તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહયોગ સંકુલમાં ભરતી પ્રક્રિયા:કોર્પોરેશન હસ્તકની શાળામાં શરૂ થનારા અંગ્રેજીના વર્ગો માટે ભરતી, 350 અરજીમાંથી 150 ઉમેદવાર લાયકાત ધરાવતા મળ્યા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવતીકાલે 10 જગ્યાઓ માટે સહયોગ સંકુલમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી કે.જી 1 થી ધોરણ - 1 માટે શરૂ કરવામાં આવનારા વર્ગો માટે નિષ્ણાત શિક્ષકોની ભરતી પ્રક્રિયા આવતીકાલે યોજાનાર છે. ત્યારે 10 જગ્યાઓ માટે 350 જેટલી અરજીઓ આવી હતી જેમાથી લાયકાત ધરાવતા 150 જેટલા જ ઉમેદવારોનાં આવતીકાલે ઈન્ટરવ્યુ લેવામાં આવનાર છે. ત્યારે કરાર આધારિત યોજાનાર ભરતી પ્રક્રિયામાં અંદરો અંદર જ ઓળખીતા પારખીતા ઉમેદવારોને નિમણૂક આપી દેવામાં આવશે તેવો કોર્પોરેશન તંત્રમાં ગણગણાટ શરૂ થવા માંડ્યો છે.

ગાંધીનગર મહાનગરપાલિકાના રહીશો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ગુણવત્તાવાળું શિક્ષણ સરકારી રાહે આપી શકે તેવું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. ચાલું નવા શૈક્ષણિક વર્ષથી ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાંચ સ્થળો ખાતે અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપતી કે.જી.-1 થી ધોરણ- 1 સુધીના વર્ગો શરૂ કરવામાં આવશે.

આ અંગ્રેજી માધ્યમનું શિક્ષણ કાર્ય તા. 1 જુલાઇ, 2021ના રોજથી કોરોના ગાઇડલાઇન્સ પ્રમાણે શરૂ કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા, બાસણ, સરકારી પ્રાથમિક શાળા, સેકટર- 29, સરકારી પ્રાથમિક શાળા, સેકટર-24, સરકારી પ્રાથમિક શાળા સેકટર 13, સરકારી પ્રાથમિક શાળા, ઇન્દ્રોડા શાળા અંગ્રેજી માધ્યમના વર્ગો શરૂ કરવામાં આવનાર છે. શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવનાર વર્ગો માટે કોર્પોરેશન તંત્ર દ્વારા તાજેતરમાં જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

જે અન્વયે કે.જી - 1 અને કે.જી 2 માટે નિષ્ણાત શિક્ષકોની ભરતી માટે ધોરણ 12 પાસ પ્લસ પ્રિ પીટીસી (અંગ્રેજી માધ્યમ) અથવા ધો. 12 પ્લસ ECCE કોર્સ (અંગ્રેજી માધ્યમ) અથવા 12 પાસ પ્લસ પીટીસી (અંગ્રેજી) અથવા બીએ બી.એડ (અંગ્રેજી વિષય સાથે) ની જાહેરાત બહાર પાડવામાં આવેલી હતી. જે માટેની અરજી તા. 26 મી જુન સુધી કરવા અરજદારોને કહેવાયું હતું. પરંતુ જે રીતે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી તેનાં કારણે મોટાભાગના નોકરી વાંછુ ઉમેદવારો અજાણ રહ્યા હતા. જેનાં કારણે માંગ્યા મુજબથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરવાથી વંચિત રહી જવા પામ્યા છે.

બીજી તરફ કોર્પોરેશન તંત્રમાં ઉક્ત જાહેરાત વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આપી હોવા ઉપરાંત ભૂતકાળમાં અન્ય કરાર આધારિત જાહેરાતો બહાર પાડી ઓળખીતા પારખીતા લોકોને સેટ કરી દેવામાં આવ્યા છે તેજ રીતે આ ભરતીમાં પણ સેટિંગ થઈ જશે તેવો ગણગણાટ શરૂ થવા માંડ્યો છે. આ અંગે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ મૂકેશ પટેલે જણાવ્યું હતું કે કોર્પોરેશન દરેક ભરતી પ્રક્રિયામાં નિયમો મુજબ ભરતી કરવામાં આવતી નથી. શાસન પક્ષ ભ્રષ્ટાચારની એક બારી ખુલ્લી રાખી ભરતી પ્રક્રિયા કરી રહ્યું છે.

આ અંગે શાસનાધીકારી કિરણબેન પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 350 જેટલી અરજીઓ આવી છે. જેમાંથી લાયકાત ન ધરાવતા ઉમેદવારો ની અરજી ધ્યાને લેવામાં આવી નથી. નિયમ મુજબ ખાલી પડેલી જગ્યા ની સામે ત્રણ ઘણા ઉમેદવારો ને ભરતી પ્રક્રિયામાં બોલાવવાનાં હોય છે. હાલમાં 10 જગ્યા માટે 150 જેટલા લાયકાત વાળા ઉમેદવારોની અરજી ધ્યાને લેવામાં આવી છે. પરંતુ સમગ્ર ભરતી કોર્પોરેશન દ્વારા કરાશે અને તેમનો પગાર પણ કોર્પોરેશન ચૂકવશે. હાલમાં જે ઉમેદવારોની અરજી ધ્યાને લેવામાં આવી છે તેવા જ ઉમેદવારોને ફોન કરીને આવતીકાલે હાજર રહેવાની જાણ કરી દેવામાં આવી છે. ત્યારે ફોન કરનાર કર્મચારી દ્વારા અંગ્રેજી વિષય સાથે એમ એ બી.એડ કરેલ ઉમેદવારને ફોન કરીને કાલે હાજર નહીં રહેવાની સૂચના આપવામાં આવી હોવાથી અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. ત્યારે આવતીકાલે સવારે સહયોગ સંકુલ ખાતે યોજાનાર ભરતી કેમ્પ માં પસંદગી ના પામેલા ઉમેદવારોને લેખિતમાં કારણ પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...