કાર્યવાહી:રેરાએ ઇન્ઝેન બિલ્ડકોનને 10 હજાર, મંઝીલ ઈન્ફ્રાને 15 હજારનો દંડ ફટકાર્યો

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડરે સમયમર્યાદામાં રિપોર્ટ રજૂ નહીં કરતા રેરાની કાર્યવાહી
  • રેરા એક્ટ મુજબ દરેક બિલ્ડરે પ્રોજેક્ટ અંગેની તમામ માહિતી સાથે ત્રિમાસિક અહેવાલ રજૂ કરવાનો હોય છે

રિઅલ એસ્ટેટ રેગ્યુલેશન ઓથોરિટી (રેરા) દ્વારા નિયત સમય મર્યાદામાં પ્રોજેક્ટ સ્ટેટસ સહિતનો રિપોર્ટ રજૂ નહીં કરનારા પ્રમોટરો (બિલ્ડરો) સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ, વેજલપુરના ઇન્ઝેન બિલ્ડકોન પ્રા.લિ.ના સ્તવન સિગ્નેચર પ્રોજેક્ટ માટે સમયમર્યાદામાં રિપોર્ટ રજૂ નહીં થતા રેરાએ પ્રમોટરને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

રેરાએ નોંધ્યું છે કે, રેરા એક્ટની જોગવાઇ મુજબ દરેક પ્રમોટરે પોતાના રજિસ્ટર્ડ પ્રોજેક્ટની વિગતો સાથેનો ત્રિમાસિક અહેવાલ નિયત સમયમર્યાદામાં રજૂ કરવાનો હોય છે. ઉપરાંત પ્રોજેક્ટ પૂર્ણ થવા અંગેની વિગતો અંતિમ અહેવાલ સ્વરૂપે ગુજરેરાના પોર્ટલ ઉપર રજૂ કરવાની રહે છે. સ્તવન સિગ્નેચર પ્રોજેક્ટનો ત્રિમાસિક અહેવાલ સમયસર રજૂ નહીં થતાં પ્રમોટરને નોટિસ પાઠવી હતી.

4 ઓગસ્ટ 2021ના રોજ પ્રમોટર રાજેશભાઇ ધોરાજીયા ઉપસ્થિત રહ્યા હતા અને લેખિત રજૂઆત કરી હતી કે 28 ફેબ્રુઆરી 2021ના રોજ ત્રિમાસિક અહેવાલ ટેકનિકલ ખામીના કારણે ભરી શક્યા નથી પરંતુ ત્રિમાસિક અહેવાલ ભરવાની તારીખ 7 ડિસેમ્બર 2020 હતી. પ્રોજેક્ટ પૂર્ણ થવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી 2021 હતી. પ્રોજેક્ટની અંતિમ તારીખ સુધી અંતિમ અહેવાલ ઓથોરિટી સમક્ષ રજૂ કર્યો નથી. આથી રેરા એક્ટના ભંગ બદલ દંડનો હુકમ કરાયો હતો.

આ ઉપરાંત ગાંધીનગરના સેક્ટર-29ના મંઝિલ ઇન્ફ્રાના પ્રોજેક્ટ પેરેડાઇસ હોમ્સ દ્વારા પણ વર્ષ 2019-20નો વાર્ષિક ઓડિટ અહેવાલ રજૂ કરવામાં નહીં આવતા રેરાએ સુઓમોટો કાર્યવાહી કરી હતી. સુનાવણી દરમિયાન પ્રમોટર કુતુબદ્દીન શેખ ઉપસ્થિત રહ્યા હતા. ફોર્મ-5ની કોપી રજૂ નહીં કરતા 15 હજારનો દંડ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...