રોષ:ST નિગમે ગ્રેજ્યુઇટી ઓછી ચૂકવતાં કામદાર, રોજમદારોમાં રોષની લાગણી

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય કર્મીના બદલામાં ફરજ બજાવી હોવા છતાં લાભથી વંચિત

એસ ટી નિગમ દ્વારા ભરતી કરેલા કામદાર અને રોજમદારોને બેથી 11 વર્ષે કાયમી કરવામાં આવ્યા છે. આથી આવા કર્મચારીઓને ઇન્ક્રીમેન્ટનું નુકશાન થયું છે. ઉપરાંત ગ્રેજ્યુઇટી પણ ઓછી ચુકવવામાં આવી હોવાથી કર્મચારીઓને આર્થિક રીતે અન્યાય થઇ રહ્યો છે.

આથી એસ ટી નિગમના કામદાર અને રોજમદારોને ગ્રેજ્યુઇટી પુરી ચુકવવાની માંગણી સાથે ગુજરાત એસ ટી મઝદુર મહાસંઘે નિગમમાં રજુઆત કરી છે.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અગાઉ ફિક્સ પગારથી કામદાર કે રોજમદારોની સીધી ભરતી કરવામાં આવી હતી. ત્યારબાદ નિયત કરેલા 180 દિવસ સુધીની સળંગ નોકરી બદલ કાયમી કરવાના નિયમનું પાલન કરવામાં આવ્યું છે.

પરંતુ અમુક કર્મચારીઓને સમયસર કાયમી કરવામાં નહી આવતા અનેક કર્મચારીઓને આર્થિક રીતે અન્યાય થઇ રહ્યો છે. એસ ટી નિગમના ઘણાં વિભાગોમાં બે, પાંચ, નવ, દસ અને અગિયાર વર્ષે કામદાર કે રોજમદારને કાયમી કરવામાં આવ્યા છે. આથી આવા કર્મચારીઓને ઇન્ક્રીમેન્ટના લાભથી વંચિત રહેવા પામ્યા છે. ઉપરાંત ગણતરી મુજબની ગ્રેજ્યુઇટી ચુકવણીમાં ફરજના સમય ગણ્યા વિના જ ચુકવણી કરવામાં આવતી નક્કી કરેલી ગ્રેજ્યુઇટી કરતા ઓછી મળી હોવાનો કર્મચારીઓએ આક્ષેપ સાથે રજુઆત કરી છે.

નિગમ દ્વારા કાયમી કરેલા રોજમદાર કે કામદાર તરીકે બજાવેલી ફરજની નોંધ સર્વિસબુક કે સર્વિસ રોલમાં કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં તેની અમલવારી કરવામાં ગોકળગતિની નિતી અપનાવવામાં આવી રહી છે.

કર્મચારીઓની વિગતો સર્વિસબુક કે સર્વિસ રોલ તથા લીવ શીટમાં નહી કરવાથી આ સમયગાળાની ગ્રેજ્યુઇટી ચુકવણીના દાવા વખતે ગણતરીમાં લેવામાં નહી આવતા રોજમદાર કે કામદાર કર્મચારીઓને અન્યાય થાય છે. આથી ગ્રેજ્યુઇટીની રકમ ઓછી મળવાથી આવા કર્મચારીઓને આર્થિક માર સહન કરવાની ફરજ પડી હોવાનું કર્મચારીઓએ જણાવ્યું છે.

કર્મચારીઓને થયેલા અન્યાયને પગલે ગ્રેજ્યુઇટી કન્ટ્રોલીંગ ઓથોરીટી સમક્ષ રજુઆત કરવામાં આવશે તો વ્યાજ સાથે રકમનું ચૂકવણું કરવું પડશે તેમ હોવાથી યોગ્ય રીતે કર્મચારીઓના હિતમાં ગ્રેજ્યુઇટીની પુરતી ચૂકવણી કરવાની માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...