તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાત મહેનત જીંદાબાદ:ગાંધીનગરમાં ચાલતા કચરાના કકળાટ વચ્ચે ગોકુળીયા ગામ રાયસણમાં શ્રી રંગ એન્ટાયર બંગલોના રહીશોએ સ્વખર્ચે ડોલો વસાવી

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વસાહતીઓએ સ્વ ખર્ચે સૂકો ભીનો કચરો વર્ગીકૃત કરવા માટેની ડોલો વસાવી લીધી

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં એક નિર્ણયથી શહેરમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી ખોરંભે ચઢતા લડતના મંડાણ થઈ ચૂક્યા છે. એવામાં રાયસણમાં આવેલી શ્રી રંગ એન્ટાયર બંગલોનાં વસાહતીઓએ સ્વ ખર્ચે સૂકો ભીનો કચરો વર્ગીકૃત કરવા માટેની ડોલો વસાવી લઈ કચરાના ઢગથી મુક્તિ મેળવવાની તૈયારી કરી લેવામાં આવી છે.

ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી કચરાનો કકળાટ ચરમ સીમાએ પહોંચી ગયો છે. સૂકો અને ભીનો કચરો વર્ગીકૃત કરીને જ આપવાની કોર્પોરેશન તંત્ર દ્વારા ફરજ પાડવામાં આવી રહી છે. જેની સામે નગરજનો દ્વારા ઘર દીઠ કચરાની અલગ અલગ ડોલો આપવાની માંગણી કરવામાં આવી છે. ત્યારે કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈપણ સંજોગોમાં કોર્પોરેશનનાં ખર્ચે ડોલો નહીં આપવાની જીદ પકડી વર્ગીકૃત કરેલો કચરો જ ઉઠાવવામાં આવી રહ્યો છે. જેનાં કારણે ન્યુ ગાંધીનગર વિસ્તાર સહિત એરિયામાં કચરાના ઢગ થવા લાગ્યા છે. જ્યારે કોર્પોરેશન તંત્ર પણ આ બાબતે નમતું જોખવા તૈયાર ન હોવાથી વસાહત મહાસંઘે કચરાપેટી મુદ્દે શરૃ કરેલી લડતને હવે સેકટરોના વિવિધ મંડળો અને વસાહતીઓના આગેવાનોનું સમર્થન મળી રહ્યું છે.

બીજી તરફ ગોકુળીયા ગામ તરીકે પ્રસિદ્ધ થયેલા ગાંધીનગરના રાયસણ ગામમાં આવેલી અનેક સોસાયટી તેમજ ગુડા આવાસ યોજનાનાં મકાનોમાંથી પણ કચરો લેવાની કામગીરી તંત્ર દ્વારા છેલ્લા કેટલાય દિવસથી બંધ કરી દેવામાં આવી છે. ત્યારે અત્રે આવેલી 350 જેટલી વસ્તી ધરાવતા શ્રી રંગ એન્ટાયર બંગલોની સોસાયટી માંથી પણ કોર્પોરેશન દ્વારા કચરો લેવાનું બંધ કરી દેવાયું છે.

કચરો લેવાનું બંધ કરી દેવાતા, સોસાયટીમાં રહેતા પૂર્વ કાઉન્સિલર પ્રવિણાંબેન કનુભાઈ દરજી સહિતના વસાહતીઓએ દરરોજ કચરાની માથાકૂટથી છુટકારો મેળવવા માટે સોસાયટીના ખર્ચે સૂકો ભીનો કચરો અલગ રાખવા માટેની એકસાથે 104 જેટલી ડોલો વસાવી લઈ ઘેર ઘેર વિતરણ કરવામાં આવ્યું છે.

આ અંગે સોસાયટીના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેટલાય દિવસથી કોર્પોરેશનની ગાડી કચરો લેવા આવતી નથી. હકીકતમાં વસાહતીઓ દ્વારા પહેલાથી જ સૂકો અને ભીનો કચરો અલગ તારવીને આપવામાં આવે છે. પરંતુ તેની ચકાસણી કર્યા વિના જ કચરો લેવાનું બંધ કરી દેવાયું હતું. જે અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કચરો લેવાનું શરૂ કરવામા આવ્યું ન હતું. જેનાં કારણે છ દિવસ સુધી કચરો ઘર આગળ પડી રહ્યો હતો.

આવા સંજોગોમાં રોગ ચાળો વકરે નહીં તે માટે સોસાયટીના ખર્ચે જ કચરાની ડોલો વસાવી તેનું ઘરે ઘરે વિતરણ કરી દેવામાં આવ્યું છે. તેમજ દરેક ડોલ પર સૂકો ભીનો કચરાના સ્ટીકર પણ લગાવી દઈ સોસાયટી ને પણ સ્વચ્છ રાખવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...