ફાયર વિભાગનું કડક વલણ:ગાંધીનગરમાં ફાયર એનઓસી વિનાની રેસિડેન્શિયલ બિલ્ડીંગોને સીલ કરાશે, કોર્ટના ઓર્ડર મુજબ ફાયર વિભાગની કડક કાર્યવાહી

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દસ દસ દિવસના અંતરાલમાં ત્રણ વાર નોટિસો આપવા છતાં ફાયર વિભાગની અવગણના
  • 17 જેટલી રહેણાંક બિલ્ડીંગોનાં પાણીના કનેક્શન કાપી નાખી સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે
  • ફાયર વિભાગ દ્વારા કોમર્શિયલ બિલ્ડીંગોને જ ટાર્ગેટ કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો

ગાંધીનગર શહેરી વિસ્તારમાં એમાંય ખાસ કરીને કુડાસણ-રાયસણ જેવા ન્યુ ગાંધીનગરમાં ત્રણ ત્રણ વખત નોટિસો આપવા છતાં ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉભી નહીં કરતાં એનઓસી વિનાની 17 રહેણાંક બિલ્ડીંગોનાં પાણીનાં કનેક્શન કાપી નાખી તેને સીલ કરવાં સુધીના પગલાં ભરવાની ફાયર વિભાગ દ્વારા હિલચાલ શરૂ કરી દેવામાં આવી છે.

રાજ્યમાં ઘટેલી આગની ઘટનાઓનાં પગલે કોર્ટ દ્વારા આક્રમક વલણ અપનાવી 15 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી અને ફાયરનાં સાધનો તેમજ એનઓસી વિનાની રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડીંગો સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપી દેવાયા છે. છતાં પણ ગાંધીનગરમાં હજી પણ 17 જેટલી રહેણાંક બિલ્ડીંગો પાસે ફાયર બ્રિગેડની વારંવારની નોટિસોની અવગણના કરવામાં આવતી હોવાથી આગામી દિવસોમાં આવી બિલ્ડીંગો સીલ કરવાની કવાયત હાથ ધરવામાં આવશે.

ગાંધીનગરમાં થોડા મહિના અગાઉ ફાયર વિભાગ દ્વારા કોમર્શિયલ બિલ્ડીંગોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરી ફાયર સેફ્ટી વિનાની બિલ્ડીંગોને નોટિસ આપ્યા પછી સીલ કરી દેવામાં આવી હતી. જેનાં પગલે વેપારીઓ દોડતા થઇ ગયા હતા અને ફાયર વિભાગ દ્વારા કોમર્શિયલ બિલ્ડીંગોને જ ટાર્ગેટ કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો પણ થયા હતા. ત્યારે વેપારીઓએ રહેણાંક વિસ્તારમાં ચાલતા દવાખાના અને હેરફેર કરીને રહેણાંક બિલ્ડીંગોનો ઉપયોગ કોમર્શિયલ કરવામાં આવતો હોવાની પણ ફરિયાદો ઉઠાવી હતી.

જો કે ફાયર વિભાગે તમામ આક્ષેપોની પરવા કર્યા વિના કડક ઝુંબેશ હાથ ધરતાં મોટાભાગની કોમર્શિયલ બિલ્ડીંગો દ્વારા ફાયર સેફ્ટીનાં સાધનો વસાવી લઈ એનઓસી લઈ લેવામાં આવી હતી. ત્યારે રહેણાંક બિલ્ડીંગો હજી પણ ફાયર બ્રિગેડની નોટિસોની અવગણના કરતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેનાં પગલે નોટિસનો નિયત સમયગાળો પૂર્ણ થઈ જતાં આગામી દિવસોમાં 17 જેટલી રહેણાંક બિલ્ડીંગોનાં પાણીના કનેક્શન કાપી નાખી સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે ગાંધીનગર રિઝનલ ફાયર ઓફિસર મહેશ મોડે જણાવ્યું હતું કે, 17 રહેણાંક બિલ્ડીંગો કે જે 15 મીટરથી વધુની ઊંચાઈ ધરાવે છે તેવી બિલ્ડીંગોને ત્રણ ત્રણ વખત નોટિસો આપી દેવાઈ છે. એક નોટિસની દસ દિવસની સમય મર્યાદા રહેતી હોય છે. આમ દસ દિવસના અંતરાલ પછી અત્યાર સુધીમાં ત્રણ વખત નોટિસો અપાઈ ચૂકી છે. જેમાં સૌથી વધુ ફાયર એનઓસી વિનાની કુડાસણ અને રાયસણની રહેણાંક બિલ્ડીંગો છે.

આગામી દિવસોમાં આવી બિલ્ડીંગો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. જે અન્વયે પોલીસની મદદ લઈને રહેણાંક બિલ્ડીંગના પાણીના કનેક્શન કાપી નાખી જરૂર જણાશે તો સીલિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગ સંપૂર્ણ તૈયારીઓ સાથે સજ્જ થઈ ગયું છે, બસ ફક્ત ઉચ્ચ કક્ષાએથી આદેશો મળે કે તુરંત કડક હાથે કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...