસાડાયા હતા.

સવા વર્ષનું કમિટમેન્ટ 2 વર્ષે બહાર આવ્યું
તે વખતે પ્રમુખ પદ માટે બે સદસ્યો દાવેદાર હોવાથી સવા-સવા વર્ષ માટે પ્રમુખ બનાવવાનું વચન તત્કાલિક જિલ્લા કોગ્રેસ પ્રમુખે આપ્યું હતું. જોકે સવા વર્ષ થતાં જ ગોપાળજી ઠાકોરને રાજીનામું આપવા તત્કાલિન જિલ્લા ક્રોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું. પરંતુ ગોપાળજી ઠાકોરે ના પાડી હતી. જ્યારે હવે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અરવિંદસિંહ સોલંકીને બનાવ્યા છે. ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખનો મુદ્દો પુન: સળવળ્યો હતો. જેનો હાલમાં અંત આવ્યો હોય તેમ રાજીનામા આપવા પરથી લાગે છે.

રાજીનામું ડીડીઓને મોકલી આપ્યું
ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખે રાજીનામું આપ્યા અંગે પુછતા તાલુકા વિકાસ અધિકારી વિનોદ જોષીએ જણાવ્યું છે કે પંચાયત ધારા મુજબ તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામાને મંજુર કરવાની સત્તા જિલ્લા પંચાયતની સામાન્ય સભાને છે. આથી રાજીનામું જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપ્યું છે.પુન: ગાંધીનગર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા બોલાવવી પડશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

ચૂંટણી પહેલાં કામગીરી કરવી પડશે
ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું મંજુર કરવાની કામગીરી તેમજ નવા પ્રમુખની વરણીની કામગીરી પણ વિધાનસભાની ચુંટણીની આદર્શ આચારસંહિતા પહેલાં કરવી પડશે. વિધાનસભાની ચુંટણીની જાહેરાત લાભપાંચમ પછી થાય તેવી શક્યતા રહેલી છે. કોંગ્રેસમાં પ્રદેશ અધ્યક્ષ કે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ ઠાકોર સમાજના છે. તેમ છતાં ગાંધીનગર તાલુકા પંચાયતના ઠાકોર સમાજના પ્રમુખને રાજીનામું કેમ આપવું પડ્યું તે પણ ચર્ચાનો વિષય ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...